Monday 4 March 2024

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું. મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો, અધૂરો, ઉતાવળિયો અને કાચો અહેવાલ લખ્યો હતો, એ જેવો છે એવો, અહીં રજૂ કરું છું.)

ઇમરાન દલ (રાજકોટથી)

મિત્ર મહેન્દ્રભાઈ દક્ષિણી અને હું તા. 17 એપ્રિલની સવારે સાડા દસ વાગ્યાની આસપાસ યુનિવર્સિટીએ જવા નીકળ્યા ત્યારે મનમાં એમ હતું કે અમે મોડા પહોંચીશું, પણ ગુજરાતી ભવને પહોંચ્યા ત્યારે હાશકારો થયો. પોણા અગિયાર થયા હતા, હજી શિબિર શરૂ થવાને વાર હતી. શિબિર સ્થળે ગરમાગરમ, હાથમાં પકડી પણ ન શકાય એવી પ્યાલી સાથે અમારું સ્વાગત થયું. રજિસ્ટરમાં નામ અને મોબાઈલ નંબરની નોંધ કરી, હાજરી પુરાવી, ઓડિયન્સમાં અમે અમારું સ્થાન લીધું. થોડી વાતચીત કરી.  શિબિરાર્થીઓ પણ ધીમે ધીમે આવી રહ્યા હતા, થોડી જ વારમાં રાજુ પટેલ આવી પહોંચ્યા: અબ આયેગા, મજા

શિબિર દરમ્યાન રાજુ પટેલ. તસવીર: ઇમરાન દલ


રાજુના આગમન પહેલાં સૌએ પોતાનો ટૂંકો પરિચય આપી દીધો હતો, (એટલો ટૂંકો કે અમુકે તો માત્ર ઊભા થઈને પોતાનું નામ જ કહ્યું!) એટલે ઇન્ટ્રોડક્શનની કોઈ ઔપચારિક વિધિ વિના રાજુ પટેલે વાતચીતનો દોર શરૂ કર્યો. વાર્તા એટલે શું? તમે શા માટે વાર્તા લખવા માગો છો? વાર્તા કોને કહેવાય? વગેરે જેવા પ્રાથમિક પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવા પ્રતિપ્રશ્નો કરતાં કરતાં શિબિરાર્થીઓ પાસેથી ઉત્તરો-પ્રત્યુત્તરો પ્રતિભાવો મેળવ્યા.

વાર્તામાં સત્ય ઘટના કઈ રીતે સ્થાન મેળવી શકે? અથવા સત્ય ઘટનાઓ ઉપરથી વાર્તા કઈ રીતે વાર્તા બની શકે? એની ઉદાહરણ સાથે તેમણે ચર્ચા કરી: મુંબઈની ચિકાર ભીડ ધરાવતી બજારમાંથી હું પસાર થયો ત્યારે એક સ્ત્રી પ્રેમપૂર્વક એક પુરુષને પોતાના ડબ્બામાંથી ચમચી વડે કોઈ વાનગી ખવડાવતી હતી. જ્યાં લોકો એકબીજાને હાય, હલ્લો કરવાનું પણ પસંદ ન કરે, સામે પણ ન જુએ, એવા સ્થળે જોવા મળેલું આ દૃશ્ય મારા હૃદયને સ્પર્શી ગયું. જીવનમાં જોવા કે અનુભવવા મળતી આવી ઘટનાઓ જે આપણી સંવેદનાને સ્પર્શી જાય એ વાર્તા-સર્જન માટે ઉપયોગી બને છે. અગત્યનું એ છે કે તમને શું ગમે છે, જે લખવા માટે પ્રેરે: તમે પચાસ વાર્તા વાંચી, એમાંથી કઈ વાર્તામાંથી તમને શું ગમ્યું. એ ગમ્યું તો શા માટે ગમ્યું? એનો ઉત્તર મેળવવાથી વાર્તા લખવાની દિશા મેળવી શકાય. લોકોને શું ગમશે એ નહિ, તમને શું ગમે છે, શું સ્પર્શે છે? એ નક્કી કરશે કે તમારે શું લખવું? લોકોને શું ગમે છે એ વિચારીને લખશો તો તમે વેપારી બની જશો.

વિવિધ દૃષ્ટાંતો અને ઉદાહરણો અને કલ્પનાઓ અને કાલ્પનિક હકીકતો અને વાસ્તવિક કલ્પનાઓને વણીને વાર્તાચર્ચા અંગે રાજુનું વક્તવ્ય ચાલતું હતું, વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી પણ થતી રહી. શ્રોતાઓની અપેક્ષા શી છે, એ અંગે બહુ પ્રશ્નો કોઈએ ન ઉઠાવ્યા એટલે થોડી અકળામણ જેવું લાગ્યું. એ દરમ્યાન જયેશ રાષ્ટ્રકૂટે એક લાંબો પ્રશ્ન કર્યો કે અહીં બેઠા છે એમને વાર્તાનું સ્વરૂપ, પાત્રલેખન, પરિવેશ, સંવાદ, કથાવસ્તુ સહિતનાં પાસાંઓ, વાર્તાનો ઇતિહાસ, ભારતીય વાર્તા, ગુજરાતી વાર્તા, વિદેશી વાર્તાઓની વિશિષ્ટતાઓ વગેરે બધું જ જાણવું છે... તો ભગવાનભાઈ થાવરાણીએ પૂર્વે સવાલ ઉઠાવ્યો હતો કે ઘટના વિનાની પણ વાર્તાઓ હોય છે, એની પણ ચર્ચા થવી જોઈએ. જયેશના પ્રશ્નનો રાજુએ એ રીતે ઉત્તર આપ્યો કે, જે માહિતી ઇન્ટરનેટ, ગૂગલ ઉપર ઉપલબ્ધ છે, એની અહીં ચર્ચા નહીં કરીએ, જ્યારે ભગવાનભાઈના પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે, આ ઉત્તર નથી છતાં આપી રહ્યો છું કે, વાર્તા લખવી એ પોતે જ એ ઘટના છે.---

વક્તવ્યના આરંભમાં જ રાજુએ કહેલું કે મારા ઉપરાંત બે વ્યક્તિ આવશે. મુંબઈથી અન્ય એક વ્યક્તિ વિશેષ પણ અહીં આવશે, (જેમનું નામ તેમણે જાહેર નહોતું કર્યું) બીજાં તે ‘વારેવા’ વાર્તા સામયિકનાં સંપાદક છાયા ઉપાધ્યાય. કાર્યક્રમ શરૂ થયાના થોડા સમયમાં જ લેખક, વાર્તાકાર, નવલકથાકાર નીલેશભાઈ રૂપાપરાનું આગમન થયું. તેમને આગ્રહ કરવામાં આવ્યો પણ તેમણે સ્ટેજને બદલે શ્રોતાઓની વચ્ચે જ બેસવાનું પસંદ કર્યું. થોડી મિનિટો બાદ છાયા ઉપાધ્યાય પણ આવી પહોંચ્યાં. છેક આણંદથી ટ્રેનમાં લાંબી મુસાફરી કરીને હજી હમણાં જ રાજકોટ પહોંચ્યાં હોવા છતાં તેમના ચહેરા ઉપરની તાજગી તેમના સ્મિતમાં જોવા મળી.

