Monday 10 December 2018

જીવન નિયંત્રણ વિદ્યા

એક અપરાધ-કથા

આપણા દેશમાં કોઈ ગુનાખોરીમાં રાજકીય નેતાનો કુટુંબી જ્યારે સંડોવાયો હોય ત્યારે તેની તપાસ કઈ રીતે થાય છે એ વિશે સ્ટેટમેન્ટ કરતી વાર્તા. કદાચ કોઈને દિલચસ્પ લાગે, ન પણ લાગે. રોમાંચક લાગે, ન પણ લાગે!






૩૧ ડિસેમ્બર પછીનો દિવસ. આખી દુનિયા હેપી ન્યુ યરના મેસેજ આપલે કરવામાં ગુલતાન હતી. પરંતુ ધારાસભ્ય લાલજી પટેલના ઘરે યમરાજની અસીમ કૃપાથી હૈયાફાટ રુદનનો માહોલ છવાયેલો હતો. એકનો એક લાડકવાયો હર્ષલ મૃત્યુ પામ્યો હતો. છપ્પન ઈંચની છાતીવાળાને પણ હચમચાવી મૂકે એવી આફત જીરવી ગયેલા લાલજીભાઈને બે ઘડી તો રાજકીય સન્યાસ લઈ લેવાની ઇચ્છા થઈ આવી. આ ઠાઠમાઠનું જીવન પણ તેમને કડવું ઝેર જેવું લાગવા માંડ્યું.
હર્ષલની લાશને અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવી ત્યારે તેના જ્યોતિષી બલરામજી પણ આવી પહોંચ્યા હતા. આવા સમયે આમ તો પોલીસ દૂર રહેતી હોય છે પણ મૃત્યુ ભેદી રીતે થયેલું એટલે ત્યાં હાજર રહેવું ઇન્સ્પેક્ટર સિદ્દીકીને પણ જરૂરી લાગ્યું. જોકે, તે સાદા ડ્રેસમાં હતો એટલી કાળજી તેણે રાખી હતી. આમ તો તે ધારાસભ્યના પુત્રની અંતિમક્રિયામાં સામેલ થવા જ ગયો હતો. સિદ્દીકીના પિતા અને લાલજી પટેલને સારા સંબંધ એટલે આવા ટાણે આમેય જવું જ પડે.
‘આમ જરા મારી સાથે આવશો, માત્ર બે મિનિટ માટે-’ લોકો હજી આવી રહ્યાં હતાં, ઇન્સ્પેક્ટર સિદ્દીકીએ બલરામજીને અત્યંત નમ્રતાપૂર્વક ગાર્ડન બાજુ આવવાનો ઇશારો કર્યો.
‘મહારાજ, આપને તો ખબર છે આ મોટા બાપના દીકરા વિશે અને એની લાઇફ સ્ટાઇલથી પણ તમે વાકેફ હશો. મને તો આ બનાવ શંકાસ્પદ લાગે છે. તમારું શું કહેવું છે?’
‘હર્ષલ મને પણ દીકરાની જેમ વહાલો હતો. એકદમ સાદગીભર્યું જીવન. કોઈ એને કેમ- ભગવાન કરે એવું કંઈ ન હોય.’ બલરામજીની આંખો છલકાવા લાગી.
‘જેવી ઈશ્વરની મરજી. પણ તમે હિમ્મત રાખો.’ સિદ્દીકીએ રૂમાલ આપતાં એમને સાંત્વના પાઠવી, ‘આપણે પછી નિરાંતે ચર્ચા કરીશું. પીએમ રિપોર્ટ આવે પછી વાત.’ અંતિમયાત્રા શરૂ થઈ રહ્યાના અણસાર દેખાયા એટલે બન્ને તરત એ તરફ પહોંચ્યા.
...
ચારેક દિવસ બાદ બલરામજીને પીઆઈ સિદ્દીકીએ ચા-પાણી પીવા માટે પોલીસ સ્ટેશને બોલાવ્યા, પણ તબિયત સાજીમાંદી રહેતી હોવાનું કારણ આપી બલરામજી આવ્યા નહિ. બે દિવસ પછી સિદ્દીકી પોતે જ તેના બંગલે જઈ પહોંચ્યો.
