Tuesday 11 December 2018

કાળી શલવાર

મન્‍ટો વિશે તમે ઘણું વાંચ્‍યું હશે. અહીં તો હું એની એક વાર્તા લઈને આવ્‍યો છું, ‘કાલી શલવાર’ (એ પણ કદાચ તમે વાંચી લીધી હોય!). આમ તો એનું સાહિત્‍ય મૂળ ઉચ્‍ચારો સાથે વાંચવાની મજા છે. પણ રાતઉજાગરા કરીને અનુવાદ કર્યો હતો એટલે થયું કે, લાવો મિત્રો સાથે શેર કરીએ. ઇ.સ. 1941/42માં પ્રકાશિત મન્ટોના વાર્તાસંગ્રહ 'ધુવાં'માં સમાવાયેલી 'કાલી શલવાર' અેક રૂપજીવિનીના જીવન પર આધારિત કહાની છે. તેની સામે તત્કાલીન પંજાબ અદાલતમાં અશ્લીલતાનો કેસ દાખલ થયો હતો. અત્‍યારે સામાન્‍ય લાગે એવી આ વાર્તામાં મુખ્ય પાત્ર સુલતાના. એનો પુરુષમિત્ર ખુદાબખ્‍શ અને ઉત્તરાર્ધમાં આવતો શંકર. આઝાદી પહેલાંનું વાતાવરણ. સુલતાના ખુદાબખ્‍શ સાથે અંબાલા-છાવણીનું આનંદમય જીવન છોડીને દિલ્‍હી આવે છે, ત્‍યાં એની જિંદગીના કપરા દિવસો શરૂ થાય છે. મન્‍ટોની વાર્તા સમય કરતાં આગળ રહી છે, એના પુરાવારૂપ આ વાર્તામાં પુરુષ વેશ્‍યાનું પાત્ર જોવા મળે છે. મન્‍ટો એક જ વાત કરવા માગે છે કે, સમાજમાં જેને ધિક્કારની નજરે જોવામાં આવે છે એવા લોકો પાસે પણ હૃદય હોય છે અને તેમને પણ લાગણી, વ્‍યથા, વેદના હોય છે.
    દિલ્‍હીમાં રહેવા આવ્‍યા અગાઉ તે અંબાલા છાવણીમાં રહેતી, જ્યાં ઘણા ગોરા તેના ગ્રાહક હતા. અંગ્રેજ બાબુઓના સંપર્કમાં આવવાથી તે થોડાં-ઘણાં અંગ્રેજી વાક્યો બોલતા શીખી ગયેલી. જોકે, સામાન્‍ય વાતચીતમાં તે ઇંગ્લિશ બોલતી નહોતી. અલબત્ત, દિલ્‍હીમાં આવી ગયા બાદ તેનો ધંધો બરાબર જામ્‍યો નહીં એટલે એક દિવસ તેણે પાડોશણ તમંચાજાનને કહ્યું કે, ‘ધીસ લાઇફ, વેરી બેડ’. ભૂખમરા જેવી હાલત થતાં જિંદગી તેને ભંગાર લાગવા લાગી.

અંબાલા છાવણીમાં તેનો ધંધો જોરદાર ચાલતો. છાવણીના શોખીન ગોરાઓ દારૂ ઢીંચીને તેની પાસે આવી જતા. તે ત્રણ-ચાર કલાકમાં તો એવા આઠ-દસ માણસોને જલસો કરાવીને વીસ-ત્રીસ રૂપિયા કમાઈ લેતી. આ ગોરાઓ ભારતીયો કરતાં વધુ સારા હતા. બેશક સુલતાના આ ગોરાઓની ભાષા પૂરેપૂરી સમજી શકતી નહોતી, પરંતુ આ ભાષાકીય અજ્ઞાન તેના ફાયદામાં રહેતું. જો તેઓ કંઇ છૂટછાટ ઇચ્‍છે તો એમને તે માથું ધૂણાવીને સુણાવી દેતી કે, ‘સાહબ, હમારી સમઝ મેં તુમ્‍હારી બાત નહીં આતા’. –અને જો કોઇ હદ વટાવીને તેની છેડતી કરતું તો એને તે બબ્‍બે કટકા ગાળો ભાંડવા લાગતી. ગોરો આદમી એ સાંભળીને આશ્ચર્યચકિત થઈ એની સામે જોવા લાગતો. એનું ડાચું જોઈને તે બોલતી કે, ‘સાહબ, તુમ એક દમ ઉલ્‍લૂ કા પઠ્ઠા હૈ, હરામઝાદા હૈ, સમઝા !’ જીભ પર જરાય કડવાશ લાવ્‍યા વિના અત્‍યંત પ્રેમથી તે આ પ્રકારના શબ્દો ઉચ્‍ચારતી. એ સાંભળીને હસતો ગોરો સુલતાનાને સોએ સો ટકા મૂરખનો સરદાર લાગતો.

પરંતુ દિલ્‍હી આવ્‍યાને ત્રણ માસ જેવો સમય થયો છતાં એક પણ ગોરો તેના ઘર પાસે ફરક્યો નહોતો. તેણે તો સાંભળેલું કે, આવડા મોટા શહેરમાં મોટામોટા લાટ સાહેબો વસે છે. તેઓ પણ ઉનાળો આવતાં શિમલા જતા રહે છે. માત્ર છ માણસ તેની પાસે આવેલા. ખાલી છ ! મહિનામાં બે. એય કંજૂસ ગ્રાહકો પાસેથી માંડ કરીને તેને અઢાર રૂપિયા ને પચાસ પૈસા મળી શક્યા. ત્રણ રૂપિયાથી વધુ એક પૈસો પણ કોઇએ ન આપ્‍યો. સુલતાનાએ એમાંના પાંચ પુરુષને પોતાનો ભાવ દસ રૂપિયા કહેલો. તેના આશ્ચર્ય વચ્‍ચે દરેક પાસેથી એક જ જાતનો જવાબ મળ્યોઃ ‘ભઇ, હમ તીન રૂપિયે સે ઝ્યાદા એક કોડી નહીં દેંગે’ –કોણ જાણે શું કામ પણ એકેય જણ તેને રૂપિયા ત્રણથી વધારે લાયક ગણતો જ નહોતો. છેવટે છઠ્ઠો આદમી આવ્‍યો ત્‍યારે તેણે પોતે જ કહી દીધું, ‘દેખો મૈં તીન રૂપિયે એક ટાઇમ કે લૂંગી, ઉસસે એક અધેલા તુમ કમ કહો તો ના હોગા, અબ તુમ્‍હારી મર્ઝી હો તો રહો વરના જાઓ.’ આ શબ્દો સાંભળીને છઠ્ઠો માણસ કોઇ વિવાદમાં પડ્યા વિના તેને ત્‍યાં રોકાઈ ગયો. બીજા રૂમમાં જઈને તે પોતાનો કોટ ઉતારવા ગયો ત્‍યાં સુલતાનાએ કહ્યું કે, ‘લાઈએ, એક રૂપયા દૂધ કા’ તેણે રૂપિયાના બદલે આઠ આના આપ્‍યા. સુલતાનાએ પણ જે મળ્યું તે સારું એમ માનીને આનાકાની કર્યા વિના આઠ આનાનો ચળકતો સિક્કો ચૂપચાપ સ્‍વીકારી લીધો.

