Friday 21 September 2018

ટૂૂંકી વાર્તા: ઘોડેસવાર


                  છોકરી ભારે રૂપાળી છે, પણ કેમ કરીને એના લગ્ન થતા નથી.
                 એનો બાપ અઠવાડિયે પંદર દિવસે એકાદ મૂરતિયાને પકડીને લાવે છે અને દીવાનખંડમાં બેસાડીને છોકરીને તૈયાર થવાનું કહે છે. એ તૈયાર થાય છે. ચા-પાણી અને નાશ્તો પીરસે છે. ત્યારે એનું નાક ફૂટપટ્ટીથી માપવામાં આવે છે અને તેનું શરીર ત્રાજવે જોખવામાં આવે છે. તેના સ્વરની મીઠાશ ચાખવામાં આવે. ક્યારેક એને પસંદ કરવામાં નથી આવતી તો ક્યારેક બાપની તિજોરી ટૂંકી પડે છે. માતા-પિતા ખિન્ન થઈ નિસાસા નાખે છે, ભગવાન કરે દેશપાંડેની દીકરી કમલાની જેમ આપણી દીકરી પણ રોજ સોનાનાં બે ઈંડાં મૂકે, એકના બદલે બે, તો કેવું સારું થાય!
                 તે મંદિરમાં ભગવાનની સામે ઊભી છે. મંદિરમાં ભગવાને પોતાનો હમશકલ મૂકેલો છે, અને પોતે ક્યાંનો ક્યાં આંટાફેરા કરે છે. ક્યાં છે એ છોકરો જે રેવાલ ચાલે ઘોડો દોડાવતો આવે છે, અને સેંથો સિતારાથી ભરી દે છે, બધુ ધૂંધળું ધૂંધળું દેખાય છે અને ધૂળ ધૂળ!
                 કોઈ દરવાજો ખખડાવે છે. જાણે કોઈ હૃદયના દ્વારે ધબ્બા મારી રહ્યું છે. છોકરી કંઈ સમજી નથી શકતી, કારણ કે કંઈ પણ સ્પષ્ટ નથી. તે સાપોથી ભરેલી પથારી પર બેઠી થઈ. ફરી બારણું ખખડવાનો અવાજ! માતા-પિતા ધીમા અવાજે કંઈક વાતે વળગ્યા છે.
                 ‘કોઈ વરુ દરવાજો ખખડાવે છે, જો એની પૂંછડી પણ ચોખ્ખી દેખાય છે.’
                 ‘ના, વરુ નથી. પૂંછડી ક્યાં છે?’
                 ‘પૂંછડી બહાર દેખાય એ જરૂરી નથી.’
                 ‘અને બહારથી દેખાય તો એ અંદર પણ હોય એ ય જરૂરી નથી.’
                 ‘અને એ ય ક્યાં જરૂરી છે કે, પૂંછડી જેવું દેખાય એ પૂંછડી જ હોય!’
                 ‘જે હોય ઈ, મારે મારી દીકરી વરુને નથી સોંપવી, તું મા છે કે ડાકણ? મારી ફૂલ જેવી એકની એક દીકરી!’
                 ‘ઈ વરુને હું કોઈ દી જમાઈ ન બનાવું.’
                 ‘પે’લા ઈ પાકું કરી લઈએ કે, ઈવડુ ઈ વરુ છે કે નહિ.’
                 ‘ઊભા ર્યો, બાયણું તો ખોલવા દ્યો. બાયણું ઉઘાડ્યા વગર કેમ ખબર પડે?’
                 ‘ના, બાયણું ભલે બંધ ‘ર્યું. નકર વરુ માલીકોર આવી જાશે.’
