Monday 3 December 2018

અજગર કરે ના ચાકરી, પંછી કરે ના કામ

રોટી, કપડાં અને મકાન એ દરેક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે. માણસ જ નહિ બલકે પશુ-પંખીને પણ રહેણાંક અને આહારની જરૂર તો પડતી જ હોય છે. જોકે, કપડાં વિના પ્રાણીને ચાલે છે, પણ માણસને ચાલતું નથી. માણસ જાહેર જીવનમાં ગમે એટલી નાગાઈ આચરે પણ શરીર પરથી કપડું દૂર થાય તો જાણે એની આબરૂના લીરેલીરા ઊડી જાય. માણસ અને જાનવર વચ્ચે મુખ્ય સમાનતા ગણીએ તો એ પેટની છે. પેટનો ખાડો પૂરવા બન્ને પ્રકારના સજીવોએ મહેનત કરવી પડે છે. છતાં આ મહેનત કરવામાં કદાચ માણસને વધુ કષ્ટ પડે છે. પેટ ભરવા માટે માણસે બીજા માણસ પર આધારિત રહેવું પડે છે. પોતાનો વ્યવસાય હોય તો ક્લાયન્ટ કે ગ્રાહક પર અવલંબિત રહેવું પડે. જોબ હોય તો બોસ કે કંપનીની મોહતાજી. બૌદ્ધિક રીતે માણસ બીજા પ્રાણીઓને આંટી જાય પણ શારીરિક રીતે ઘણો કમજોર છે. નોકરી કદાચ એની અનેક કમજોરીઓ પૈકીની એક છે. શું તમે કોઈ ચકલાં, પોપટ, કાગડા, વાઘ, દીપડા કે કીડી, મકોડાને નોકરીએ જતાં જોયાં છે?

અભ્યાસ પૂરો થયા બાદ દરેક યુવક-યુવતી નોકરીની શોધ કરવા નીકળી પડે છે. કોઈ પોતાનો નાનો ધંધો કરવાનું પણ વિચારતું નથી. જાણે જાતે જ પોતાને કેદ કરવા માટે કોઈ દેડકો કૂવાની શોધમાં નીકળ્યો હોય. પણ જ્યાં સુધી કમાવાની જવાબદારીનું પોટલું માથે આવ્યું નથી હોતું ત્યાં સુધી વટથી નોકરીની તલાશ ચાલે છે, કોલર ઊંચા રાખીને! ડિગ્રીધારી બનવાથી માંડીને નોકરીએ લાગ્યા સુધીનો સમયગાળો સગાઈથી લગ્ન વચ્ચેના સમય જેવો હોય છે. રાત્રે મોડા મોડા સૂવાનું, કારણ કે સવારે ક્યારે ઊઠવું એની કોઈ ઉપાધિ નથી હોતી. સવારે વહેલા ઉઠવાની તો કોઈ જરૂર જ નથી પડતી. 

નોકરી ગુમાવવાનો સમય કેવો કપરો હોય છે? એમાંય અચાનક એવી ઘડી આવે ત્યારે જાણે સ્વયં યમદૂત આજુબાજુ આંટા મારતા હોય એવો ભાસ થવા લાગે. નોકરી ન હોય તો કંઈક તો કરવું જ પડે ને? જેની આવકથી તાગડધિન્ના કરી શકાતી એવો બાપ પણ કામ ન આવે. નોકરી કે વ્યવસાય કરતી પત્નીની આવક પર ક્યાં સુધી નભી શકો? દુનિયા મહેણું મારશે એવી બીકથી નરબંકા ફફડતા રહે છે. તેના માટે નોકરીની ડેલીએ ઘૂંટણિયાં ટેકવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. નોકરી જતી રહે તો નોકરી જ ગોતવી પડે. કદાચ નોકરીનો નોકરી સિવાય કોઈ વિકલ્પ નથી. જેમ એકનું એક સંતાન ગુમાવતાં કોઈ પિતા પર દુ:ખના પહાડ આવી પડે એમ એકની એક નોકરી ગુમાવનાર માણસની હાલત પણ એ દુઃખી પિતા જેવી જ બને છે.

જોબલેસ હોવું એ એક પ્રકારે મોક્ષને પામવા જેવું પણ કહી શકાય. એ તો જાત અનુભવે જ મેળવી શકાય એવી ચીજ છે. ખરો પ્રશ્ન જોબલેસ પ્રાપ્તિ પછી જન્મે છે. એક જમાનામાં(એ જમાનો હજી જૂનો નથી થયો.) ડાહ્યા ચિંતકો સફળ થવા માટે યુવાનોને શિખામણ આપતા હતા કે, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. તેઓ એ કહી શકતા નહોતા કે, કામ તો કરવું  જ પડશે. એટલે આજે પણ અનેક લોકો ગમતું કામ શોધવામાં હજી ફાંફા મારે છે, કામને ગમતું કરવાના નામે ઢસરડા કર્યે જાય છે.

No comments:

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...