ત્રણ માસ અને માત્ર સાડા અઢાર રૂપિયા. મહિને વીસ રૂપિયા તો કોઠાનું ભાડું હતું. જેને મકાન-માલિક ફ્લેટ ગણાવતો હતો. એ ફ્લેટમાં એવું પાયખાનું હતું, જેમાં સાંકળ ખેંચવાથી બધી જ ગંદકી પાણીના ધોધ સાથે નીચે વહી જતી હતી, એ સમયે ભારે ઘોંઘાટ થતો. શરૂઆતમાં તો આ ઘોંઘાટથી તે ખૂબ ભયભીત બની ગઈ હતી. પહેલા દિવસે જ્યારે તે કુદરતી હાજત માટે જાજરૂમાં ગઈ ત્‍યારે તેની કમરમાં કારમી પીડા થતી હતી. જાજરૂ પતાવીને તે સાંકળ પકડી ઊભી થવા ગઈ, એ સાંકળને જોઈને તેને વિચાર સ્‍ફૂર્યો કે, આ મકાન ખાસ અમારા જેવા લોકોના રહેવા માટે તૈયાર થયા છે, આ સાંકળ એટલા માટે લટકાવવામાં આવી હશે કે, ઊભા થતી વેળા ટેકો લઈ શકાય અને કોઇ તકલીફ ન પડે. તેણે સાંકળ પકડીને ઊભા થવાની કોશિશ કરી એ સાથે જ ઉપર ખટખટ અવાજ આવ્‍યો. એકદમ પાણીનો ધોધ વછૂટ્યો એ સાથે જ તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

બીજા ઓરડામાં પોતાનો ફોટોગ્રાફીનો સમાન ઠીકઠાક કરતો ખુદાબખ્‍શ એક પારદર્શક શીશીમાં હાઇડ્રોક્યુનિયન રેડતો હતો. તેણે સુલતાનાની ચીસ સાંભળી. દોડીને બહાર આવ્‍યો. ‘શું થયું? આ ચીસ તારી હતી?’ તેણે સુલતાનાને પૂછ્યું.

‘આ મૂઉં માયખાનું છે કે બીજું કાંઈ?’ વધી ગયેલા ધબકારા સાથે હાંફતી-હાંફતી સુલતાના બોલવા લાગી. ‘...વચમાં આ રેલ ગાડીમાં હોય એવી સાંકળ શું કરવા લટકાવી હશે? મારી કેડ દુઃખતી હતી. મને થયું, લાવ એને પકડીને ઊભી થાઉં. પણ એેને પકડતાંવેંત એવો તો ધડાકો થયો કે, મારે તને શું કહેવું?’ આ સાંભળીને ખુદાબખ્‍શ ખૂબ હસ્યો. બાદમાં તેણે સુલતાનાને એ ટોઇલેટ વિશે બધી વાત સમજાવી દીધી કે, નવી સ્‍ટાઇલના આ સંડાસમાં સાંકળ ખેંચવાથી બધી જ ગંદકી જમીનમાં જતી રહે છે.

સુલતાના અને ખુદાબખ્‍શ કઇ રીતે એકમેકના પરિચયમાં આવ્‍યા એની પાછળ લાંબી કથા છે. ખુદાબખ્‍શ રાવલપિંડીનો વતની હતો. ભણતર પૂરું કરીને તેણે ટ્રક ચલાવવાનું શીખી લીધું. ચાર વર્ષ સુધી તે રાવલપિંડીથી કાશ્‍મીર વચ્‍ચે ગાડી ચલાવવાનું કામ કરતો રહ્યો. બાદમાં કાશ્મીરમાં એક સ્‍ત્રી સાથે તેની મિત્રતા થઈ. એને ભગાવીને સાથે લઈ ગયો. લાહોરમાં તેને કંઇ કામ ન મળ્યું એટલે તેણે એ સ્‍ત્રી પાસે ધંધો શરૂ કરાવ્‍યો. બે-ત્રણ વર્ષ આ ખેલ ચાલ્‍યા બાદ એ સ્ત્રી કોઇ અન્‍ય સાથે પલાયન થઈ ગઈ. ખુદાબખ્‍શને ખબર પડી કે, તે અંબાલામાં છે, એટલે એ ત્‍યાં પહોંચ્‍યો. અંબાલામાં તેની સ્‍ત્રી તો ન મળી પણ સુલતાના તેને મળી ગઈ. સુલતાનાને પણ તે ગમી ગયો.

ખુદાબખ્‍શના પ્રવેશથી સુલતાનાનો કારોબાર ધમધમવા લાગ્‍યો. સ્‍વભાવે અતિશ્રદ્ધાળુ બાઈ ખુદાબખ્‍શને ભાગ્‍યશાળી સમજવા લાગી. તેની નજરમાં ખુદાબખ્‍શનું માન વધી ગયું.

મહેનતુ સ્‍વભાવના ખુદાબખ્‍શને આખો દિવસ નવરા બેસવાનું ગમતું નહીં. રેલવે સ્‍ટેશનની બહાર લોકોની તસવીરો ખેંચવાનું કામ કરતા એક ફોટોગ્રાફર સાથે તેણે દોસ્‍તી કરી લીધી. તેની પાસે તે ફોટોગ્રાફી શીખ્‍યો. થોડા સમયમાં સુલતાના પાસેથી સાઠ રૂપિયા મેળવીને તેણે એક કેમેરા પણ વસાવી લીધો. ઘરમાં એક પડદો લગાવ્‍યો. બે ખુરશી મૂકાવી. ફોટા ધોવાની સામગ્રી પણ ખરીદી. આસ્‍તે આસ્‍તે તેણે પોતાનું કામ અલગથી શરૂ કરી નાખ્‍યું. ધંધો જામવા લાગ્‍યો. સમય જતાં તેણે અંબાલા છાવણીમાં જ સ્‍ટુડિયોનો પાયો નાખ્‍યો. ત્‍યાં તે ગોરાઓના ફોટા પાડતો. એક માસમાં તો સેંકડો ગોરાઓ સાથે તેની ઓળખાણ થઈ ગઈ. સુલતાનાને પણ તે ત્‍યાં જ લઈ ગયો. છાવણીમાં ખુદાબખ્‍શના માધ્‍યમથી અનેક ગોરાઓ સુલતાનાના કાયમી ગ્રાહક બની ગયા.

