Wednesday 7 December 2022

વિક્રમ ગોખલેઃ ગુજરાતી ફિલ્મ જગતના પણ તેઓ સ્ટાર હતા


વિક્રમ ગોખલેએ છેલ્લા શ્વાસ લીધા એ સાથે હિન્દી-મરાઠી ફિલ્મ અને નાટ્ય જગતમાં શોક છવાઈ ગયો. જોકે ગુજરાતી દર્શકોમાં પણ આઘાત ઓછો નથી. બહુધા મરાઠી રંગમંચ અને હિન્દી-મરાઠી ફિલ્મના અભિનેતા તરીકે ગોખલેને યાદ કરવામાં આવે છે પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે પણ તેમનો અતૂટ નાતો રહ્યો હતો. તેમણે ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગમાં એકાધિક ફિલ્મોમાં અભિનય કરી ગુજરાતી દર્શકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. 

વિક્રમ ગોખલનો જન્મ પુણેમાં. મુખ્યત્વે ફિલ્મ, ટેલિવિઝન અને નાટકના કલાકાર. તેમણે મરાઠી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં મહત્ત્વના પાત્રો ભજવ્યાં. અભિનય તો જાણે વારસામાં મળ્યો હતો. તેમનાં પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય સિનેજગતનાં પ્રથમ અભિનેત્રી. તેમનાં દાદી કમલાબાઈ પ્રથમ મહિલા બાળ કલાકાર. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગમંચ અને ફિલ્મ કલાકાર હતા. આ પ્રકારે પરિવારમાંથી જ અભિયનકળાનું વાતાવરણ મળ્યું. એટલે પુખ્ત થયા એ સાથે તેઓ પણ ફિલ્મ અને નાટ્યજગતમાં પ્રવેશ્યા. 

હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથેની ‘પરવાના’, ‘અગ્નિપથ’ અને ‘ખુદા ગવાહ’ તેમની કારકીર્દિની ત્રણ યાદગાર ફિલ્મો ગણાય છે. એ પ્રકારે ‘વિક્રમવેતાલ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ભુલભુલૈયા’ જેવી કેટલીય ફિલ્મોમાં અભિનય કરી, તેમણે બહોળી લોકચાહના મેળવી હતી.

ઉત્કૃષ્ટ અભિનયને કારણે વિક્રમ ગોખલેને અનેક માનઅકરામ મળ્યાં. ૨૦૧૩માં આવેલી મરાઠી ફિલ્મ ‘અનુમતિ’માં ભજવેલા યાદગાર અભિનયને લીધે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. અભિનયની સાથે તેમણે નિર્દેશન ક્ષેત્રે પણ પ્રયોગ કર્યા. ૨૦૧૦માં રિલીઝ થયેલી ‘આઘાત’ તેમની નિર્દેશિત પ્રથમ મરાઠી ફિલ્મ. 

અભિનયની સૂક્ષ્મતાઓના જાણતલ અને લોકપ્રિય હોવાની સાથે એક વ્યક્તિ તરીકે પણ તેઓ ઊંચા દરજ્જાના હતા. એનો દાખલો આપતાં ગાયક પ્રફુલ્લ દવે ફેસબુક પર લખેલા સંસ્મરણમાં કહે છેઃ ‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી અનેક ફિલ્મોની સફળતા પછી એક વાર એ એર ઇન્ડિયાની ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં અમેરિકા અભિનયના વર્કશોપ માટે જતા હતા અને એ જ ફ્લાઇટમાં હું પણ હતો પણ ઇકોનોમી ક્લાસમાં! એ મને ઓચિંતા જોઈ ગયા અને મારો હાથ પકડીને બિઝનેસ ક્લાસમાં લઈ ગયા! મેં કહ્યું, વિક્રમભાઈ મારી ઇકોનોમીની ટિકીટ છે તો એણે એ જ વખતે બિઝનેસ ક્લાસના ક્રુઝ (કર્મચારીઓ)ને મરાઠીમાં કહી દીધું કે “જે પૈસા થાય એ કહો એટલે ક્રેડીટ કાર્ડથી ચુકવી દઉં! આ ગુજરાતના બહુ મોટા ગાયક છે અને એના કારણે ગુજરાતી ફિલ્મો અને મારી જેવા હીરો ચાલ્યા છે! જોકે એર ઇન્ડિયાએ ચાર્જ ના કર્યો પણ વિક્રમભાઈના કારણે ફેવર કરી અને હું પણ થોડીવાર એની સાથે બેસીને પાછો મારી ઇકોનોમીની સીટ પર જતો રહ્યો.’


જ્યારે 1975થી 1990 દરમ્યાન ગુજરાતી ફિલ્મ જગતનો સોનેરી યુગ ચાલતો હતો ત્યારે મરાઠી ફિલ્મો અને રંગભૂમિના અને ટેલિવિઝનના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેએ ‘કોઈનું મિંઢોળ કોઈના હાથે’, ‘ચોરીના ફેરા ચાર’, ‘જય મહાકાળી’, ‘આપો જાદરો’, ‘પાળિયાનો પડકાર’, વગેરે જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં દમદાર અભિનય કરેલો, આ બધી ફિલ્મોના ગીતોમાં પ્રફુલ્લ દવેએ એમને કંઠ આપ્યો હતો. એ ગીતો સુપરહિટ થયા હતા. 

ગુજરાતી ફિલ્મોમાં તેમના અભિનયને લીધે દર્શકો તેમને ગુજરાતી જ માનતા. તેમની ડાયલોગ બોલવાની છટા લોકોનું મન મોહી લેતી. તેમના એ સંવાદો અને ગીતોને તેમના ચાહકો આજેય યાદ કરે છે.

ગોખલે પુણેમાં સુજાતા ફાર્મ્સ નામની રિયલ એસ્ટેટ પેઢી ચલાવતા હતા. તેઓ સામાજિક કાર્યકર પણ હતા. તેમના પરિવારનું ચેરિટેબલ ફાઉન્ડેશન વિકલાંગ સૈનિકો, રક્તપિત્તથી પીડાતા અને અનાથ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. 

ફેબ્રુઆરી 2016માં ગળાની બિમારીને કારણે તેમણે રંગભૂમિની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તેમણે ફિલ્મમાં અભિનય ચાલુ રાખ્યો હતો. તેમને 5 નવેમ્બર 2022ના રોજ પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એકથી વધુ અંગોએ કામ કરવાનું બંધ કરી દેતાં 26મી નવેમ્બરે તેમનું 77 વર્ષની વયે તેમનું નિધન થયું.

(અભિયાન સાપ્તાહિકના  ૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ના અંકમાં પ્રકાશિત)


Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...