Monday 5 September 2022

પગ મને ધોવા દ્યો રઘુરાય!

હું જ્યારે પણ ધ્રોલમાં જાઉં છું અને પડધરીના નાકા પાસે તૂટેલી દીવાલો, બાવળની ઝાડીઓ વચ્ચે એક ખંડિયેર જોઉં છું ત્યારે મન ખિન્ન થઈ જાય છે. એ ખંડિયેરમાં મારી નિશાળ ચાલતી હતી. તાલુકા શાળા નંબર ૨. બાજુમાં ત્રણેક ફૂટ નીચું નાનકડું મેદાન. શાળાના ચોગાનમાં ડાબી બાજુ, એક નાનો લીમડો, જે ક્યારેય ઘેઘૂર થયો જ નહિ, હા એના થડમાંથી ગૂંદર નીકળતું. એની નજીક એક ઊંચું ઝાડ હતું. એની માથે કાગડા માળા બનાવતા, લાંબી જાડી સાંઠીકડીઓ, ચવાયેલા દાતણો વડે. જોકે એ ઝાડનું નામ મને યાદ નથી. હા એટલું યાદ છે કે એનું થડ લીમડાના થડ કરતાં રૂપાળું હતું. એને સફેદ ફૂલ થતાં, એ ફૂલની અમે સીટી બનાવીને સિસોટી વગાડતા. છેક ડાબી બાજુ વડનું ઝાડ હતું. એ પણ શાળા પૂરી કરી ત્યાં સુધી બટકું જ રહ્યું. એ બાજું ઉઘાડા પગે જતા વિદ્યાર્થીઓને પગમાં કાંટાદાર ગોખરું ખૂંચી જતા. આ ગોખરું ક્યાંથી આવતા હતા, શેમાંથી ઉત્પન્ન થતાં એ મારા માટે આજેય કોયડો છે. 

મેદાનમાં મોટા ભાગે બેટદડેથી રમવાનું બનતું અથવા તો છૂટ્ટી દડી. અમારા એક શિક્ષક હતા ચંદુ સાહેબ. તેમની પર્સનાલિટી ટનાટન હતી. સહેજ ફાંદ હતી પણ આમ ફિટ હતા. ઇસ્રીદાર શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરતા. ક્લીનશેવ રહેતા. તેલ નાખીને માથું ઓળતા. વાળ ટૂંકા રાખતા. શિયાળામાં અડધી બાંયનું સ્વેટર પહેરતા. એમના શરીરમાં ગબજ સ્ફૂર્તિ હતી. શાળાનો સમય બપોરનો હોય ત્યારે ૧૫ મિનિટની રિસેસમાં તેઓ પગપાળા ઘરે જતા અને ઘરે પાંચ મિનિટની વામકુક્ષી કરીને પાંચ મિનિટમાં નિશાળે પહોંચી જતા.

છોકરાઓમાં ચંદુ સાહેબની રાડ પણ બહુ બોલતી. ખાસ કરીને એમના ચીંટિયાની. અમારી સ્કૂલ ખાલી છોકરાઓની જ હતી. તોફાની છોકરાઓને સાથળ અને બગલમાં ચંદુ સાહેબ એવા ચીંટિયા લેતા કે છઠ્ઠીના ધાવણ યાદ આવી જતા. વાને ગોરા હોય એવા છોકરાંઉને તો લીલા ચાંભા પડી જતા.

મને યાદ છે ત્યાં સુધી એક દિવસ હું અને મારો નામેરી દોસ્ત અમે બન્ને વ્હોરા છોકરાઓ સાથે બથોબથીએ આવી ગયા હતા. એ વાતની જાણ ચંદુ સાહેબને થઈ અને તેમણે અમારો વારો કાઢ્યો. અમે કહ્યું, ‘સાહેબ અમે તો મસ્તી કરતા હતા.’ સાહેબ બોલ્યા, ‘મસ્તીની માનો ક્યાં ટાંગો મારો છો!’ અલબત્ત ચંદુ સાહેબ ક્યારેય બિભત્સ ગાળ બોલ્યાનું સ્મરણ નથી. અમે તેમને તમાકુ ચોળતા, પાન-માવો ખાતા, બીડી સિગારેટ ફૂંકતા પણ જોયા નથી. 