સુલતાનાએ કાનનાં બૂટિયાં ખરીદ્યાં, સાડા પાંચ તોલાની આઠ બંગડીઓ બનાવડાવી. દસ-પંદર સારી-સારી સાડીઓ પણ ખરીદી. ઘરમાં નવું ફર્નીચર આવ્‍યું. અંબાલા છાવણીમાં જાણે તેના જીવનમાં સોનાનો સૂરજ ઊગ્‍યો હતો. પણ એક દિવસ એકાએક ખુદાબખ્‍શે કોણ જાણે શા માટે મનોમન દિલ્‍હી જવાનું નક્કી કર્યું. જેને પોતાના માટે નસીબદાર ગણ્યો હોય એની વાતને સુલતાના ટાળી શકે એમ પણ નહોતી. ખુશીથી તેણે ખુદાબખ્‍શના નિર્ણયને આવકાર્યો. જ્યાં લાટ સાહેબો વસે છે એવા શહેરમાં પોતાનો ધંધો પણ વધુ સારી રીતે ચાલશે એવી આશા પણ બાંધી. સહેલીઓ પાસેથી તેણે દિલ્‍હીના વખાણ સાંભળ્યા હતા. વળી, ત્‍યાં હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ આવેલી હતી, જેના પ્રત્‍યે તે ખૂબ આસ્‍થા ધરાવતી હતી. છેવટે ઘરનો ભારેખમ માલસામાન વેંચી કરીને તે ખુદાબખ્‍શ સાથે દિલ્‍હી જઈ પહોંચી. ત્‍યાં તેઓ પ્રતિ માસ વીસ રૂપિયાના ભાડે ફ્લેટમાં રહેવા લાગ્‍યા.

રસ્‍તાની લગોલગ એક જ પ્રકારના નવા મકાનોની લાંબી હારમાળા. મ્યુનિસિપલ કમિટિએ ચોક્કસ વ્‍યવસાયીઓ માટે આ વિસ્‍તાર નક્કી કરી રાખ્‍યો હતો જેથી કરીને તેઓ શહેરમાં ઠેકઠેકાણે પોતાના અડ્ડા શરૂ ન કરે. નીચે દુકાનો હતી અને ઉપર રહેવા માટેના બે માળિયા ફ્લેટ. તમામ મકાનો એક જ પ્રકારની ડિઝાઇનના બનેલા હોવાથી શરૂઆતમાં તો સુલતાનાને પોતાનો ફ્લેટ શોધવામાં પણ ફાંફા મારવા પડતા. પણ લોન્‍ડ્રીની દુકાનનું બોર્ડ લાગી જતાં તેને ઘર માટે એક પાક્કી નિશાની હાથ લાગી હતી. ‘અહીં મેલા કપડાં ધોઈ આપવામાં આવે છે’ આ પાટિયું વાંચતાં જ તે પોતાનો ફ્લેટ ગોતી લેતી હતી. આવી તો તેણે ઘણી બધી નિશાનીઓ નક્કી કરી રાખી હતી. દાખલા તરીકે ‘કોલસાની દુકાન’ લખેલું હતું ત્‍યાં એની બહેનપણી હીરાબાઈ રહેતી હતી, જે ક્યારેક રેડિયોમાં ગાવા માટે જતી હતી. ‘સજ્જનો માટે ભોજનની ઉત્તમ વ્‍યવસ્‍થા’ લખેલું હતું ત્‍યાં એની સહેલી મુખ્‍તાર રહેતી હતી. એક કારખાનાની ઉપર અનવરી રહેતી હતી, તે એ કારખાનાના શેઠને ત્‍યાં કામ કરતી. શેઠને રાત્રે કારખાનાની સંભાળ રાખવી પડતી એટલે તેઓ અનવરીને ત્‍યાં રોકાતા.

‘માત્ર દુકાન ખોલી નાખવાથી ગ્રાહક નથી આવતા’- એક મહિના સુધી બેકાર રહેલી સુલતાનાએ આવું વિચારીને મનને સાંત્‍વના પાઠવી. બે મહિના વીતી ગયા તોય કોઈ ગ્રાહક તેના કોઠા પર દેખાયો નહીં એટલે તેની મૂંઝવણ વધવા લાગી.

‘શું વાત છે ખુદાબખ્‍શ? આપણે અહીં આવ્‍યા એને બે મહિના થયા છતાંય કોઈ આ બાજુ ફરકતું પણ નથી. માનું છું કે, આજકાલ બજારમાં મંદી ચાલે છે, પણ મંદી એવીયે નથી કે, આખા મહિનામાં કોઇ મોં જોવા પણ ન આવે !’ તેણે ખુદાબખ્‍શને કહ્યું.

ખુદાબખ્‍શને પણ આ વાત લાંબા સમયથી ખટકતી હતી, પરંતુ તે ખામોશ હતો. જોકે, સુલતાનાએ જ આ વાત ઉપાડી એટલે તે બોલ્‍યો, ‘હું ઘણા દિવસોથી એ બાબતે વિચારું છું. એક વાત સમજાય છે કે, યુદ્ધને કારણે લોકો બીજા ધંધાઓમાં પડી ગયા હોવાથી આ બાજુનો રસ્‍તો ભૂલી ગયા છે, કાં એવું પણ હોય કે...’ તે આગળ કંઈ કહેવા જતો હતો ત્‍યાં દાદરા પર કોઈના ચડવાનો પગરવ સંભળાયો. સુલતાના અને ખુદાબખ્‍શે બારણા પર નજર માંડી. થોડી વાર પછી દરવાજો ખખડ્યો. ખુદાબખ્‍શે ઠેક મારીને બારણું ઉઘાડ્યું. એક માણસ અંદર પ્રવેશ્‍યો. એ પહેલો ગ્રાહક હતો જેની સાથે ત્રણ રૂપિયામાં સોદો નક્કી થયો. ત્‍યાર બાદ બીજા પાંચ પણ આવ્‍યા. એટલે ત્રણ મહિનામાં છ, જેની પાસેથી સુલતાનાને મળ્યા માત્ર સાડા અઢાર રૂપિયા.

વીસ રૂપિયા તો દર મહિને ફ્લેટના ભાડામાં ચાલ્‍યા જાલ્‍યા ા. એટલે ત્રણ મહિનામાં છેતા. પાણીવેરો અને લાઇટબિલ અગલ. એ સિવાય ઘરના બીજા ખર્ચા, ખાવુંપીવું, કપડાંલત્તાં, દવાદારૂ; અને આવક મીંડું. ત્રણ માસમાં આવેલા સાડા અઢાર રૂપિયાને આવક તો કઈ રીતે કહી શકાય? સુલતાના આકુળવ્‍યાકુળ બની. સાડા પાંચ તોલાની આઠ બંગડીઓ તેણે અંબાલામાં બનાવડાવી હતી એ પણ ધીમેધીમે વેચાઈ ગઈ. છેલ્‍લી બંગડી વેંચવાનો વારો આવ્‍યો ત્‍યારે તેણે ખુદાબખ્‍શને કહ્યું કે, ‘મારી વાત માનો ને ચાલો પાછા અંબાલા. અહીં શું દાટ્યું છે? હશે મોટું શહેર પણ આપણને એ માફક નથી આવ્‍યું. તમારો ધંધો પણ ત્‍યાં સારો ચાલતો હતો. ચાલો પાછા જઈએ. જે નુકસાન થયું એ આપણા નસીબ. આ બંગડીને વેંચીને આવો. હું બિસ્‍તરા-પોટલાં બાંધીને રાખું છું. આજ રાતની ગાડીમાં જ અહીંથી જતા રહેશું.’