વાતચીતના દોર વચ્ચે શ્રોતાઓમાં કેટલીક મૂંઝવણો જણાતા અથવા તો રાજુ પટેલ શું અને શા માટે કંઈક કહે છે? પૂછે છે? એ અંગે કશીક દ્વિધા જણાતા વચ્ચે પ્રો. સનત ત્રિવેદીએ ઊભા થઈને કહેવું પડ્યું કે આપણે એમને (રાજુને) સમજવાનો, એમના પ્રયાસને સમજવાનો પ્રયાસ કરીએ, એઓ આપણને જે સમજાવવાની કોશિશ કરે છે એને સમજીએ... અને ફરી વાતચીતનો દોર આગળ વધ્યો અને ફરી આગળ જતાં ત્રિવેદી સાહેબે રાજુ વતી બે શબ્દો કહી એમને સમજવા-કોઓપરેટ કરવા શિબિરાર્થીઓને સમજાવ્યું, ત્યારે નીલેશભાઈ રૂપાપરાએ કહ્યું, ‘રાજુને અહીં બેઠેલા લોકો સમજી નથી શકતા એવું ન સમજી લઈએ, તેઓ એમને સમજી શકશે, એ એમના ઉપર છોડીએ... સમજવા દઈએ...’ અને ફરી વાતચીત આગળ ચાલી અને ત્યાં લંચ બ્રેક પડ્યો.

શિબિરમાં બ્રેક દરમ્યાન નિરાંતની પળે નીલેશ રૂપાપરા (ડાબે) અને રાજુ પટેલ. તસવીર: ઇમરાન દલ

(અહેવાલમાં અહીંથી આગળ અડધું બોક્સ બનાવીને સાડા ત્રણ લીટીઓ લખેલી વંચાય છે. એટલું લખાણ નીચે બે ફૂદરડીઓ વચ્ચે મૂક્યું છે.)

*પરિચયનો વિધિ ટાળવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં રાજુએ કહ્યું કે તમે ચોર હો, ડાકુ હો, લૂટારા હો, ખૂની હો, કે ખીસ્સાકાતરુ એથી કશો ફરક પડતો નથી....*)

૦ લંચ બ્રેક પહેલાં એક સિચ્યુએશન આપી, વાર્તા લખવાનો ટાસ્ક આપ્યો, પણ લંચ પત્યા પછી કોઈ પાસેથી એ વાર્તા માંગવામાં આવી નહિ.

૦ ચર્ચા દરમ્યાન રાજુએ કહ્યું, ‘તમે કોઈ એક વ્યક્તિને નફરત કરો, એનું કારણ જણાવો અને પછી એ વ્યક્તિને જસ્ટીફાય કરો.’ આ કસરત પાછળ કારણ એ હતું કે તમે વ્યક્તિ તરીકે કોઈને ભલે નફરત કરો પણ સર્જક તરીકે કોઈને નફરત કરી શકતા નથી.

૦ લગભગ ૪:૧૫ વાગ્યા દરમ્યાન આયોજકોએ છાશ મંગાવી અને સૌએ આકંઠ અમુલની છાશ પીધી.

વીસેક મિનિટ નિલેશ રૂપાપરા બોલ્યા, મને બોલતા ફાવતું નથી, સ્ટેજ ફિયર છે -એમ કહ્યું, પણ છતાં સરસ બોલ્યા. સર્જન-પ્રક્રિયા અંગે શ્રોતાઓને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા. બાદમાં એમની વાર્તા............નું પઠન શ્રદ્ધા ભટ્ટે કર્યું અને એ વાર્તા વિશે થોડી ચર્ચા પણ થઈ.

૦ છાયા ઉપાધ્યાયે વારેવા સામયિક વિશે માહિતી આપી અને ઉદ્દેશ સમજાવી, લવાજમ ભરવા હાકલ કરી.

(આ કથિત અહેવાલ, ડાયરીમાં જ્યાંથી શરૂ થાય છે એના આગળના પાને, મથાળે ચોકઠું ચીતરીને એમાં ‘ફરીથી રિરાઇટ’ એવું લખેલું છે. બાજુમાં RAJU લખેલું છે અને એની નીચે તારીખ આ મુજબ લખેલી છે: 17/05/2022. પહેલી લીટીમાં નીલેશ રૂપાપરાનું નામ લખેલું વંચાય છે અને એની નીચે, નીચે મુજબનાં વાક્યો, સ્ટાર સાથે લખેલાં છે, એ કદાચ નીલેશભાઈએ કહ્યાં હોય એવું હું માનું છું.)

*પાત્રની નાનામાં નાની ડિટેઈલ ખબર હોવી જોઈએ.

*વાર્તા એ ભાષાનો અભિનય છે.

*તમારે એવા પ્રયાસ કરવાના છે કે તમે પ્રયાસ કરો છો એ ન સમજાય

*વાર્તા તમને કોઈ શીખવી ન શકે, અલબત્ત તમે પોતે ધારો તો શીખી શકો છો!

(ઉપરની ચાર લીટીઓ જે પાના પર છે એનાથી આગળના પાના પર ‘વાર્તા’ શબ્દના મથાળા સાથે નીચે મુજબ કોઈ વાર્તાના પ્રારંભ જેવું લખાણ વંચાય છે, જે શિબિરમાં આપવામાં આવેલી કોઈ સિચ્યુએશન પ્રમાણે લખ્યું હોવાનો સંભવ છે.)

જયુ જ્યારે હોલની બહાર નીકળ્યો ત્યારે મોટા ભાગના શ્રોતાઓને કશો ફરક ન પડ્યો પણ વક્તા વીરુના ચહેરાની રેખાઓ સહેજ બદલાઈ ગઈ. પ્રવચન હજી પા ભાગનું પણ પૂરું નહોતું થયું ત્યાં તેનું આમ ચાલ્યા જવું વીરુને ખટક્યું. તેનો વાક્પ્રવાહ પણ થોડો ખોરવાયો. પીઠ પાછળ ફેલાયેલા કાબરચીતરા વાળને તેણે પાછળ ઝાટક્યા અને પછી વાળનો ડૂચો વાળીને માથા ઉપર અંબોડી બાંધી લીધી. ચા પીવાની તેને તલપ લાગી હતી, પણ તે બોલવા ગયો, તો તેનાથી પાણી મંગાઈ ગયું. આજે પાણીનો સ્વાદ એને બોદો લાગ્યો.