‘જુઓ, મહારાજ! પીએમ રિપોર્ટ એવો આવ્યો છે કે, કોઈએ એને ગળું દબાવીને મારી નાખ્યો છે. હવે બનાવ મર્ડરનો થયો અને હજી સુધી અનડિટેક્ટ, એટલે અમારા પર ભારે દબાણ છે. કેમ કરીને ખૂનીનું પગેરું મળતું નથી.’ સિદ્દીકી એકધારું બોલતો હતો. બલરામજી મૌન બની એકીટશે તેને સાંભળતા હતા, ‘કમિશનર સાહેબને ખુદ સીએમનો ફોન હતો કે, બને એટલો ઝડપી કાતિલનો પત્તો લગાવવો, નહિ તો આખો કેસ સીઆઇડીને સોંપી દેવામાં આવશે. એવું થાય તો અમારી આબરૂના ધજાગરા થઈ જાય.’
પોતાનું લાંબુ ભાષણ સાંભળ્યા પછી પણ બલરામજીએ મૌનવ્રત ન તોડતાં કંટાળેલા સિદ્દીકીએ તેના કાન પાસે જઈને ધીમા અવાજે કહ્યું, ‘ત્રણ રાતથી હું સુખે સૂતો નથી. મેં અત્યાર સુધીમાં ૮૫ જણાને ઊંધા લટકાવીને પૂછપરછ કરી છે. અડધો ડઝન શકમંદોની ગાંડમાં ડંડા ઘાલ્યા, પણ કોઈ કંઈ કબૂલવા તૈયાર નથી!’ એમ કહીને સિદ્દીકી હોઠ ફફડાવીને મા-બહેન સમાણી બે-એક ગાળ બોલ્યો. છેલ્લે બલરામજીએ સવાલ-જવાબ માટે સંમતિ આપી. સિદ્દીકીએ કેટલીક વાતો એને પૂછી લીધી. તેણે મહત્ત્વની નોંધો કાગળ પર ટપકાવી. એમાં તેને ખાસ અજીબ આ વાત લાગી:
‘હર્ષલ સ્વભાવે ધાર્મિક પ્રકૃતિવાળો હોઈ કેટલીક ગૂઢ વિદ્યાઓમાં પણ શ્રદ્ધા ધરાવતો. તે બલરામજી પાસેથી એક વિદ્યા શીખેલો, જીવનનિયંત્રણ વિદ્યા. પોતાનું જીવન પોતાના વશમાં કરવાની વિદ્યા. એ વિદ્યાના પેટા પ્રકાર ‘વાર્તા થકી જીવનપ્રવાહ પર કાબુ મેળવવાની વિદ્યા’ પર તેણે પ્રયોગ કર્યો હતો. એમાં એ સફળ થયો હતો. પોતાને જીવવું છે એવી વાર્તા તેણે કમ્પ્યુટર પર લખી હતી. પાસવર્ડ આપીને એને સેવ કરી મૂકી હતી. જેથી અન્ય કોઈને ખબર જ ન પડે. કોઈ વાંચીને એમાં ફેરફાર પણ ન કરી શકે. તેનું આનંદ અને સુખમય જીવન ચાલતું. બિઝનેસ જબરદસ્ત. કૌટુંબિક જિંદગી પણ ખુશ. એક યુવતી સાથે એનું લાફરું. એની સાથે મોજમજા કરી, પણ લગ્નની વાત આવતાં યુવતીને તેણે જાકારો આપ્યો. યુવતી નિરાશ થઈને ચાલી નીકળી હતી, દૂર દૂરના કોઈ શહેરમાં-’
પોલીસે ખૂબ છાનબીન કરી, કે ક્યાંક એ યુવતી મળી આવે તો એના થકી હત્યાના ઉકેલની કોઈ કળ મળે. દરમ્યાન હર્ષલનું કમ્પ્યુટર જે ફોરેન્સિક લેબમાં મોકલ્યું હતું, એમાંથી કેટલોક ડેટા મળી આવ્યો. આ ડેટાનું એનાલિસિસ કરીને સિદ્દીકીના રાઇટર મુકેશભાઈએ જણાવ્યું, ‘સાહેબ, એમાં પેલી વાર્તા પણ મળી આવી છે. પણ હર્ષલના ઈ-મેઈલમાં સેવ કરેલી એ વાર્તા અને કમ્પ્યુટરમાંથી મળી આવેલી એ વાર્તાનો અંત અલગ જોવા મળ્યો. હર્ષલે કમ્પ્યુટરમાં પાસવર્ડથી સેવ કરેલી વાર્તાનો અંત નકારાત્મક જોવા મળે છે. એમાં થયેલા ફેરફાર પણ તેણે વાર્તા લખી લીધા પછીના સમયે થયાનું બતાવે છે.’