‘ના ગાંડી, અંબાલા નથી જવું. અહીં દિલ્‍હીમાં જ રહીને કમાઈશું. તારી આ બધી જ બંગડીઓ ફરી વસાવશું. અલ્‍લાહ પર ભરોસો રાખ. બધુ એ જ તો કરે છે. એ જ કોઈ જરિયો બનાવી દેશે.’ ખુદાબખ્‍શે બંગડી સુલતાનાના હાથમાંથી લઈને કહ્યું.

સુલતાના મૌન બની ગઈ. છેલ્‍લી બંગડી પણ હાથમાંથી ઉતરી ગઈ. બૂચા હાથ જોઈને તેનો જીવ બળી જતો હતો. પેટ ભરવા માટે તેની પાસે બીજો કોઈ રસ્‍તો પણ નહોતો.

પાંચ મહિના પસાર થયા. આવક ખર્ચ કરતાં ચોથા ભાગથી પણ ઘટી. સુલતાનાની ઉપાધિ ઓર વધી. ખુદાબખ્‍શ પણ હવે આખો દહાડો ઘરથી બહાર રહેવા લાગ્‍યો. સુલતાનાને એનું દુઃખ પણ હતું. બે-ત્રણ પાડોશણોને ઘરે જઈને અલકમલકની વાતો કરીને તે સમય પસાર કરી લેતી. પરંતુ રોજ એમના ઘરે જવું અને કલાકો સુધી બેસવું તેને ખરાબ લાગતું. ક્રમશઃ સહેલીઓને મળવાનું પણ તેણે ઓછું કરી નાખ્‍યું. આખો દિવસ તે પોતાના સુમસાન મકાનમાં જ બેસી રહેતી. ક્યારેક સોપારી કાપતી, પોતાના જૂનાં અને ફાટેલાં કપડાં સાંધતી. ક્યારેક બાલકનીમાં આવીને ઊભી રહી જતી અને સામે રેલવેના શેડમાં સ્‍થિર તેમજ ગતિમાન એન્‍જિનો તરફ કલાકો સુધી કોઈ કારણ વિના એકધારું જોયા કરતી.

રસ્‍તાની બીજી બાજુ ગોદામના મકાનોની હારમાળા આ ખૂણાથી પેલા ખૂણા સુધી લંબાતી હતી. જમણી બાજુ લોખંડના છાપરા નીચે મોટાં મોટાં પોટલાં પડ્યાં રહેતાં. ડાબી તરફ ખુલ્‍લું મેદાન હતું. જેમાં રેલગાડીના અગણિત પાટા બિછાવેલા હતા. તડકામાં આ ચમકતા પાટાઓને જોઈને સુલતાના પોતાના બન્‍ને હાથ નીરખવા લાગતી, જેમાં લીલી લીલી નસો એ પાટાઓની જેમ ઉપસેલી રહેતી હતી. એ લાંબા અને ખુલ્‍લા મેદાનમાં ચોવીસે કલાક રેલ ગાડીઓ અને એન્‍જિન આમથી તેમ ચાલ્‍યાં કરતાં. છુક-છુક-છુક-છુક સતત સંભળાયાં કરતું. સવારના પહોરમાં તે જાગીને ઝરૂખામાં આવતી ત્‍યારે વિચિત્ર વાતાવરણ લાગતુ. વહેલી પરોઢે એન્‍જિનોના ભૂંગળામાંથી નીકળતા ઘટ્ટ ધૂમાડાના ગોટા મેલા આકાશ તરફ જાણે અદોદળા માણસો દોડતા હોય એવા લાગતા. વરાળનાં મોટાં મોટાં વાદળાં પણ એક ઘોંઘાટની સાથે પાટાઓ પરથી ઉડતાં અને પલકવારમાં તો હવાની સાથે ભળી જતાં. પછી ક્યારેક કોઈ એન્‍જિને ધક્કો દઈને છોડી દીધા હોય એવા કોઈ ડબ્‍બાને પાટા પર એકલો જતો જોતી ત્‍યારે તેને સ્‍વયંનો વિચાર આવી જતો. તે વિચારતી કે, તેને પણ જિંદગીના પાટા પર કોઈએ ધક્કો દઈને છોડી દીધી છે, કોણ જાણે ક્યાં તે આપોઆપ જઈ રહી છે. એક દિવસ એવો આવશે જ્યારે ધક્કાનું જોર આસ્‍તે આસ્‍તે ઓસરી જશે. તે ક્યાંક રોકાઈ જશે. કોઇ એવા સ્‍થળે જેનાથી તે બિલકુલ પરિચિત નહીં હોય.

આમ તો તે કોઇ કારણ વિના કલાકો સુધી ટ્રેનના આ વાંકાચૂંકા પાટાઓ, ઊભેલા અને ચાલતા એન્‍જિનોને જોતી રહેતી. છતાં તેનું મન એને સાંકળીને અવનવા વિચારો કરવા લાગતું. અંબાલા છાવણીમાં તે રહેતી હતી ત્‍યારે સ્ટેશનની લગોલગ તેનું ઘર હતું. પરંતુ ત્‍યાં તેણે આ વસ્‍તુઓને આવી રીતે જોઈ નહોતી. હવે તો ક્યારેક તેને એવા વિચારો પણ આવે છે કે, આ સામે દેખાતું રેલના પાટાઓનું જાળું, ઠેકઠકાણે નીકળતા ધૂમાડા અને વરાળ –આ આખો વિસ્‍તાર જાણે કે વિશાળ વેશ્યાવાડો છે. ઘણી બધી ગાડીઓને કેટલાંક મહાકાય એન્‍જિન આમથી તેમ હડસેલી રહ્યા છે. સુલતાનાને ક્યારેક આ એન્‍જિન પેલા શેઠિયા જેવા લાગતા જે અંબાલામાં અમુકવાર તેને ત્‍યાં આવતા હતા. ક્યારેક તે કોઇ એન્‍જિનને હળવે હળવે ગાડીઓની હારમાળા વચ્‍ચેથી પસાર થતું જોતી તો એવું લાગતું કે, કોઇ પુરુષ રંડીબજારમાંથી નીકળતી વખતે કોઠાઓ તરફ જોતાજોતા જઈ રહ્યો છે.

સુલતાનાને ખબર હતી કે, આવું બધુ વિચારવું એ મગજ બહેર મારી જવાની નિશાની છે. આ પ્રકારના ખ્‍યાલોને કારણે તેણે અંતે રવેશમાં જવાનું પણ માંડી વાળ્યું. ખુદાબખ્‍શને તેણે વારંવાર કહ્યું કે, ‘જુઓ, મારી હાલત પર દયા કરો અને અહીં ઘરમાં રહેતા જાવ. હું આખો દિવસ અહીં એકલી રહીને બીમાર જેવી થઈ જાઉં છું.’ પરંતું તેણે દર વખતે સુલતાનને આમ કહીને દિલાસો આપ્‍યોઃ ‘જાનેમન! હું બહાર કંઈક કમાવવાની ચિંતામાં આંટા મારું છું. અલ્‍લાહ કરશે તો થોડા દિવસોમાં જ બેડો પાર થઈ જશે.’