(અધૂરો અહેવાલ અહીં સમાપ્ત થાય છે. શિબિરની તારીખ અંગે આ લખનારને શંકા છે. વલ્લાહો આલમ.)

Monday 2 January 2023

સજા-એ-મોતથી બચવા જેણે ચાલાકીપૂર્વક જેલવાસ લંબાવ્યો

નિર્મમ ખૂની ચાર્લ્સ શોભરાજ
કેટલાક લોકો સંજોગોને કારણે ગુનાખોરીના રસ્તે પડે છે તો કોઈ અપરાધને પોતાનો ધર્મ બનાવી લે છે. આવા અપરાધીઓ પોતાની ગેંગમાં જે જોડાય તેને શિષ્ય બનાવી, ખુદને ગુરુપદે સ્થાપી દે છે. ચાર્લ્સ શોભરાજની કહાની આવી જ છે. તે ગુનાને ગુનો માનીને ચાલ્યો જ નથી. તેણે અનેક સ્થળે કહ્યું છે કે "હું એવું કંઈ નથી કરતો, લોકો સાથે વાત કરું અને તેઓ મારી જાળમાં ફસાઈ જાય છે અને બાકી બધું પ્રેમથી પતી જાય છે."

ચાર્લ્સ શોભરાજ વિશ્વનો એકમાત્ર એવો ચોર, ઠગ અને ખૂની છે જેને એક ફિલ્મી સિતારા જેવી લોકપ્રિયતા મળી. જિંદગીના મોજશોખ પૂરા કરવા માટે બેસુમાર દોલત મેળવવા માટે પોતાની બુદ્ધિશક્તિ, આત્મવિશ્વાસ, ઉત્સાહ અને ચુંબકીય વ્યક્તિત્વ વડે સામેવાળા માણસને સંમોહિત કરી તે પોતાનું ધાર્યું કામ પાર પાડતો; એવું કરતી વખતે તે હત્યા કરતા પણ ખચકાતો નહિ. 

હમણાં જ નેપાળના બેવડી હત્યાના ગુનામાં તેને થયેલી ૨૦ વર્ષની સજા પૂરી થવાને એક વર્ષ બાકી હતું ત્યાં જ તે કાઠમંડુની જેલમાંથી આઝાદ થયો. જેલમાંથી છૂટ્યા બાદ તેને તેના દેશ ફ્રાન્સમાં મોકલી આપવામાં આવ્યો. નેપાળની જેલમાંથી મુક્ત થતા જ જગતભરમાં ફરીવાર તેના ગુનાહિત ઇતિહાસને યાદ કરવામાં આવી રહ્યો છે. એક નિર્મમ ખૂની હોવા છતાં તેના વ્યક્તિત્વ અને જીવનના એવાં કેટલાંક પાસાં છે જેના કારણે તે આજે પણ લોકોમાં કુતૂહલ જન્માવે છે.

ભારતને આઝાદ થવાની હજી ત્રણ વર્ષની વાર હતી એવા સમયે શોભરાજ ભવનાણી નામનો એક ભારતીય વેપારી વિયેતનામ પહોંચ્યો. આ વેપારી અને વિયેતનામમાં દુકાન ચલાવતી એક મહિલા વચ્ચે પ્રેમ પાંગર્યો. બન્ને લગ્ન કર્યા વિના પતિપત્નીની જેમ રહેવા લાગ્યા. તેમને ત્યાં ૧૯૪૪ની ૬ઠ્ઠી એપ્રિલે એક દીકરાનો જન્મ થાય છે. આ દીકરો એટલે ચાર્લ્સ. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં સંબંધ વણસ્યો. એક દિવસ શોભરાજ ભવનાણી પત્ની અને પુત્ર ચાર્લ્સને છોડીને ભારત જતો રહ્યો. 

ચાર્લ્સ સાવ નાનો હતો. તેની માતા ફ્રેન્ચ આર્મીમેન લેફ્ટનન્ટ જે વિયેતનામની બોર્ડર પર ફરજ પર હતો, એના પરિચયમાં આવી. બન્ને વચ્ચે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કર્યા. તેની સાથે માતાપુત્ર ફ્રાંસના પેરિસમાં આવ્યા. આ રીતે ચાર્લ્સ શોભરાજ ફ્રાન્સનો નાગરિક બન્યો. પેરિસના વસવાટ દરમિયાન ચાર્લ્સની માતાને આર્મીમેન થકી પુત્રનો જન્મ થાય છે. આ રીતે ચાર્લ્સને સાવકો ભાઈ મળ્યો. બાળપણથી જ તેને એવું લાગતું કે પહેલાં સગા પિતાએ દગો દીધો, પછી સાવકો પિતા ધ્યાન નથી રાખતો અને હવે સાવકા ભાઈનો જન્મ થતાં સાવકા પિતાએ અંતર બનાવી લીધું. હું સાવકો છું એવા વિચારોને લીધે તે હંમેશાં પોતાના ઘર પરિવારથી કપાયેલો રહેવા લાગ્યો. આ અલગાવ તેને ગુનાખોરી તરફ દોરી ગયો.

પહેલો ગુનો અને પહેલી જેલ

ચાર્લ્સ શોભરાજે પહેલો ગુનો પેરિસની પાસે આચાર્યો ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષની આસપાસ હતી. તેણે કાર ચોરી હતી જે ગુનામાં તેને આઠ માસની જેલ થઈ. જેલમાં કેટલાક લોકો સુધારણા માટે આવતા. આવા એક આદમી સાથે તેને સંપર્ક થયો. તે અત્યંત ધનાઢ્ય હતો. ચાર્લ્સ તેનાથી ઘણો પ્રભાવિત થયો. જેલમાંથી છૂટ્યો એટલે તેને મળવા ગયો. જોકે એ માણસ તો ગુનેગારો સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો તેના મારફતે ધીમે ધીમે ચાર્લ્સ પેરિસના ગુનેગારો, માફિયા, ડ્રગ્સ પેડલર વગેરેના સંપર્કમાં આવ્યો. ગુનાખોરીના રસ્તે વળેલો ચાર્લ્સ ફરી એકવાર પકડાયો. પ્રથમવાર પકડાયો ત્યારે જેલની તેને બીક લાગી હતી પણ કાચી વયે તેણે જેલ જોઈ લીધી હોવાથી પહેલા જેવી બીક રહી નહોતી. કારચોરી, ડ્રગ્સની હેરાફેરી આ બધી કરતુતો વચ્ચે તેને પારસી યુવતી સાથે પ્રેમ થયો. 