                 ‘ક્યાં લગી આપણે આ છોડીને ઘરે બેહાડી રાખશું?’
                 ‘જ્યાં લગી ઈ ઘોડેસવાર ન આવી જાય.’
                 ‘ઘોડેસવાર ક્યારે આવશે?’
                 ‘જ્યારે ઈ ઈંડા મૂકવાનું બંધ કરશે.’
                 ‘કેવા બાપ છો તમે? એક નંબરના સ્વાર્થી. ઈ તમારું લોહી છે.’
                 ‘તારું ય છે હો!’
                 ‘જુઓ, ઈ ઈંડા મૂકવાનું બંધ કરે કે ન કરે ઈ એની ઇચ્છા, પણ અસવાર આવશે તો એને આપણે ખાલી હાથે પાછો જવા નઈ દઈએ. અગાઉ જવા દીધો હતો, હવે એવી ભૂલ નઈ કરીએ. આખરે ક્યાં લગી છોડીને ઘરે બેહાડી રાખવી છે.’
                 ‘પણ દરવાજો ખખડ્યો ઈ પહેલાં લાગ્યુંતું કે, ઈ આવી પહોંચ્યો, મેં ઘોડાના ડાબલાનો અવાજ પણ હાંભળ્યોતો.’
                 ‘શું વાત કરો છો? તો હણહણાટી તો એકાદવાર હંભળાય કે નહિ? ઈ આવે તો ઘોડો સો ટકા હણહણે.’
                 છોકરી સતત હણહણાટી સાંભળતી હતી. પણ નક્કી કરી શકતી નહોતી કે ઘોડો દરવાજાની બહાર હણહણે છે કે, એની છાતીમાં?
                 તે મંદિરમાં ભગવાનની સામે ઊભી છે. ભગવાનને જગાડવા તે જોશભેર ઘંટ વગાડી રહી છે. ભગવાન માત્ર જાગીને જુએ જ નહીં પણ કંઈક કરી પણ દેખાડે અથવા ચોખ્ખેચોખ્ખું કહી દે કે, એમનાથી કાચો પાપડ પણ ભાંગે એમ નથી. તે જોર જોરથી ઘંટ વગાડી રહી છે. તેના હાથ લાલચોળ થઈ જાય છે અને ઘંટારવથી આખો લત્તો એકઠો થાય છે.
                 ભગવાને આંખ આડા કાન કરી લીધા છે, છતાં છોકરી હજી ય શનિવારનું વ્રત પાળે છે. શ્રાવણના સાત સોમવાર તો તેણે રાખ્યા જ હતા. જ્યોતિષીએ કહ્યું છે કે, સપ્ટેમ્બરમાં દશા બદલાશેે અને દૂર અંદર ક્યાંક ઊંડા કૂવામાં નાના નાના હાથ ધીમેથી સળવળી રહ્યા છે. તંગ થતું જતું શરીર વસ્ત્રોની સિલાઈને ઉતેડી રહ્યું છે. અને સપ્ટેમ્બરમાં દશા બદલાશે. સપ્ટેમ્બર ક્યારે આવશે? છેલ્લાં કેટલાંય વર્ષોથી સપ્ટેમ્બર આવતો જ નથી. ઓગસ્ટ પછી સીધો ઓક્ટોબર આવી જાય છે. સપ્ટેમ્બર છે ક્યાં?
                 ‘સપ્ટેમ્બર અહીં છે! અહીં મારી પાસે.’ ઘોડેસવાર જાણે કાનમાં કહી રહ્યો છે, ‘હું આવી રહ્યો છું, હું રવાના થઈ ગયો છું. આવી જ રહ્યો છું બસ.’
...
                 ‘કંઈ પણ થાય પણ મારી દીકરીને એની હારે નઈ પયણાવું. ક્યે છે કે, એના ઘરે રસોડાથી ય મોટો સ્ટવ છે.’ માતા-પિતાની ગુપચુપ વાતો ચાલી રહી છે.