પાંચ મહિના પૂરા થયા, પણ ન સુલતાનાનો બેડો પાર થયો ન ખુદાબખ્‍શનો.

મોહર્રમનો મહિનો નજીક આવી રહ્યો હતો, પરંતુ સુલતાના પાસે કાળા વસ્‍ત્રો બનાવવા માટે કંઇ નહોતું. મુખ્‍તારે લેડી હેમિલ્‍ટને તૈયાર કરેલી નવી ડિઝાઇનનો ઝભ્‍ભો બનાવડાવ્‍યો હતો. જેની બાંયોં કાળી જોર્જટની હતી. તેની સાથે મેચિંગ કરે એવી તેની પાસે કાળી સાટિનની શલવાર હતી, જે આંજણની જેમ ચમકતી હતી. અનવરીએ રેશમી જોર્જટની એક ખૂબ જ મુલાયમ સાડી ખરીદી હતી. તેણે સુલતાનાને કહેલું કે, તે આ સાડીની નીચે નવી ફેશન પ્રમાણે સફેદ બોસ્‍કીનું પેટીકોટ પહેરશે. એ સાડીની સાથે પહેરવા માટે અનવરી મખમલની મૃદુ મોજડી પણ લાવી હતી. આ બધી વસ્‍તુઓ જોયા બાદ સુલતાના ઘણી દુઃખી થઈ કારણ કે, મોહર્રમ મનાવવા માટેનો પોશાક ખરીદવાની પણ તેની ત્રેવડ નહોતી.

અનવરી અને મુખ્તારના લેબાશ જોઈને તે ઘરે આવી ત્‍યારે તેનું હૃદય અત્‍યંત શોકગ્રસ્‍ત હતું. તેને એવું લાગવા લાગ્‍યું કે, તેની અંદર એક ફોડલાએ આકાર લીધો છે. ઘર એકદમ ખાલીખમ હતું. ખુદાબખ્‍શ રાબેતા મુજબ બહાર હતો. મોડે સુધી તે માથા નીચે તકિયો રાખીને પાથરણા પર સૂતી રહી. ગરદન ઊંચી રહેવાને કારણે અકડાઈ જતાં તે બહાર બાલ્કનીમાં આવી પહોંચી એ આશાએ કે, દુઃખદાયક વિચારોને તે દિમાગમાંથી દૂર કરી શકે.

સામે પાટાઓ પર ગાડીઓના ડબ્‍બા ઊભા હતા પણ એન્‍જિન એકેય નહોતું. સાંજનો સમય હતો. છંટકાવ થયો હોવાથી વાતાવરણ ચોખ્‍ખું લાગતું હતું. બજારમાં એવા માણસોની અવરજવર વધી ગઈ હતી જેઓ પારકાં ઘરોમાં નજર નાંખીને ચૂપચાપ પોતાના ઘરની વાટ પકડતા હતા. એવા એક માણસે માથું ઊંચું કરીને સુલતાના તરફ જોયું. સુલતાનાએ સ્‍મિત કર્યું અને તેને ભૂલી ગઈ, કારણ કે તરત જ વચ્‍ચેથી એક એન્‍જિન પસાર થઈ ગયું. સુલતાનાએ ધ્યાનથી જોયું તો એને થયું કે, એન્‍જિને પણ કાળો પોશાક પહેરી રાખ્‍યો છે. આ વિચિત્ર વિચારને મનમાંથી દૂર કરવા તેણે અન્‍યત્ર નજર દોડાવી. રસ્‍તા પર બળદગાડા પાસે તેને પેલો માણસ ઊભેલો જોવા મળ્યો, જેણે તેના પ્રત્‍યે લોલુપ નજરે જોયું હતું. સુલતાનાએ હાથ વડે તેને ઇશારો કર્યો. તે માણસે આસપાસ જોયા બાદ રસપ્રદ સંકેત વડે પૂછ્યું કે, કઈ બાજુથી આવું? સુલતાનાએ તેને રસ્‍તો બતાવ્‍યો. તે માણસ થોડીવાર ઊભો રહ્યો બાદમાં તાત્‍કાલિક ઉપર દોડી આવ્‍યો.

તેને પાથરણા પર બેસાડ્યો. ‘તમને ઉપર આવવામાં બીક કેમ લાગતી હતી?’ સુલતાનાએ વાતચીત શરૂ કરવા પૂછ્યું.

‘તને એમ કેમ લાગ્‍યું? એમાં વળી બીક કેવી?’ સ્‍મિત કરતાં પુરુષ બોલ્‍યો.

‘એટલા માટે કે, તમે મોડે સુધી ત્‍યાં ઊભા રહ્યા અને કંઇક વિચારીને પછી અહીં આવ્‍યા.’ સુલતાનાએ સ્‍પષ્‍ટતા કરી.

‘તને ગેરસમજ થઈ, હું તો તારી ઉપરના ફ્લેટ તરફ જોતો હતો. ત્‍યાં ઊભેલી કોઇ બાઈ એક માણસને અંગૂઠો બતાવી રહી હતી. મને એ સીન ગમી ગયો. પછી બાલ્કનીમાં લીલા રંગનું અજવાળું થયું, એટલે હું થોડીવાર માટે ઊભો રહી ગયો. લીલી રોશની મને ગમે છે.’ ફરીવાર હસતા હસતા આગંતુક માણસ આ શબ્‍દો બોલ્‍યો. ઓરડાની એકે એક ચીજવસ્‍તુને નીરખીને તે ઊભો થયો.

‘તમે જાઓ છો?’ સુલતાનાએ પૂછ્યું.

‘ના, હું તારા આ મકાનને જોવા માગું છું. ચાલ, મને બધા રૂમ બતાવ.’ એ માણસે જવાબ આપ્‍યો.

સુલતાનાએ એક પછી એક ત્રણેય રૂમ તેને બતાવી દીધા. એ માણસે ચૂપચાપ ઓરડાઓ ધ્યાનથી જોયા. ફરી જ્યાં બેઠાં હતાં ત્‍યાં બન્‍ને આવ્‍યાં.

‘મારું નામ શંકર છે.’ પુરુષ બોલ્‍યો. સુલતાનાએ પહેલીવાર નીરખીને તેને જોયો. સામાન્‍ય ચહેરો ધરાવતા અને મધ્‍યમ કદના એ માણસની આંખો અસમાન્‍ય રીતે સાફ અને ચમકદાર હતી. ક્યારેક ક્યારેક એમાં એક જાતની વિચિત્ર ચમક જોવા મળતી. કસાયેલું ચુસ્‍ત શરીર હતું. કાનપટ્ટીના વાળ ધોળા થઈ રહ્યા હતા. ભૂખરા રંગનું ગરમ પેન્‍ટ પહેર્યું હતું. કોલર ઊંચા રાખેલું સફેદ ખમીસ પહેર્યું હતું.

શંકર પાથરણા પર એવી રીતે બેઠો હતો જાણે સુલતાના ગ્રાહક હોય. આ પ્રકારની શંકાએ સુલતાનાની ચિંતા વધારી. ‘બોલો...’ તે બોલી.