ક્રમશઃ વધતી ગુનેગારી વચ્ચે તે ફ્રેન્ચ પોલીસની નજરમાં આવ્યો એટલે પકડાઈ જવાની બીકે તેણે ફ્રાન્સ છોડી દીધું. તેની પાસે બેહિસાબ નાણું હતું. જેલમાં જે માણસ સુધારણા માટે આવતો તેણે તેને ભાગવામાં મદદ કરી. તેની પાસેથી એક કાર મેળવી બધા પૈસા તેમાં ભરીને ચાર્લ્સ બોર્ડર પાર કરીને પાડોશી દેશમાં ગયો અને ત્યાંથી ફરતો ફરતો ૧૯૬૯માં પહેલીવાર તે ભારત પહોંચ્યો. અહીં તે મુંબઈ સ્થાયી થયો. તેની ગર્ભવતી પત્નીએ પુત્રીને જન્મ આપ્યો. 

ચાર્લ્સ મુંબઈમાં પણ કારચોરીના ધંધામાં લાગી ગયો. ધીમે ધીમે તેણે સંપર્કો એટલા વધાર્યા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાંથી કારની ચોરી કરતો અને એને સીમા પાર કરાવતો સાથે નશીલા પદાર્થનો પણ કારોબાર ચલાવતો. કહેવાય છે કે તે હથિયારની હેરાફેરી પણ કરવા માંડ્યો હતો. તેના કામ કરવાની પદ્ધતિ સાવ સરળ અને સાદી હતી. તે જ્યાં જેની જરૂર પડતી તેમની સાથે ઘણા પ્રેમથી વાત કરતો અને પૈસાથી વ્યવહાર કરતો એટલે તેનું કામ ખૂબ આસાનીથી થઈ જતું.

ચતુરાઈ તેને નૈસર્ગિક રીતે મળેલી હતી. આત્મવિશ્વાસુ હતો. ભાષાઓ શીખવાનો તેને જબરો શોખ હતો. અંગ્રેજી, ફ્રેંચ, હિન્દી ઉપર પકડ હતી. જે તે દેશના કાયદાઓ પણ તે સારી રીતે જાણતો લોકોની માનસિકતા પારખીને પોતાના ફાયદા સારું કઈ રીતે તેનો ઉપયોગ કરવો એની કુનેહ તેનામાં જબરદસ્ત હતી.

૧૯૭૩માં કારચોરીના મામલે તે મુંબઈ પોલીસના ધ્યાનમાં આવ્યો. એક વખત હાથમાં પણ આવ્યો પણ પછી મુંબઈ પોલીસે તેને છોડી દીધો. બાદમાં તે દિલ્હી પહોંચ્યો. ફાઇવ સ્ટાર હોટલ અશોકાના ઉપરના માળે એક જ્વેલરી શોપ હતી. તેને પૈસાની જરૂર હતી એટલે તેણે આ શોપમાં ખાતર પાડવાનું નક્કી કર્યું. તે હોટલમાં રોકાયો અને રાત્રિના સમયે જ્વેલરી શોપમાં ખાબકીને કીમતી ઘરેણા અને નાણાનો સફાયો કર્યો. બાદમાં તેની પત્ની સાથે ત્યાંથી નીકળી મુંબઈ જવા માટે દિલ્હી એરપોર્ટ પહોંચ્યો. એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા કર્મીઓને તેના બેગ ઉપર શંકા ગઈ. ખોલીને જોયું તો એમાંથી આભૂષણો મળ્યા. શંકા પ્રબળ બની. ચાર્લ્સને થયું કે પોતે પકડાઈ જશે એટલે ત્યાંથી સરકી ગયો પરંતુ પોલીસે તેને પકડી લીધો. પહેલીવાર તિહાડ જેલમાં ગયો. ત્યાં પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ તેણે બીમારીનું બહાનું બનાવ્યું અને હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં પોલીસને ચકમો આપીને તે ફરાર થઈ ગયો. દિલ્હીમાં જ રહેલી પત્નીને સાથે લઈને તે કાબુલ પહોંચ્યો.

કાબુલ ગયા બાદ પણ ગુનાખોરી આચરી. પોતાની ફ્રેન્ચ રાષ્ટ્રીયતા અને ભાષાને કારણે હિપ્પી, સહેલાણીઓ, ડ્રગ્સમાં રસ ધરાવતા પ્રવાસીઓ સાથે સરળતાથી ભળી જતો. તેમને નશાપ્રેરક દવા કે ઝેર પીવડાવીને લૂંટી લેતો. તેમના પાસપોર્ટ પણ તફડાવી લેતો. કાબુલ પોલીસે તેને પકડ્યો પણ કોઈ રીતે ત્યાંથી પણ તે છટકી ગયો હતો. 

બિકીની કિલર તરીકે કેમ ઓળખાયો?

કાબુલથી તે બેંગકોક, થાઈલેન્ડ, પટાયા બીચ પર ગયો ત્યાં બે ત્રણ છોકરા અને એક છોકરી સાથે મળીને તેણે ગેંગ બનાવી. પ્રવાસીઓને છેતરીને લૂંટવાનું શરૂ કર્યું. અહીં પહેલીવાર તે સમાચારની દુનિયામાં ચમકવાનો હતો. ૧૯૭૪-૭૫માં જ્યારે તેણે થાઈલેન્ડમાં વિદેશી પ્રવાસીઓને એક પછી એક નિશાન બનાવ્યા એ સાથે જ વૈશ્વિક ગુનાખોરીમાં તેનું નામ ચમકી ગયું. ડ્રગ્સ દઈને કે ગળું દબાવીને અથવા સળગાવીને સેલાણીને મોતને ઘાટ ઉતારવા એ એને મન રમત વાત બની ગઈ. ૧૯૭૫ દરમિયાન પટાયા સાગર કિનારે ઘણી બધી યુવતીઓ અને કેટલાક યુવાનોના શબ મળ્યા હતા. 

દરેક કુખ્યાત ગુનેગારની જેમ ચાર્લ્સ શોભરાજ પણ કેસા નવા, માફિયા, જાલસાઝ, ચોર, ઠગ, લુટારો, ખૂની, હત્યારો સાંપ જેવા નામે પણ ઓળખાતો. અખબારીની દુનિયામાં એનું એવું જ એક નામ વધુ જાણીતું બન્યું એ હતું ‘બિકીની કિલર’. 

વાત જાણે એમ હતી કે ૧૯૭૫ આસપાસ સૌપ્રથમ એક યુવતીની લાશ એક તળાવમાંથી મળી. તેણે બિકીની પહેરી હતી. તેનું ગળું દાબીને હત્યા કરવામાં આવી હતી. એ કેસ હજી વણઉકેલ હતો ત્યાં અન્ય એક તળાવમાંથી બીજી યુવતીનો મૃતદેહ મળ્યો. તેણે પણ બિકીની પહેરી હતી. શરૂઆતની તપાસમાં હત્યારો કોણ એ વિશે કંઈ ખબર ન પડી એટલે સમાચારની દુનિયામાં અજાણ્યો ખૂની બિકીની કિલર તરીકે જાણીતો બન્યો. બાદમાં ચાર્લ્સ શોભરાજની સંડોવણી બહાર આવી એટલે આ લેબલ તેને પણ લાગી ગયું.