                 ‘રસોડાથી ય મોટો સ્ટવ!’
                 ‘હા, કાયમ ભડભડતો રહે છે. કોને ખબર ક્યારે ફાટી પડે અને આપણી ફૂલ જેવી એકની એક દીકરી-’ લગ્ન માટે રાહ જોતી છોકરી ઊભી થઈ જાય છે. તે છાયા ગીત બંધ કરીને ઊનનો દડો બારીમાંથી બહાર ફેંકી દે છે. બારીની બહાર માત્ર ઘોર અંધકાર દેખાય છે.
‘અજવાળું આવવા દો, હવા આવવા દો. દરવાજો ખુલ્લો રાખો ને બાપુજી!’
                 પિતા: વરુ આવી ચઢશે દીકરી!
                 માતા: અને વાઘદીપડો ય આવી શકે.
                 પિતા: રીંછ અને જરખ!
                 દીકરી: ઘોડેસવાર પણ આવી તો શકે છે
                 માતા-પિતા: પણ વાઘ-દીપડો, રીંછ, વરુ, જરખ
                 દીકરી: તમારી પાસે બંદૂક છે ને!
                 પિતા: હા છે, પણ જરૂર પડ્યે ફૂટશે કે નહિ એનો ભરોસો નથી. અને હવે તો કારતૂસ પણ પૂરી થઈ ગઈ છે.
                 દીકરી: અરે, તો એમ કરો, જૂના પટારામાં ફંફોસો ક્યાંક એકાદી કારતૂસ મળી જ આવશે. બંદૂક પહેલાં મારા પર અજમાવજો, ચાલે છે કે નહિ ખબર પડી જશે.
                 પિતા માથું નમાવે છે અને દીકરી સૂચન કરી રહી છે.
                 ‘તું મરી જઈશ તો મારી લાડકી!’
                 ‘અટાણે ય વળી ક્યાં જીવી રહી છું?’
                 ‘વાટ જો ને, ઘોડેસવાર આવશે દીકરી!’
                 છોકરી ફફડી ઊઠે છે.
                 માર્ગ પર પૂરપાટ ભાગી રહેલો ઘોડેસવાર, ચોગરદમ ધૂળની ડમરીઓ ઉડાવતો!
                 ‘ઊભો રહે ઘોડેસવાર! ઘો-ડે-સ-વા-ર-’ છોકરીએ ચીસ પાડી.
                 ‘શું થયું?’ શિરાણે ઊભેલા માતા-પિતા પૂછે છે.
                 શું કોઈ દરવાજો ખખડાવે છે? કોણ છે? કોણ હોઈ શકે? પિતા દરવાજો ખોલવા આગળ વધે છે. માતા એની પાછળ ઊભી છે. છોકરીએ ઓઢણી ઓઢી લીધી છે. પિતા બળપૂર્વક કટાયેલી સાંકળ ખોલે છે. કિચૂડાટ કરતો દરવાજો આખેઆખો ઊઘડે છે. ગાઢ ધુમ્મસ અને રજકણો જ રજકણો જોવા મળે છે. કંઈ સ્પષ્ટ દેખાતું નથી. બરાબર એ જ ટાણે સમયની ધૂળ ઓરડામાં પ્રસરી જાય છે અને એકાએકા વાળને ધોળા કરી નાંખે છે.
                 ‘શું હવા મશ્કરી કરી રહી છે?’
                 ‘આપણે દરવાજો ખોલવામાં મોડું તો નથી કર્યું ને? ડાબલા તો મેં સાંભળ્યા હતા.’