‘હું શું બોલું? તમે જ કંઇક બોલો! તમે જ તો મને બોલાવ્યો છે!’ સુલતાનાની વાત સાંભળીને બેઠેલો શંકર સૂઈ જતા બોલ્‍યો. ‘સમજ્યો, લ્‍યો સાંભળો. જે કંઈ તમે સમજ્યા એ ખોટું છે. હું એવા લોકોમાંથી નથી જે કંઇક આપીને જાય છે. ડોક્ટરની જેમ મારી ફી હોય છે. મને કોઈ બોલાવે એટલે તેણે ફી આપવી જ પડે.’ સુલતાના તરફથી કંઈ પ્રત્‍યુત્તર ન સાંપડતાં તે બેઠો થઈને બોલ્‍યો.

‘તમે કામ શું કરો છો?’ તેના શબ્દો સાંભળીને ચક્કરભમ્‍મર થવા છતાં અનાયાસ ખડખડાટ હસી પડેલી સુલતાનાએ પૂછી નાખ્‍યું.

‘તમે લોકો કરો છો એ જ.’ શંકરે જવાબ આપ્‍યો.

‘શું?’ સુલતાનાએ ફરી પૂછ્યું.

‘તમે શું કરો છો?’ શંકરે સામો સવાલ કર્યો.

‘હું... હું... હું કંઈ નથી કરતી.’ સુલતાનાએ કહ્યું.

‘હું પણ કંઈ નથી કરતો.’ શંકર બોલ્‍યો.

‘એવી તે કેવી આ વાત? તમે જરૂર કંઇક તો કરતા જ હશો.’ સુલતાના ઉકળી ઉઠી.

‘તમે પણ કંઇક તો જરૂર કરતા હશો.’ શંકરે એકદમ શાંતિથી કહ્યું.

‘જખ મારું છું.’

‘હું પણ જખ મારું છું.’

‘-તો ચાલો બન્‍ને જખ મારીએ.’

‘તૈયાર છું, પણ જખ મારવા માટે હું પૈસા ક્યારેય આપતો નથી.’

‘મગજનો ઇલાજ કરાવો. આ કાંઈ ધરમશાળા નથી.’

‘-અને હું પણ કાંઈ સ્‍વયંસેવક નથી.’

‘આ સ્‍વયંસેવક કેવા હોય?’ સુલતાનાએ અટકીને પૂછ્યું.

‘મૂરખના સરદાર.’ શંકર બોલ્‍યો.

‘હું મૂરખની સરદાર નથી.’

‘પણ ખુદાબખ્‍શ નામનો માણસ, જે તારી સાથે રહે છે એ સાચે જ મૂરખનો સરદાર છે.’

‘કેમ?’

‘તે કેટલાંય દિવસોથી એક એવા ફકીર પાસે પોતાનું નસીબ ખોલાવવા જઈ રહ્યો છે, જેનું ખુદનું ભાગ્‍ય કાટ ખાધેલા તાળાની જેમ બંધ પડ્યું છે.’ બોલીને શંકર હસ્‍યો.

‘તમે હિન્‍દુ છો એટલે અમારા આ બુઝુર્ગોની મશ્કરી કરો છો.’ સુલતાનાએ કહ્યું.

‘આવી જગાએ હિન્‍દુ-મુસલમાનનો સવાલ જ ઊભો ન થાય. મોટા મોટા પંડિત અને મૌલ્‍વી પણ આવી વાત આવે એટલે સજ્જન બની જાય.’ શંકરે હાસ્‍ય સાથે કહ્યું.

‘કેવી ઉટપટાંગ વાતો કરો છો. કહો, રહેશો?’

‘પહેલાં કહી એ જ શરતે.’

‘જાવ જાવ, રસ્‍તો માપો.’ કહેતા સુલતાના ઊભી થઈ ગઈ. શંકરે આરામથી ઊભા થઈને પાટલૂનના બન્‍ને ખિસ્‍સામાં હાથ ખોસ્‍યા.

‘હું ક્યારેક આ બજારમાંથી નીકળું છું. જરૂર જણાય ત્‍યારે બોલાવી લેજો. કામનો માણસ છું.’ કહીને શંકર ચાલ્‍યો ગયો. મોડે સુધી એના વિચારોમાં મગ્‍ન સુલતાના કાળા પોશાકને પણ ભૂલી ગઈ. એ માણસની વાતોથી તેનું દુઃખ હળવું થયું હતું. આ માણસ તેને અંબાલામાં મળ્યો હોત તો કોઇ બીજા જ મિજાજમાં તેણે તેની સાથે વર્તન કર્યું હોત. કદાચ તેને ધક્કા મારીને પણ બહાર કાઢી મૂક્યો હોત. અહીં તે ઉદાસ રહેતી હોવાથી શંકરની વાતો તેને ગમી.

‘તમે આજ આખો દી’ ક્યાં ખોવાયા હતા?’ સાંજે ઘરે આવેલા ખુદાબખ્‍શને સુલતાનાએ પૂછ્યું.

‘જૂના કિલ્‍લે ગયો હતો. ત્‍યાં એક બુઝુર્ગ કેટલાંક દિવસોથી રોકાયેલા છે. આપણી કિસ્‍મતના દરવાજા ખૂલી જાય એ આશાએ રોજ તેમની પાસે જાઉં છું.’ થાકીને લોથપોથ થયેલા ખુદાબખ્‍શે કહ્યું.

‘તેમણે તમને કંઈ કહ્યું?’ સુલતાનાએ પૂછ્યું.

‘ના, હજી તેમની મહેર થઈ નથી. પણ સુલતાના, હું તેમની સેવા કરું છું તે એળે નહીં જાય. અલ્‍લાહની મહેરબાની રહી તો સો ટકા નસીબ આડેનું પાંદડું ખસી જશે.’ ખુદાબખ્‍શે કહ્યું.

સુલતાનાના મનમાં મોહર્રમ મનાવવાના વિચારો ઘોળાતા હતા. રડમસ સ્‍વરે તેણે ખુદાબખ્‍શને કહ્યું કે, ‘તમે આખો દિવસ બહાર આંટા મારો છો અને હું અહીં પાંજરામાં પૂરાયેલી રહું છું. ક્યાંય આવ-જા કરી શકતી નથી. મોહર્રમ મહિનો માથે આવી રહ્યો છે, મારે કાળાં કપડાં લેવા છે એની કાંઈ પડી છે કે નહિ તમને? ઘરમાં પાવલી પણ નથી. બંગડીઓ એક-એક કરીને વેચાઈ ગઈ. હવે તમે જ બોલો, શું થશે? આમ ફકીરોની પાછળ ક્યાં સુધી તળિયા ઘસશો. મને તો એવું લાગે છે કે, અહીં ખુદાએ પણ આપણાથી મોં ફેરવી લીધું છે. મારું માનો ને તમારો કામધંધો શરૂ કરી દો. બે પૈસા તો મળી જ રહેશે.’