કહેવાય છે કે ૧૯૭૩થી ૭૫ દરમિયાન તેણે થાઈલેન્ડમાં એકથી બે ડઝન પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે થાઇલેન્ડ પોલીસના હાથમાં આવી ગયો હતો પણ પુરાવાના અભાવે તે છટકી ગયો. થાઈલેન્ડમાં તેને જોખમ લાગ્યું એટલે ૧૯૭૫માં તે નેપાળ પહોંચ્યો ત્યાં તેણે કેનેડાની મહિલા અને અમેરિકાના નાગરિકની હત્યા કરી. કાઠમંડુથી ભાગી તે ભારત આવ્યો. અહીં ૧૯૭૬ની શરૂઆતમાં તે મુંબઈ, દિલ્હી અને ગોવામાં પ્રવાસીઓને લૂંટતો રહ્યો.

મૃત્યુદંડથી બચવા યુક્તિ વાપરી

દિલ્હીમાં એ સમયે ફ્રાન્સના વિદ્યાર્થીઓનો સમૂહ આવ્યો હતો. શોભરાજ તેમની સાથે હળીમળી ગયો. ત્રણને ડ્રગ્સનો ઓવરડોઝ આપ્યો. સદભાગ્યે બચી ગયા. શોભરાજ સામે ગુનો નોંધાયો. દિલ્હીમાં જ હોવાથી ૧૯૭૬ના જુલાઈમાં તેને પોલીસે પકડી લીધો. ગોવાનો કેસ પણ તેની સામે હતો. આ ઉપરાંત ૧૯૭૩ના વર્ષમાં સારવારના બહાને ફરાર થયો હતો એ ગુનો પણ તેની સામે હતો. આ પ્રકારે ત્રણ વર્ષ બાદ ત્રણ ત્રણ ગુનામાં તે પોલીસના હાથમાં આવ્યો. દરમિયાન બેન્કોકમાં તેણે કરેલી હત્યાઓ અંગે ત્યાંની પોલીસને પુરાવા મળ્યા હતા એટલે થાઈલેન્ડ સરકારે ભારત સરકાર સમક્ષ તેની સોંપણી કરવા માંગ કરી પરંતુ ભારતીય કાયદા મુજબ અહીંની ધરતી પર તેણે ગુનો આચાર્યો હોવાથી તેને પહેલા સજા ભારત આપશે એવું ઠરાવવામાં આવ્યું. તેની સામેનો મુકદ્દમો ચાલ્યો. સખત અને લાંબી સજા થવાની ધારણા હતી પરંતુ પૂરતા પુરાવાના અભાવે તેને માત્ર ૧૨ વર્ષની કેદ થઈ. ૧૯૮૮માં તે મુક્ત થવાનો હતો. પ્રથમવાર તેણે લાંબી કેદ ભોગવી. એ સિવાય તે પાંચ જુદાજુદા દેશોની જેલમાંથી ભાગી છુટ્યો હતો. 

તિહાડ જેલમાં તે ડાહ્યોડમરો થઈને રહેવા લાગ્યો. તેના ઉપર ખાસ નજર રાખવામાં આવતી છતાં તે ભાગે એવું જણાતું નહોતું. સતત દસ વર્ષ તેણે શિસ્તદ્ધ કેદી તરીકે વિતાવ્યા. ‘ગુનાખોરીની દુનિયા અત્યંત ખરાબ છે’ એવું પણ તે જેલમાં કહેતો. જેલ અધિકારીઓ-કર્મચારીઓ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા હતા. ભરોસો જીતી લેવો અને પછી પીઠ પાછળ ખંજર ભોંકવું એ તેની જૂની આદત હતી. તેના દિમાગમાં જુદી જ રમત ચાલી રહી હતી. ભારતની જેલમાં કોઈ પણ રીતે ૨૦ વર્ષ કાઢવાનો તેનો પ્લાન હતો. ૧૯૭૬માં પકડાયો, ૧૨ વર્ષની સજા એટલે ૧૯૮૮માં છૂટવાનો હતો. ભારતમાં તેની સજા પૂરી થાય એ સાથે જ થાઈલેન્ડ સરકારની માગણી પ્રમાણે તેને બેન્કોક પોલીસને હવાલે કરવાનો હતો. થાઇલેન્ડના કાયદા મુજબ તેને સીધી મોતની સજા થવાની હતી. પરંતુ થાઇલેન્ડમાં એક કાયદો એવો પણ છે જેની જોગવાઈ મુજબ ગુના માટેના વોરન્ટની સમય મર્યાદા ૨૦ વર્ષ સુધીની છે. ૨૦ વર્ષમાં એની બજવણી ન થાય, મુકદ્દમો પૂરો ન થાય, આરોપીની ધરપકડ ન થાય, એની સજાનું એલાન ન થાય, તો એ કેસ જાતે જ રદબાતલ ઠરે છે. શોભરાજના દિમાગમાં આ બધું ચાલતું હતું જે કોઈએ કદાચ વિચાર્યું પણ નહોતું અને તે તિહાડ જેલમાં આરામથી સજા કાપતો હતો. સૌ વિચારતા હતા કે ’૮૮માં તેનો છૂટકારો થવાનો છે, બલકે સારી વર્તણૂકને કારણે એકાદ વર્ષ વહેલો જ તેને મુક્ત કરવામાં આવે એવું પણ બને! જોકે તિહાડમાં ૧૦ વર્ષ પૂરા થયા એ સાથે તેણે તેના મનમાં ચાલતી રમતને અમલમાં મૂકી. 