‘એટલે શું? એનો શો મતબલ લાગે છે?’ સિદ્દીકીએ પૂછ્યું.
‘મતલબ કે, આ કમ્પ્યુટરે જ એની હત્યા કરાવી નાખી.’ મુકેશભાઈ બોલ્યા.
‘શું વડીલ તમેય સવારના પહોરમાં મગજના જાંગિયા ખેંચો છો!’ સિદ્દીકી સિગારેટના કશ ખેંચતાં બિન્ધાસ્ત બોલ્યો.
‘કેમ ન હોય, સાહેબ? હવે તો કમ્પ્યુટરો સમાચાર પણ એડિટ કરી નાખે છે, તો વાર્તા પણ એડિટ કરી જ શકે ને?’ મુકેશભાઈ પોતાના તારણને વળગીને કહે છે.
‘પણ એવું ન બની શકે કે, પેલી યુવતીએ એનું કમ્પ્યુટર હેક કરાવી નાખ્યું હોય અને વાર્તામાં ફેરફાર કરાવી નાખ્યો હોય?’
‘કંઈ પણ બની શકે, ફિલહાલ તો આપણને હત્યારાનું પગેરું મળી ગયું કહેવાય એટલે એને પકડી લઈએ. રહી વાત ગૂઢ વિદ્યા થકી વાર્તા જેવું મનપસંદ જીવન જીવવું અને એમાં વળી ફેરફાર કરાવીને કોઈની હત્યા કરાવી નાખવી એ વાત વળી જજને ગળે થોડી ઉતરાવી શકાય?’
‘એવી તપાસ કરીએ તો ઓલો જજડો તમારા અને મારા મોઢા પર મારે હંધાય કાગળિયાં, હું વાત કરો છો!’ કહેતાં સિદ્દીકી ખડખડાટ દાંત કાઢવા લાગ્યો અને બોલ્યો, ‘ઈ રાંડનીને ગમે ન્યાંથી ગોતો. એના બીજા કેટલા હારે લફરાં છે કે હતાં એની ડિટેલ મંગાવો, મુકાભાઈ!’
‘મારી હાળી, છે જોરદાર. ફોટો જોયો એનો ફોટો?’
‘ક્યાંથી મળ્યો એનો ફોટો, તમે મેઈન વાત જ કેતા નથી?’
‘બલરામજીના ઘરેથી, એના દીકરાના રૂમમાંથી. કહેવાનો જ હતો પણ તમે વળી આ કમ્પ્યુટરની વાર્તાની કથા માંડી બેઠા.’
‘કઈ રીતે?’
‘ઈ બધુ પછે કઈશ, પેલા ફોટો જોવો સાહેબ!’ મુકેશભાઈએ એક ફાઇલમાંથી યુવતીનો ફોટો કાઢીને સિદ્દીકીની તર્જની અને અંગૂઠા વચ્ચે મૂક્યો.
‘બોલાવો હવે, આ ભાઈ- શું નામ એનું?’ સિદ્દીકી બન્ને ભ્રૂકુટિ વચ્ચેની ચામડી ખેંચતાં બોલ્યો.
‘હાર્દિક-’ મુકેશભાઈ બોલ્યા, સ્મિત વેરતાં, ‘ઉર્ફે ગૃહમંત્રીના ભાવિ જમાઈ-’
‘તમે હવે ટાઢા પહોરના દેવાનું બંધ કરી કામની વાત કરશો?’
‘બિલકુલ પાક્કી વાત છે, સાહેબ! વાત ચાલી રહી છે હજી સગપણની.’
‘તમે મને અહીં ટકવા નહિ દો, મુકાલાલા!’ કહી સિદ્દીકીએ બન્ને પગ ટેબલ પર ગોઠવ્યા, ‘બોલાવો જમાઈ રાજાને, એનુંય પાણી માપી લઈએ.’
ત્યાં એક કોન્સ્ટેબલ આવીને એક કવર આપી ગયો. મુકેશભાઈએ કવર ખોલીને જોયું. હર્ષલની કોલ ડિટેઈલ આવી ગઈ હતી.
‘પાણી માપવું જ પડશે’ મુકેશભાઈએ કાગળિયાં સિદ્દીકીના હાથમાં આપતાં કહ્યું, ‘જમાઈજીની હાજરી ઘટના સ્થળે જણાય છે.’
...