તેમને સમાચાર વાંચવાની ઇચ્છા થતી ત્યારે કોઈ છોકરાને મોકલીને નજીકના વાણિયા ચોકમાં આવેલી કરિયાણાની દુકાનેથી છાપું મંગાવી લેતા. હા, એ છાપું દુકાન પાસે રહેતા કોઈ મહિલા વાંચવા લઈ ગયા હોય તો સાહેબ છોકરાને રસથી પૂછતાં કે એ કોણ?

ચંદુ સાહેબ એક અનોખા મિજાજના માણસ હતા. ચિત્રકામ પર એમને હથોટી હતી. શાળામાં ભગતસિંહ, મહારાણા પ્રતાપના ચિત્રો તેમણે બનાવ્યાનું ધૂંધણું સ્મરણ છે. શિયાળામાં ટાઢ ઉડાડવા તેઓ અમારી સાથે ક્રિકેટ રમતા. પણ એમનો શિરસ્તો એ રહેતો કે તેઓ બેટ હાથમાં લે એટલે બસ પોતે જ રમ્યા કરે અને બોલ ઉપાડે એટલે બધા છોકરાંઓએ જ રમવાનું, તેઓ બોલ નાખતા રહે. 

ક્યારેક એમને તાન ચડી જાય તો સવારની પ્રાર્થના વખતે ભજન પણ ગાઈ નાખતા. ‘પગ મને ધોવા દ્યો રઘુરાય’ એમના મોઢેથી સાંભળ્યાનું ભુલાયું નથી. તેઓ મોટા ભાગે નાકથી ગાતા. નાકથી યાદ આવ્યું, એમની છીંક પણ ભયંકર હતી. હા-ક-છીં કરે એટલે એની તીણી ચીસથી આખી નિશાળ ગાજી ઊઠતી. ક્યારેક છીંક આવતા આવતા અટકી ગઈ હોય તો સાહેબ રૂમની બહાર જઈને તડકા તરફ જોતા અને તરત જ હાકછી થઈ જતું. 

સ્કૂલમાં બે સહપાઠી મિત્રો હતા સમીર અને પ્રિયંક. બન્નેના પિતા સરકારી અધિકારી. સમીર અને પ્રિયંક બન્ને અભ્યાસમાં હોશિયાર. ચંદુ સાહેબ તેમને લગભગ અઠવાડિયે (કદાચ દર શનિવારે) રમાતી ક્રિકેટ મેચમાં કેપ્ટન બનાવતા. સમીર અને પ્રિયંક ચંદુ સાહેબને ત્યાં ટ્યુશને પણ જતા. એક વખત મને પણ થયું કે હું પણ સાહેબના ટ્યુશને જાઉં. સ્ટવ, ટોર્ચ, પેટ્રોમેક્સ, ફાનસ, વગેરેનું રિપેરિંગ કરીને અમારું પેટ ભરતા મારા પિતાએ હા તો પાડી પણ પછી ૫૦ રૂપિયાની ફી મોંઘી લાગી એટલે ટ્યુશન બંધ કરવું પડ્યું. એક મહિનો હું ટ્યુશને ગયો. મહિનાના અંતે ચંદુ સાહેબે નિશાળમાં જાહેર કર્યું, ‘આજે ઇમરાન કેપ્ટન બનશે.’ મેચ શરૂ થાય એ પહેલાં મેં એમને કહ્યું, ‘સાહેબ, હવેથી હું ટ્યુશને નહિ આવી શકું.’ પછી તેમણે મને કેપ્ટન બનાવવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો. 

ચંદુ સાહેબ એક-બે ધોરણ સુધી નહિ પણ લગભગ ધો.૪થી છેક ૭મા ધોરણ સુધી અમારા સાહેબ રહ્યા હતા. 

(લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી, ૨૦૨૧)

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...