કહેવાય છે કે તિહાડ જેલમાં તે ઠાઠમાઠથી જિંદગી જીવતો હતો. કારણ મબલખ રૂપિયો. જેલના નિયમોનું ચુસ્ત પાલન કરતો, કેદીઓ સાથે પણ સારું વર્તન કરતો. એટલે જેલસ્ટાફ અને સાથી બંદીવાનોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. ૧૯૮૬માં અચાનક ધીરે ધીરે તેણે નશીલી દવાઓ એકત્ર કરવા માંડી. એક દિવસ અઠવાડિયા પહેલાં તેણે જાહેર કર્યું કે, ‘મારો જન્મ દિવસ આવે છે, તો બધા જેલસ્ટાફ અને કેદી ભાઈઓ સાથે ઊજવણી કરીશ.’ સૌએ તેણે શુભકામના પાઠવી. જન્મ દિવસે તેણે સ્ટાફની મદદથી કેક અને લાડુ, જલેબી જેવી મીઠાઈઓ મંગાવી. આ બધા ખાદ્યપદાર્થોમાં તેણે નશીલી દવા ભેળવી દીધી. જેલમાં ચાર કેદી સાથે તેની ભાઈબંધી થઈ હતી, પણ તેણે પોતાના ષડયંત્ર વિશે એમને ગંધ આવવા દીધી નહોતી. જન્મદિવસની રાતે મિજબાની પહેલાં તેણે આ ચારેયને માત્ર એટલું કહ્યું, કે ‘તમે લોકો આમાંની કોઈ વસ્તુ ખાતા નહિ.’ બાદમાં ચાર્લ્સે તેની બેરેકના તમામ કેદીઓ તેમ જ બેરકથી માંડી મુખ્ય દરવાજા સુધીના તમામ સ્ટાફને પોતાના હાથેથી મીઠાઈ ને કેક ખવડાવ્યા. થોડીમાં દવાએ અસર કરી અને સૌ બેભાન થયા. બાદમાં શોભરાજ અને ચારેય મિત્રો આરામથી જેલની બહાર આવ્યા. તેની પાસે કેમેરા પણ હતો જેના વડે તસવીરો પણ લીધી! પોતે પેલા ચારેય મિત્રોથી અલગ થઈ ગયો. જેલમાંથી તેના ભાગવાના સમાચારે ભારે ખળભળાટ જગાવ્યો. પણ તે તો આરામથી દિલ્હીથી ગોવા પહોંચ્યો. બીચ પર રખડ્યો, કેસીનોમાં ગયો. વેશપલટો કરી, નામ બદલીને રહેવામાં તે કાબો હતો પણ ગોવામાં તેણે એવું કંઈ કર્યું નહિ! થોડા દિવસો બાદ ગોવાની જ એક હોટલમાં તેને જોવામાં આવ્યો. મુંબઈમાં તે હતો ત્યારના ત્યાંના એક પોલીસ અધિકારી પણ તેની શોધમાં હતા. કોઈએ તેમને બાતમી આપી એટલે તેમણે શોભરાજને પકડી લીધો. શોભરાજે ખુશીખુશી ધરપકડ વહોરી કારણ કે તેના મનની મુરાદ પૂરી થઈ હતી. તે ઇચ્છતો હતો કે જો ભારતમાં તેનો જેલવાસ લંબાય તો થાઇલેન્ડના મૃત્યુદંડથી બચી શકાય અને એવું જ થયું. તેને વધુ ૯ વર્ષની કેદ થઈ. ૧૯૮૬માં તેણે મુક્ત થવાનું હતું, એ સજા વધીને ૧૯૯૭ સુધી લંબાઈ. ત્યાં સુધીમાં થાઈલેન્ડના ગુનાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ! 

ભારતમાં તેની સજા પૂરી થતાં ૭ ફેબ્રુઆરી ૧૯૯૭માં તે જેલમુક્ત  થયો. ‘૭૬માં પકડાયો અને ‘૯૭માં છૂટ્યો એટલે પૂરા ૨૧ વર્ષ સુધી તિહાડ જેલમાં રહ્યો. આટલા લાંબા સમય સુધી જેલમાં રહેવાનો પણ તેણે તિહાડમાં વિક્રમ બનાવ્યો. તે ફ્રેન્ચ નાગરિક હોવાથી છૂટકારા બાદ ભારત સરકારે તેને ફ્રાન્સ ડિપોર્ટ કર્યો. ત્યાં સુધીમાં તે એટલો જાણીતો બની ચૂક્યો હતો કે ફ્રાન્સ પહોંચ્યો ત્યારે હિરોની જેમ લોકોએ એનું સ્વાગત કર્યું. લોકો તેની સાથે તસવીરો પડાવવા લાગ્યા. ત્યાં જ હોલીવૂડના એક નિર્માતાએ તેના જીવન ઉપર ફિલ્મ બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો. જેને સ્વીકારીને શોભરાજે રૂ.૯૦ કરોડની કમાણી કરી. એવું પણ કહેવાય છે મીડિયામાં ઇન્ટરવ્યુ આપવા માટે પણ તે પાંચ-પાંચ હજાર ડોલરની ફી વસૂલતો. ૧૯૯૭થી ૨૦૦૩ સુધી તે ફ્રાન્સમાં આનંદ અને શાંતિથી રહ્યો. બીજા કોઈ કેસ હતા નહિ. પણ હજી એક જેલવાસ તેને પોકારતો હતો. અચાનક ૨૦૦૩માં તે પોતાની પેરિસની આરામદાયક જિંદગી છોડીને નેપાળના કાઠમંડુ શહેરમાં પહોંચ્યો. ત્યાં હોટલમાં રહ્યો, કેસીનોમાં જુગાર રમતો. એક વખત જાહેરમાં ફરતો હતો એવામાં કોઈ સ્થાનિક પત્રકાર તેને જોઈ ગયો. તેણે તંત્રને જાણ કરી કે ચાર્લ્સ શોભરાજ અહીં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ કાઠમંડુની યાક એન્ડ યતી હોટલમાંથી તેને પોલીસે પકડ્યો. 

૧૯૭૫માં જ્યારે થાઇલેન્ડથી ભાગીને તે નેપાળ ગયેલો ત્યારે કેનેડાની મહિલા અને એક અમેરિકન નાગરિકની હત્યા થઈ હતી. એ બન્ને હત્યામાં તેની વિરુદ્ધ પુરાવા મળ્યા હોવાથી પોલીસ તેને શોધતી હતી. ધરપકડ બાદ તેની સામે કેસ ચાલ્યો. નીચલી અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી. સુપ્રીમ કોર્ટમાં તેણે કરેલી અપીલ પણ ફગાવી દેવાઈ હતી. આ સજા પૂરી કરી હવે તે મુક્ત થઈ ફરી ફ્રાન્સ પહોંચ્યો છે. પણ હવે ૭૮ વર્ષની ઉંમરે શોભરાજ શું કરશે એ કોઈ કહી શકે એમ નથી. કેમકે તેના દિમાગમાં શું ચાલી રહ્યું એ તેના સિવાઈ કોઈને તે કળવા દેતો નથી. 

વકીલની પુત્રી સાથે જેલમાં લગ્ન કર્યા!

નેપાળમાં તેણે શકુંતલા થાપા નામની વકીલ રાખેલી. એ વકીલની ૨૦ વર્ષીય દીકરી નિહિતા વિશ્વાસ, શોભરાજના કેસ સબંધમાં માતા સાથે જેલમાં જતી. અચાનક એક દિવસ એક સમાચારે સૌને ચોંકાવી દીધા! ૮ ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે કેટલીક તસવીરો જાહેર થઈ. શોભરાજ નિહિતાના સેંથે સિંદૂર ભરી રહ્યો છે! બન્નેએ જેલમાં જ લગ્ન કરી લીધા હતા! આ લગ્ન પણ જેલમાંથી બહાર આવવા માટે કાવતરું હોવાનું પણ કહેવાતું. 