                 ‘તો ક્યાં છે ઘોડો કે ઘોડેસવાર? તને ભણકારા વાગતા લાગે છે!’
                 ‘ના ના. ખરેખર ઘોડો ય હણહણતો હતો. તેનું મોં માણસ જેવું હતું અને તે હણહણાટી મારતો હતો.’
                 ‘ઘોડો? એ ય માણસ જેવો? શું લવારો કરવા માંડી છો?’
                 ‘મેં જોયો ને, દરવાજાની આરપાર જોયો!’
                 ‘તો શું આપણે આપણી દીકરીને ઘોડા હારે પયણાવી દેશું?’
                 ‘ગાંડા ન ગદોડો, ઘોડા હારે કંઈ પયણાવાય?’
                 ‘તો પછી ઈ કોણ હતો? તેં સપનું તો નથી જોયું?’
                 ‘હાય હાય, તમારા વાળ તો જોવો, કેવા સફેદ થઈ ગયા!’
                 ‘અને તારા ય!’
                 ‘હે પ્રભુ! કેટલો ટાઇમ થઈ ગયો? ઘડિયાળ ક્યાં? કેલેન્ડર ક્યાં ગયું? સૂરજ ક્યાં છે?
                 ‘અરેરે, તમે તો સલાહ-સૂચન કરવામાં રહી ગયા.’
                 છોકરીની આંખો દેવતાની જેમ ધગધગી રહી હતી.
                 આ ઘડિયાળ ચાલતા ચાલતા અટકી ગઈ છે. એ તારીખિયાએ દગો દીધો છે. સૂર્યોદય થાય છે પણ અંધકાર દૂર થતો નથી. અને આ બારણાં ભારે મસ્તીખોર છે, કારણ વિના ખખડ્યાં કરે છે. તમને ભણકારા નથી વાગતા, એ બારણાં સાચુકલાં ભટકાયા કરે છે. ફેંકી દો ઘડિયાળ, ફાડી નાંખો આ તારીખિયું. ખોલી નાખો બારણાં. પવન આવવા દો અને ક્યાંય અજવાસ હોય તો એ ય ભલે આવતો. વર્ષો જૂનો આ અંધકાર રોશનીનો ભૂખ્યો છે.
                 છોકરી ભીંતેથી ઉતારીને ઘડિયાળ ફેંકી દે છે. કેલેન્ડરના ટુકડે ટુકડા કરી નાખે છે, તારીખો હવામાં ઊડવા લો છે.
                 ‘દરવાજો ઉઘાડી મેલો!’ છોકરી કહે છે.
                 માતા-પિતા સ્તબ્ધ બની જાય છે.
                 ‘કેમ મને જીવતી રાખી છે? કાપી નાખો એકી ઝાટકે અને કાઢી લો બધાંય ઈંડાં!’
                 છોકરી હીબકાં ભરે છે. પહેરણનો એક બખિયો તૂટતાં એટલો તીવ્ર અવાજ પેદા થાય છે જાણે સુરંગ વડે કોઈ મિનારો ધ્વંસ કરવામાં આવ્યો હોય!
                 માતા-પિતા સ્તબ્ધ બની જોયા કરે છે.
                 ‘બારણાં ખોલી નાંખો!’ છોકરી કહે છે.
                 ‘ક્યાંક વરુ આવી જશે તો?’ પિતા શંકા દર્શાવે છે.
                 ‘આવવા દો.’ છોકરી બિન્ધાસ્ત જવાબ આપે છે.
(સમાપ્ત)