સિદ્દીકીએ હાર્દિકની પૂછપરછ શરૂ કરી.
‘હાર્દિકભાઈ, તમે શરૂ કરો પહેલેથી.’
‘એ રાત્રે અમે થર્ટી ફર્સ્ટની પાર્ટી કરવા ગયા હતા.’
‘હર્ષલ તો ઘણો ધાર્મિક પ્રકૃતિનો માણસ હતો.’
‘દેખાવે જ. બાકી પૂરપૂરો રંગીન મિજાજ!’
‘પણ તમારા પિતાજી તો કહેતાતા-’
‘એમને કંઈ ભાન નથી. એમને ખાલી જ્યોતિષના કુંડાળામાં જ ખબર પડે.’
‘-તો પેલી જીવનનિયંત્રણ વિદ્યા-’
‘મને એવી કોઈ વાતમાં વિશ્વાસ નથી. હું તમને જે કંઈ થયું એ કહી દઉં.’
‘હા, બોલો, હું વચ્ચે નથી બોલતો.’
‘હાઇ-વે પાસેના ફાર્મ હાઉસમાં રાખેલી પાર્ટીમાંથી રાત્રે દારૂ-બિયર ઢીંચીને હર્ષલ નશામાં ચકચૂર બન્યો હતો. મેં બિલકુલ માપમાં પીધો હતો. ઘરે પાછા જતી વખતે ગ્રીન લેન્ડ ચોકડી પાસે પહોંચતાં તેને ફુલ પેશાબ લાગી. મેં ગાડી ઊભી રાખી. તે મૂતરતાં મૂતરતાં ઢળી પડ્યો. મેં તેને ઉપાડીને માંડ માંડ કારમાં મૂક્યો પાછળની સીટમાં. રસ્તા પર જોયું, કોઈ ખાસ અવરજવર નહોતી. મેં તરત વાંહેની સીટ પરથી ગાદલી ઉઠાવીને એનાથી તેના નાક-મોં દબાવી દીધાં. નશાને કારણે આમેય તેના શરીરમાં કોઈ તાકાત રહી નહોતી. સહેજ ઊંચોનીચો થયો પછી શરીર શાંત પડી ગયું. મેં થોડે આગળ જઈને મારા મિત્રને ફોન કર્યો અને તે મને આવીને લઈ ગયો.’
‘આવું તેં કેમ કર્યું?’
‘આ ફોટો જે તમને મારા રૂમમાંથી મળ્યો, એ મારી મિત્ર સુરીલીનો છે. સુરીલી હર્ષલને ખૂબ ચાહતી. પણ હર્ષલને માત્ર એના શરીરમાં જ રસ હતો. સુરીલી એને પરણવા ઇચ્છતી હતી. પણ હર્ષલે લગ્ન માટે ના પાડી એટલે તે અપસેટ થઈ ગઈ. મેં લાગણી બતાવી એટલે તે મારા તરફ ઢળવા લાગી. એ મને કંઈ કહી શકે એમ નહોતો, પણ સુરીલીને માનસિક ટોર્ચર કરવા લાગ્યો. એની સાથેના ફોટોગ્રાફ્સ વાઇરલ કરવાની ધમકીઓ આપતો, પોતાના બાપની વગ વાપરી ફસાવી દેવાની બીક બતાવતો અને સુરીલીને પોતાના બંગલે બોલાવી વાસનાની ભૂખ સંતોષતો હતો. આવું અવારનવાર થવા લાગ્યું એટલે એક દિવસ સુરીલી અચાનક ચાલી ગઈ શહેર છોડીને. એ ક્યાં ગઈ મને પણ જણાવ્યું નહિ-’
‘સારું, મિસ્ટર હાર્દિક, તો હત્યાના મુખ્ય આરોપી તમે જ છો, એટલે અમારું કામ હવે આસાન થઈ ગયું. હવે તમે અહીં જ રહો.’ સિદ્દીકીએ કહ્યું.
‘પણ તમે મારી વાત પૂર સાંભળશો?’
સિદ્દીકીએ હાથથી કેરી ઓનનો ઇશારો કર્યો.
‘તમારે મને જવા દેવો પડશે. કાલે મારી સગાઈ છે, ગૃહમંત્રીની દીકરી સાથે-’ થોડું અટકીને પછી હાર્દિક બોલ્યો, ‘પછી હું સરેન્ડર થઈ જઈશ. પણ હમણા બધુ સિક્રેટ રાખજો.’
હાર્દિક ગયો. મુકેશભાઈએ ‘હું તમને નહોતો કહેતો?’ એવા ભાવ સાથે સિદ્દીકી સામે જોઈને સ્માઈલ કર્યું.
સગાઈની પાર્ટી માટે સિદ્દીકીને પણ ઇન્વિટેશન મળ્યું હતું પણ એ ગયો નહોતો, ‘સારું ન લાગે આ રીતે એક આરોપીના ઘરે જશ્ન મનાવવા જવું-’ તે વિચારતો રહ્યો, ‘હવે એકબે દિવસમાં આ કોયડો ઉકેલ્યાની સત્તાવાર જાહેરાત, પછી શાંતિ.’
...