કયા કયા દેશોમાં ગુનાખોરી આચરી

શોભરાજ હત્યા કરીને મૃતકનો પાસપોર્ટ તફડાવી લેતો. એમાં ફોટો પોતાનો ચોંટાડી દેતો. કહેવાય છે કે તેની પાસે જુદા જુદા ૧૦ દેશોના પાસપોર્ટ હતા. જેના વડે તે એકથી બીજા દેશમાં ઘૂસી જતો. ફ્રાન્સ, ભારત અને નેપાળ ઉપરાંત તે અફઘાનિસ્તાન, ગ્રીસ, ઈરાન, પાકિસ્તાન, યુગોસ્લાવિયા, રોમ, બલગેરિયા, ડેનમાર્ક, તુર્કી વગેરે દેશોમાં તેણે ગુનાખોરી આચરી હતી. 

('અભિયાન' સાપ્તાહિકના  ૦૭ જાન્યુઆરી, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત  લેખ થોડા ફેરફાર સાથે)

Wednesday 7 December 2022

વિક્રમ ગોખલેઃ ગુજરાતી ફિલ્મ જગતના પણ તેઓ સ્ટાર હતા


વિક્રમ ગોખલેએ છેલ્લા શ્વાસ લીધા એ સાથે હિન્દી-મરાઠી ફિલ્મ અને નાટ્ય જગતમાં શોક છવાઈ ગયો. જોકે ગુજરાતી દર્શકોમાં પણ આઘાત ઓછો નથી. બહુધા મરાઠી રંગમંચ અને હિન્દી-મરાઠી ફિલ્મના અભિનેતા તરીકે ગોખલેને યાદ કરવામાં આવે છે પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે પણ તેમનો અતૂટ નાતો રહ્યો હતો. તેમણે ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગમાં એકાધિક ફિલ્મોમાં અભિનય કરી ગુજરાતી દર્શકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. 

વિક્રમ ગોખલનો જન્મ પુણેમાં. મુખ્યત્વે ફિલ્મ, ટેલિવિઝન અને નાટકના કલાકાર. તેમણે મરાઠી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં મહત્ત્વના પાત્રો ભજવ્યાં. અભિનય તો જાણે વારસામાં મળ્યો હતો. તેમનાં પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય સિનેજગતનાં પ્રથમ અભિનેત્રી. તેમનાં દાદી કમલાબાઈ પ્રથમ મહિલા બાળ કલાકાર. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગમંચ અને ફિલ્મ કલાકાર હતા. આ પ્રકારે પરિવારમાંથી જ અભિયનકળાનું વાતાવરણ મળ્યું. એટલે પુખ્ત થયા એ સાથે તેઓ પણ ફિલ્મ અને નાટ્યજગતમાં પ્રવેશ્યા. 

હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથેની ‘પરવાના’, ‘અગ્નિપથ’ અને ‘ખુદા ગવાહ’ તેમની કારકીર્દિની ત્રણ યાદગાર ફિલ્મો ગણાય છે. એ પ્રકારે ‘વિક્રમવેતાલ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ભુલભુલૈયા’ જેવી કેટલીય ફિલ્મોમાં અભિનય કરી, તેમણે બહોળી લોકચાહના મેળવી હતી.

ઉત્કૃષ્ટ અભિનયને કારણે વિક્રમ ગોખલેને અનેક માનઅકરામ મળ્યાં. ૨૦૧૩માં આવેલી મરાઠી ફિલ્મ ‘અનુમતિ’માં ભજવેલા યાદગાર અભિનયને લીધે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. અભિનયની સાથે તેમણે નિર્દેશન ક્ષેત્રે પણ પ્રયોગ કર્યા. ૨૦૧૦માં રિલીઝ થયેલી ‘આઘાત’ તેમની નિર્દેશિત પ્રથમ મરાઠી ફિલ્મ. 

અભિનયની સૂક્ષ્મતાઓના જાણતલ અને લોકપ્રિય હોવાની સાથે એક વ્યક્તિ તરીકે પણ તેઓ ઊંચા દરજ્જાના હતા. એનો દાખલો આપતાં ગાયક પ્રફુલ્લ દવે ફેસબુક પર લખેલા સંસ્મરણમાં કહે છેઃ ‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી અનેક ફિલ્મોની સફળતા પછી એક વાર એ એર ઇન્ડિયાની ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં અમેરિકા અભિનયના વર્કશોપ માટે જતા હતા અને એ જ ફ્લાઇટમાં હું પણ હતો પણ ઇકોનોમી ક્લાસમાં! એ મને ઓચિંતા જોઈ ગયા અને મારો હાથ પકડીને બિઝનેસ ક્લાસમાં લઈ ગયા! મેં કહ્યું, વિક્રમભાઈ મારી ઇકોનોમીની ટિકીટ છે તો એણે એ જ વખતે બિઝનેસ ક્લાસના ક્રુઝ (કર્મચારીઓ)ને મરાઠીમાં કહી દીધું કે “જે પૈસા થાય એ કહો એટલે ક્રેડીટ કાર્ડથી ચુકવી દઉં! આ ગુજરાતના બહુ મોટા ગાયક છે અને એના કારણે ગુજરાતી ફિલ્મો અને મારી જેવા હીરો ચાલ્યા છે! જોકે એર ઇન્ડિયાએ ચાર્જ ના કર્યો પણ વિક્રમભાઈના કારણે ફેવર કરી અને હું પણ થોડીવાર એની સાથે બેસીને પાછો મારી ઇકોનોમીની સીટ પર જતો રહ્યો.’


જ્યારે 1975થી 1990 દરમ્યાન ગુજરાતી ફિલ્મ જગતનો સોનેરી યુગ ચાલતો હતો ત્યારે મરાઠી ફિલ્મો અને રંગભૂમિના અને ટેલિવિઝનના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેએ ‘કોઈનું મિંઢોળ કોઈના હાથે’, ‘ચોરીના ફેરા ચાર’, ‘જય મહાકાળી’, ‘આપો જાદરો’, ‘પાળિયાનો પડકાર’, વગેરે જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં દમદાર અભિનય કરેલો, આ બધી ફિલ્મોના ગીતોમાં પ્રફુલ્લ દવેએ એમને કંઠ આપ્યો હતો. એ ગીતો સુપરહિટ થયા હતા. 

ગુજરાતી ફિલ્મોમાં તેમના અભિનયને લીધે દર્શકો તેમને ગુજરાતી જ માનતા. તેમની ડાયલોગ બોલવાની છટા લોકોનું મન મોહી લેતી. તેમના એ સંવાદો અને ગીતોને તેમના ચાહકો આજેય યાદ કરે છે.