લેખક: મીમ નાગ

નેવુંના દાયકામાં પ્રતિષ્ઠિત થયેલા આ વાર્તાકારનું મૂળ નામ મુખ્તાર નાગપુરી. વાર્તામાં બોલીનો ઉપયોગ એ તેમની ખૂબી છે. મંટો, કૃષ્ણચંદ્ર અને બેદી પછી ઉર્દૂ વાર્તામાંથી કટાક્ષ ગાયબ થઈ ગયો હતો, એ મીમ નાગની વાર્તાઓમાં ફરી જોવા મળ્યો. પ્રસ્તુત વાર્તાનું મૂળ નામ ‘ઘોળસવાર’ છે. 

અનુવાદ: ઇમરાન દલ 

(નોંધ: આ અનુવાદ ‘મમતા’ વાર્તા સામયિકના સપ્ટેમ્બર ૨૦૧૮ના ઉર્દૂ વિશેષાંકમાં પ્રકાશિત થયો હતો.)

Thursday 20 September 2018

ઔકાળવી, રબ્બાની, હાફિઝજી અને ધ્રોલ

એક સમય એવો હતો જ્યારે દરેક સબીલ પર મૌલાના શફી ઔકાળવી અને મૌલાના અબ્દુલ વહીદ રબ્બાનીની તકરીરની કેસેટો વાગતી. (બન્ને પાકિસ્તાની) એ જમાનો ટેપનો હતો. શફી ઔકાળવીનો સ્વર મધુર હતો. બયાનની એમની મૌલિક છટા હતી. અશઆર અને કુર્આનની આયતો તેઓ તરન્નુમમાં પેશ કરતા. આમ તો બીજા વિષયો પર પણ તેમણે બયાન આપ્યા હશે પણ અહીં આપણે ત્યાં તેમની ઓળખ મોહર્રમ માટે ફિક્સ હતી. શફી ઔકાળવીનો અવાજ કાને પડે એટલે દરેક મિયાંભાઈને ખબર પડી જાય કે, મોહર્રમ મહિનો બેસી ગયો. મોહર્રમ સાથે એમની તકરીરની ઇમેજ એટલી હદે જોડાયેલી હતી કે, અન્ય મહિનામાં એમને કોઈ સાંભળતું જ નહીં અને કોઈ કેસેટ વગાડે તોય અજૂગતું લાગતું, કોઈ ન વગાડવાની પણ સલાહ આપે, જાણે કે ઇમામ હુસૈનને તો બસ મોહર્રમમાં જ યાદ કરાય! ઔકાળવી અને રબ્બાનીની શૈલી વચ્ચે હાથી અને ઘોડા જેટલો ફેર હતો. રબ્બાનીની લઢણ થોડે અંશે કડવે પ્રવચન જેવી હતી, જોકે એ લઢણમાં નિરાશાજનક કડવાશ હોવાનું યાદ નથી.
રબ્બાની વચ્ચે વચ્ચે ‘મુલ્તાન કે મેરે હુસૈની નૌજવાનોં...’  જેવો લલકાર કરીને શ્રોતાઓને પાનો ચડાવતા જાય, ‘લોહા થા તો સપીકર બના, મટ્ટી થી તો આદમ બના’ જેવી જોડકણાં ટાઇપ દલીલો વડે ભલાભોળા સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી નાખતા. સ્પીકરને તેઓ સપીકર કહેતા. ઔકાળવી કરબાલનો કિસ્સો એક કથાની જેમ સળંગ રજૂ કરતા, જ્યારે રબ્બાની કરબલાના ખૂની મંઝરની કોઈ એકાદ ક્ષણને લડાવીને પેશ કરતા. (રબ્બાની એક નઝ્મ સંભળાવતા: ‘હરી હૈ શાખ-એ-તમન્ના અભી જલી તો નહીં-’ એની એક જ લાઇન યાદ હતી, એના આધારે સર્ચ કરતાં આખી રચના ગૂગલ પરથી મળી આવી. પણ ઘણી કોશિશ છતાં એના રચયિતાનું નામ મળી ન શક્યું. ખુદને રેખ્તાના ઉસ્તાદ સમજતા અમુક કવિ હજરાતનો પણ રાબ્તો કર્યો. તેમણે પણ લાઇલ્મી ઝાહિર કરી. આવી કડક લાકડા જેવી લાઇનો કોણે લખી હશે?)
કરબલાની વાત આવી છે તો ઔકાળવી અને રબ્બાનીની જેમ ધ્રોલમાં ત્રીજી હસ્તી પણ લોકપ્રિય બની. એમનું નામ હાફિઝ આદમ. હાફિઝજી આમ તો ભરૂચ પંથકના પણ યુવાનીથી તેઓ ધ્રોલમાં છે. મોહર્રમમાં તેમનું વાએઝ હોય એટલે હકડેઠઠ લોકો મેમણચોકમાં ઉમટી પડે. ઇમામ હુસૈનની શહાદત વિશે તેમનું બયાન એટલી હદે કરુણ રહેતું કે, શ્રોતાઓની આંખમાં આંસુ આવી જતા. ભરૂચ પંથકના હોવા છતાં તેમની ઉર્દૂ જુબાનમાં માધુર્ય એટલી હદે કે, કેટલાક હિન્દુ અને વ્હોરા બિરાદરો પણ એમને સાંભળવા આવતા હોવાનું સાંભળ્યું છે. હાફિઝજીનો કંઠ એટલો મધુર કે, એમણે પઢેલી નાત, મન્કબત પણ ઘરેઘરે દુકાનેદુકાને સબીલેસબીલે સંભળાતી. એ સમયની સૌથી મોટી નિરાંત એ હતી કે સ્પીકરમાં બાસ નહોતા. વોલ્યૂમ માપમાં રહેતું. હવે જુદા-જુદા ભાતભાતના અવાજો કાને પડે છે, પડ્યા ભેગા જ ખરી પડે છે.

આજ બસ ઇતના હી.  

લખ્યા તારીખ: કતલની રાત

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...