ખુદાબખ્‍શે પાથરણા પર લંબાવીને કહ્યું, ‘પણ અહીં કામ શરૂ કરવા માટેય થોડી મૂડી તો જોઈએ. મહેરબાની કરીને તું રોદડાં રોવાનું બંધ કર. હું સહન નથી કરી શકતો. મેં ખરેખર અંબાલા છોડવામાં ભૂલ કરી, પણ જે કંઇ થાય છે એ આપણા સારા માટે અને અલ્‍લાહની મરજીથી થાય છે. કોને ખબર કે, થોડો સમય વધુ કષ્‍ટ વેઠ્યા પછી આપણે...’

સુલતાનાએ એની વાત કાપતાં કહ્યું, ‘ખુદાને વાસ્‍તે તમે કંઇક કરો. ચોરી કરો કે ધાડ પાડો પણ મને શલવારનું કપડું લાવી આપો. મારી પાસે સફેદ બોસ્‍કીનું ખમીસ પડ્યું છે. એને હું રંગાવી લઈશ. સફેદ નિયોનની નવી ઓઢણી પણ મારી પાસે છે, જે દિવાળી પર તમે મને લાવી આપી’તી. એને પણ ખમીસની સાથે જ રંગાવી લઈશ. હવે ખાલી શલવાર બાકી રહે છે. જુઓ તમને મારા સમ છે, ગમે એ રીતે મને શલવાર લાવી આપો, નહિ તો મારું મરેલું મોઢું જોશો.’

ખુદાબખ્‍શ બેઠો થઈને બોલ્‍યો, ‘તું તો હવે કારણ વગરની વાતને લંબાવી રહી છો. હું ક્યાથી લાવીશ? અફીણ ખાવા પણ કાવડિયા નથી.’

‘સો વાતની એક વાત, મને સાડા ચાર ગજની કાળી સાટિન જોઇશે જ.’ સુલતાનાએ સંભળાવ્‍યું.

‘દુઆ કરીએ કે, આજ રાતે અલ્‍લાહ બે-ત્રણ માણસોને મોકલી આપે.’ ખુદાબખ્‍શ બોલ્‍યો.

‘પણ તમે હાથપગ નહીં ચલાવો? તમે ધારો તો એટલા નાણાં તો જરૂર કમાઈ શકો છો. લડાઈ પહેલાં આ સાટિન બારથી ચૌદ આનાની ગજ મળી રહેતી. હવે ગજનો ભાવ સવા રૂપિયો થઈ ગયો છે. સાડા ચાર ગજના કેટલા રૂપિયા થાય?’

‘હવે તું કહે છે તો હું કંઈક વેંત કરું છું.’ એમ કહી ખુદાબખ્‍શ ઊભો થયો, ‘ચાલ હવે આ બધી વાતોને ભૂલી જા, હું હોટલેથી જમવાનું લઈને આવું છું.’

હોટલથી જમવાનું આવ્‍યું. બન્‍ને કમને જમ્યા અને સૂઈ ગયા. સવાર પડી. ખુદાબખ્‍શ જૂના કિલ્‍લા પાસે રહેતા ફકીર પાસે ઉપડ્યો. સુલતાના એકલી પડી. થોડી વાર પડી રહી, થોડું ઊંઘી. આમતેમ રૂમમાં આંટા માર્યા. બપોરનું ખાણું ખાઈને તેણે સફેદ નિયોનનો દુપટ્ટો તથા સફેદ બોસ્‍કીનું ખમીસ કાઢ્યું. નીચે ધોબીને રંગવા માટે આપી આવી. કપડાં ધોવાની સાથે રંગવાનું કામ પણ ત્‍યાં થતું. પરત આવીને તેણે ફિલ્‍મોના પુસ્‍તકો વાંચ્યા. એમાં તેણે જોયેલા ચલચિત્રોની વાર્તા અને ગીતો હતાં. વાંચતા-વાંચતા તેને ઊંઘ ચડી ગઈ. આંખ ઉઘડી ત્‍યારે પાંચ વાગ્‍યા હતા. તડકો આંગણામાંથી ખાળ પાસે સરકી ગયો હતો. નહાઈ-ધોઈને નવરી પડી. હૂંફાળી ચાદર ઓઢીને બાલ્કનીમાં આવી. આશરે એકાદ કલાક સુધી તે ત્‍યાં જ ઊભી રહી. હવે સાંજ પડી હતી. લાઇટો ઝળહળી ઉઠી. નીચે માર્ગ પર રોનક જોવા મળતી હતી. ટાઢ થોડી તીવ્ર બની. જોકે, સુલતાનાને એ અસહ્ય ન લાગી. તે સડક પર પસાર થતી ઘોડાગાડીઓ અને કારોને સતત જોયા કરતી હતી. અચાનક તેને શંકર નજરે પડ્યો. મકાન નીચે આવીને તેણે માથું ઊંચું કર્યું. સુલતાના તરફ જોઈને હસ્‍યો. સુલતાનાએ અનાયાસે હાથ ઊંચો કર્યો અને તેને ઉપર બોલાવ્‍યો.

શંકર ઉપર આવ્‍યો તો તેની મૂંઝવણ વધી કે આને કહેવું શું? વાસ્તવમાં તેણે એમ જ કંઈ વિચાર્યા વગર ઇશારો કરી નાખ્‍યો હતો. શંકર જાણે પોતાના ઘરમાં હોય એ રીતે બિન્‍દાસ્‍ત હતો. કોઈ ઔપચારિકતા વિના જ તે અગાઉની માફક તકિયો માથા નીચે રાખીને લાંબો થઈ ગયો. સુલતાના એક અંતરાલ સુધી મૌન રહી એટલે તે બોલ્‍યો, ‘તું મને સો વાર બોલાવી શકે અને સો વાર કાઢી શકે. મને આવી વાતોનું ખોટું નથી લાગતું.’

ગડમથલ અનુભવતી સુલતાનાએ કહ્યું, ‘ના, બેસો. તમને જવાનું કોણ કહે છે?’

‘-એટલે મારી શરતો તને મંજૂર છે?’ હસતા-હસતા શંકર બોલ્‍યો.

‘કેવી શરતો?’ સુલતાના પણ હસવા લાગી, ‘તમે કંઇ મારી સાથે લગ્‍ન કરો છો?’

‘નિકાહ અને લગ્‍ન કેવા? તું કે હું જિંદગીમાં ક્યારેય લગ્‍ન નહીં કરી શકીએ. મૂક આવી નકામી વાતોને અને કંઈક કામની વાત કર.’

‘કહો, કેવી વાત કરું?’

‘તું સ્‍ત્રી છો. દિલ ખુશ થઈ જાય એવી વાત કર. આ જગતમાં ધંધો ને ધંધો જ નથી, બીજું કંઈક પણ છે.’

સુલતાના હવે માનસિક રીતે શંકરને સ્‍વીકારી ચૂકી હતી. ‘ચોખ્‍ખેચોખ્‍ખું કહી દો, તમારી ઇચ્‍છા શી છે?’ તેણે શંકરને પૂછી લીધું.

‘જે બીજા લોકો ઇચ્‍છે છે.’ શંકર બેઠો થયો.

‘તમારા અને બીજામાં તો ફેર શું?’ સુલતાનાએ કહ્યું.