ગોખલે પુણેમાં સુજાતા ફાર્મ્સ નામની રિયલ એસ્ટેટ પેઢી ચલાવતા હતા. તેઓ સામાજિક કાર્યકર પણ હતા. તેમના પરિવારનું ચેરિટેબલ ફાઉન્ડેશન વિકલાંગ સૈનિકો, રક્તપિત્તથી પીડાતા અને અનાથ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. 

ફેબ્રુઆરી 2016માં ગળાની બિમારીને કારણે તેમણે રંગભૂમિની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તેમણે ફિલ્મમાં અભિનય ચાલુ રાખ્યો હતો. તેમને 5 નવેમ્બર 2022ના રોજ પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એકથી વધુ અંગોએ કામ કરવાનું બંધ કરી દેતાં 26મી નવેમ્બરે તેમનું 77 વર્ષની વયે તેમનું નિધન થયું.

(અભિયાન સાપ્તાહિકના  ૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ના અંકમાં પ્રકાશિત)


Tuesday 29 November 2022

દૃશ્યમ્-૨: દૃશ્યોની જમાવટ વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ


આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અજય દેવગન, તબ્બુ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ 'દ્રશ્યમ-૨' ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મ ગત વર્ષે આ જ નામે રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે. વર્ષ ૨૦૧૫માં આવેલી ‘દૃશ્યમ’નો આ બીજો ભાગ હોવાથી સ્વાભાવિક છે કે એમાં ફિલ્મની અંદર ભેદી છે એવી હત્યાની એની એ જ કથા છે, મુખ્ય કલાકારો પણ એ જ છે. તપાસ જ્યાં અટકી હતી, એ નવા પોલીસ અધિકારી આવતાં ફરીથી શરૂ કરે છે. એક પછી એક કડીઓ ખૂલતી જાય છે, એમાં સરેરાશ દર્શકોને મનોરંજન મળે છે.  

ફિલ્મની શરૂઆતમાં કોઈ સનસનીખેજ દૃશ્ય આવે, જેનો ફિલ્મ સાથે કોઈ દેખીતો સંબંધ હોવાનું ન લાગે પણ જ્યારે ફિલ્મ ચરમસીમાએ પહોંચવામાં હોય એ પહેલાં જ પ્રારંભના એ સીનનો તંતુ જોડાઈ જાય. આ ઘસાયેલી ટ્રિકનો દૃશ્યમ-૨માં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે શરૂઆતનો ખાસ્સો એવો સમય કંટાળાજનક લાગે છે. ત્યાં સુધીમાં હત્યાનો ભેદ ઉકેલવામાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે અક્ષય ખન્નાની એન્ટ્રી થતાં ફિલ્મ ગતિ પકડે છે. સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ગાયતોન્ડે (કમલેશ સાવંત) અને ઇન્સ્પેક્ટર જનરલ વચ્ચેના સંવાદમાં હાસ્ય જન્માવવાનો પ્રયાસ કૃતક જણાય છે. વિષય ભારેખમ હોવાથી ફિલ્મને થોડી હળવી રાખવા કદાચ વચ્ચે હાસ્યનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એ જૂની ફોર્મ્યુલા પણ અહીં અપેક્ષા પ્રમાણે કારગત નીવડી નથી. 

પોલીસ, કોર્ટ જેવા તંત્રને ફિલ્મની પટકથામાં આવરી લેવામાં આવ્યા હોવાથી એને સંગત કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. આઇપીએસ કક્ષાનો કોઈ અધિકારી હત્યાકેસના શકમંદના ઘરે અચાનક જઈ પહોંચે એ વાત ગળે ઊતરતી નથી. ચર્ચાસ્પદ અને અણઉકેલ હત્યાના બનાવમાં મૃતકનું મનાતું હાડપિંજર ફોરેન્સિક સાયન્સની લેબમાં રાખવામાં આવે પણ ત્યાં માત્ર એક જ ચોકીદાર હોય, સીસીટીવી કેમેરા જ ન હોય, ક્યા યહ મુમકિન હૈ? ખેર, આ તો કાલ્પનિક સ્ટોરી પરથી મનોરંજનાર્થે સર્જાયેલું ચિત્રપટ છે, એમાં તર્ક થોડા લડાવવાના હોય! પરંપરા મુજબ દર્શકો મગજ બહાર મૂકીને ફિલ્મ જોવા જાય છે, બે કલાક રોમાંચ મેળવવા જાય છે, એ રીતે જોઈએ તો કોઈ વાંધો નથી. પણ હવે ભારતીય દર્શક પરિપક્વ બન્યો છે. એટલે સવાલ તો બનતા હી હૈ!   

ફિલ્મમાં એક રસપ્રદ વાત એ જોવા મળી કે એમાં કથાની અંદર ઉપકથા આવે છે, જોકે એ પાસાને વધારે અવકાશ આપવામાં આવ્યો નથી. વાત એમ છે કે અપરાધી વિજય(અજય દેવગન)ને એવી ગળા સુધીની ખાતરી છે કે એક દિવસ તે પકડાશે. એટલે તે આખા બનાવને મળતી આવે એવી નવલકથા લખે છે. પટકથા લેખક મુરાદ અલી(સૌરભ શુક્લા) સાથે એ કથા ઉપરથી ફિલ્મ બનાવવાના બહાને મિત્રતા કેળવી, એના નામે વિજયે એ પુસ્તકની થોડી નકલો પ્રસિદ્ધ કરાવી લીધી હોય છે. પછી જ્યારે વિજયને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે એ વખતે હાડપિંજર અન્ય મૃતકનું હોવાનું સામે આવતાં જ વિજયની વકીલ ન્યાયધીશને કહે છે કે પોલીસે આ કેસની સ્ટોરી નવલકથા ઉપરથી ઉપજાવી કાઢી છે! અને જજ સાહેબ પણ એ દલીલ સ્વીકારી લે છે! 

આવી કેટલીક મર્યાદાઓ હોવા છતાં ફિલ્મને સારો આવકાર મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હોવાના સમાચારો પણ આવી રહ્યા છે. અલબત્ત દર્શકોના માથાં પણ ફિલ્મ જોયા બાદ દુખવા લાગ્યા. પૂછો ક્યૂં? અરે, ભાઈ સસ્પેન્સ અને થ્રિલર મૂવી હોય એટલે દિલધડક દૃશ્યો વખતે હૃદયના ધબકારા વધારી મૂકે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાછૂટકે સાંભળવું પડે ને! એ સંગીતરૂપી ઘોંઘાટ પણ ફિલ્મ માણવામાં બાધારૂપ બને છે.

(‘અભિયાન’ મેગેઝિન ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨માં પ્રકાશિત)


Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...