રોજ રૂબરૂ બોલાવીને કેસની તપાસ વિશે પૂછતા કમિશનર સાહેબે હાર્દિકના સગપણ બાદ એ બાબતે કોઈ વાત કરી નહીં એટલે સિદ્દીકીને જેની શંકા હતી એવું જ થયું. જોકે, તે તેની તપાસને વળગી રહ્યો અને થોડા દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મર્ડરના ડિટેક્શનની જાહેરાત કરવાનું તેણે કમિશનર સાહેબને જણાવ્યું. સગાઈના બે-ત્રણ દિવસ બાદ હાર્દિક પોલીસ સ્ટેશને આવી પહોંચ્યો.
‘સારું થયું તમે આવી ગયા. આજે બધું પતાવી દઈએ.’ સિદ્દીકીએ કહ્યું.
‘અરે છોડો ને તમે એ બધું, લ્યો આ મીઠાઈ ખાવ.’ એમ કહીને હાર્દિક તેની સામેની ખુરશીમાં બેઠો. પછી મીઠાઈનો સ્વાદ માણતા સિદ્દીકીના હાથમાં તેણે એક નાનકડી ફાઇલ મૂકી. એ ફાઇલમાં બે વસ્તુ જોઈને સિદ્દીકીના ચહેરાના ભાવ બદલાઈ ગયા: છાપાનું એક કટિંગ હતું, સુરીલીએ મુંબઈમાં આત્મહત્યા કરી હતી એના સમાચાર હતા. એક પત્ર હતો, તેણે આત્મહત્યા પહેલાં હાર્દિકને લખ્યો હતો. એમાં હર્ષલ અને તેના પિતાએ માનસિક રીતે ટોર્ચર કરીને સુરીલીનું શોષણ કર્યું હતું, એનો ઉલ્લેખ હતો. મુંબઈ પહોંચ્યા પછી પણ હર્ષલ ત્યાં જઈને એની સાથે બળજબરી આચરતો હોવાની વિગતો વાંચી સિદ્દીકી ખુરશીમાંથી ઊભો થઈ ગયો.
...
પછીના દિવસોમાં મર્ડરના ડિટેક્શનમાં વિલંબ થયો હોવાથી સિદ્દીકીની ટ્રાન્સફર થઈ ચૂકી હતી. તપાસ સીઆઇડીને સોંપાઈ ગઈ હતી. ફરજના નવા સ્થળે સિદ્દીકી બીજી તપાસોમાં વ્યસ્ત બની ગયો હતો. દિવસો ઘણા વીતી ગયા હતા. એક દિવસ આ સમાચારે તેનું ધ્યાન ખેંચ્યું: ધારાસભ્યના પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો, રૂા. ૫૦ લાખની લેતીદેતીમાં એના જ્યોતિષીના ડ્રાઇવરે જ ગૂંગળાવી નાખ્યો હતો. આ સમાચાર વાંચીને તરત જ ‘ઘણા દિવસથી વાત નથી થઈ’ એવું વિચારી સિદ્દીકીએ મુકેશભાઈને ફોન કર્યો.
‘શું છે, આ બધું વડીલ?’
‘જોયા કરો, સાહેબ! હજી બીજા હમાચારે ય આવવાના બાકી છે, લાલજીભાઈને કેબિનેટમાં મહત્ત્વનું પદ ફાળવી દેવાયું છે, બાકી તો તમે જાણો છો. હમ્જ્યા?’
‘અચ્છા- એવું બધું છે?’ કહી સિદ્દીકી આ છેડેથી આદત પ્રમાણે ખડખડાટ હસી પડ્યો.
(સમાપ્ત)

નોંધ: મારી આ વાર્તા ‘મમતા’ માસિકના ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૮ના અંકમાં પ્રકાશિત થઈ ચૂકી છે.

No comments:

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...