‘તારા અને મારા વચ્‍ચે કોઈ તફાવત નથી. તેમના અને મારામાં હાથી અને ઘોડાનો ફરક છે. એવી ઘણી વાતો હોય છે જે પૂછવાના બદલે જાતે સમજી લેવી જોઈએ.’ શંકર બોલ્‍યો.

સુલતાનાએ થોડીવાર માટે શંકરની આ વાત સમજવાની કોશિશ કરી. પછી કહ્યું, ‘હું સમજી ગઈ.’

‘-હવે બોલ, શું વિચાર છે?’ તરત શંકરે પૂછી લીધું.

‘તમે જીત્‍યા, હું હારી ગઈ. પણ મારો દાવો છે કે, આજ સુધી કોઈએ આવી વાત સ્‍વીકારી નહીં હોય.’

‘ખોટી વાત. આ જ લત્તામાં તને એવી ભોળી બાઈઓ મળી જશે જે ક્યારેય નહીં માને કે, એક સ્‍ત્રી આવું અપમાન કબૂલી શકે. જેનો તું કોઈ અહેસાસ વિના સ્‍વીકાર કરતી આવી છો. જોકે, એમના ન માનવા છતાં એવી સ્‍ત્રીઓ હજારોની સંખ્‍યામાં જીવે છે. તારું નામ સુલતાના છે ને?

‘સુલતાના જ છે.’

શંકર ઊભો થયો અને હસવા લાગ્‍યો. ‘મારું નામ શંકર છે. નામો પણ ઘણાં વિચિત્ર હોય છે. ચાલ, અંદર જઈએ.’

શંકર અને સુલતાના પાથરણાવાળા રૂમમાં પાછા આવ્‍યા ત્‍યારે બન્‍ને હસતા હતા, ખબર નહીં કઈ વાતે. શંકર જવા લાગ્‍યો ત્‍યારે સુલતાનાએ તેને કહ્યું, ‘શંકર, મારી એક વાત માનશો?’

‘પહેલાં વાત જણાવ.’ શંકરે ઉત્તર વાળ્યો.

સુલતાના થોડી શરમાઈ ગઈ. ‘તમને એમ થશે હું પૈસા વસૂલ કરવા માગું છું પણ...’

‘બોલ, બોલ. રોકાઈ કેમ ગઈ?’

સુલતાનાએ હિંમત કરીને છેવટે કહી નાખ્‍યું, ‘વાત એમ છે કે, મોહર્રમ આવી રહ્યો છે અને મારી પાસે એટલાં નાણાં નથી કે, હું કાળી શલવાર સીવડાવી શકું. અહીંની બધી વ્‍યથા-કથા તો તમે મારા મોઢે સાંભળી ચૂક્યા છો. ખમીસ અને દુપટ્ટો મારી પાસે હતા, એ મેં આજે જ રંગાવવા આપી દીધા.’

એ સાંભળીને શંકરે કહ્યું, ‘એટલે કે, હું તને થોડાક રૂપિયા આપું એટલે તું આ કાળી શલવાર સીવડાવી શકે, એમ ને?

સુલતાના તરત બોલી, ‘ના, હું એમ કહેવા માગું છું કે, બની શકે તો તમે મને એક કાળી શલવાર લાવી આપો.’

શંકર હસવા લાગ્‍યો, ‘મારા ખિસ્‍સામાં તો ભાગ્‍યે જ કંઈ હોય છે. આમ છતાં હું કોશિશ કરીશ. મોહર્રમની પહેલી તારીખે તને આ શલવાર મળી જશે. લે, હવે રાજી?’ સુલતાનાના બૂટિયાં તરફ જોઇને તેણે પૂછ્યું, ‘શું આ બૂટિયાં તું મને આપી શકે?’

સુલતાનાએ હસીને કહ્યું, ‘તું એનું શું કરીશ? ચાંદીના સામાન્‍ય બૂટિયાં છે. વધુમાં વધુ પાંચ રૂપિયાના હશે.’

‘મેં તારી પાસે બૂટિયાં માંગ્‍યા છે, એનો ભાવ નથી પૂછ્યો. બોલ, આપીશ?’ શંકરે પૂછ્યું.

‘આ લો.’ એમ કહીને સુલતાનાએ બૂટિયાં કાઢીને શંકરને આપી દીધા. બાદમાં તેને અફસોસ થયો પણ ત્‍યાં સુધીમાં તો શંકર ચાલ્‍યો ગયો હતો.

સુલતાનાને જરાય વિશ્વાસ નહોતો કે, શંકર પોતાનું વચન પાળશે. પરંતુ આઠ દિવસ બાદ મોહર્રમની પહેલી તારીખે સવારે નવ વાગ્‍યે દરવાજો ખખડ્યો. સુલતાનાએ દરવાજો ખોલ્‍યો તો શંકર ઊભો હતો. એક પડીકું તેણે સુલતાનાને સોંપતાં કહ્યું, ‘સાટિનની કાળી શલવાર છે, જોઈ લેજે કદાચ લાંબી હશે. હવે હું જાઉં છું.’

શંકર શલવાર આપીને બીજું કંઈ બોલ્‍યા વિના ચાલ્‍યો ગયો. તેની પાટલૂનમાં કરચલીઓ પડેલી હતી. વાળ વિખેરાયેલા હતા. જાણે હમણા જ ઊઠીને તે સીધો સુલતાના પાસે આવ્‍યો હોય એવું તેને જોતાં લાગતું હતું.

સુલતાનાએ પડીકું ખોલ્‍યું, એમાંથી સાટિનની કાળી શલવાર નીકળી. મુખ્‍તાર પાસે તેણે જોઈ હતી એવી જ શલવાર. સુલતાના ઘણી ખુશ થઈ. બૂટિયાં આપી દેતાં તેને થયેલો અફસોસ શંકરે પાળી બતાવેલાં વચનથી દૂર થયો.

બપોરે લોન્‍ડ્રીની દુકાનેથી તે પોતાનું રંગાયેલું ખમીસ અને ઓઢણી લઈ આવી. ત્રણેય કાળાં વસ્‍ત્રો તેણે પહેરી લીધાં, ત્‍યાં બારણું ખખડ્યું. સુલતાનાએ દરવાજો ઉઘાડ્યો. જોયું તો મુખ્‍તાર હતી. અંદર આવીને તેણે સુલતાનાનો પોશાક જોતાં કહ્યું, ‘ખમીસ અને ઓઢણી તો રંગાવ્‍યા હોય એવું લાગે છે, પણ આ શલવાર નવી છે, ક્યારે સીવડાવી?’

સુલતાના બોલી, ‘આજે જ દરજી આપી ગયો...’ બોલતાં બોલતાં તેની નજર મુખ્‍તારના કાન પર પડી, ‘આ બૂટિયાં તેં ક્યાંથી ખરીદ્યાં?’

‘આજે જ મંગાવ્‍યાં!’ મુખ્‍તારે જવાબમાં કહ્યું.

બાદમાં થોડીવાર સુધી બન્‍નેએ મૌન રહેવું પડ્યું.

(સમાપ્‍ત)

અનુવાદકઃ ઇમરાન દલ

No comments:

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...