Tuesday 29 November 2022

દૃશ્યમ્-૨: દૃશ્યોની જમાવટ વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ


આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અજય દેવગન, તબ્બુ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ 'દ્રશ્યમ-૨' ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મ ગત વર્ષે આ જ નામે રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે. વર્ષ ૨૦૧૫માં આવેલી ‘દૃશ્યમ’નો આ બીજો ભાગ હોવાથી સ્વાભાવિક છે કે એમાં ફિલ્મની અંદર ભેદી છે એવી હત્યાની એની એ જ કથા છે, મુખ્ય કલાકારો પણ એ જ છે. તપાસ જ્યાં અટકી હતી, એ નવા પોલીસ અધિકારી આવતાં ફરીથી શરૂ કરે છે. એક પછી એક કડીઓ ખૂલતી જાય છે, એમાં સરેરાશ દર્શકોને મનોરંજન મળે છે.  

ફિલ્મની શરૂઆતમાં કોઈ સનસનીખેજ દૃશ્ય આવે, જેનો ફિલ્મ સાથે કોઈ દેખીતો સંબંધ હોવાનું ન લાગે પણ જ્યારે ફિલ્મ ચરમસીમાએ પહોંચવામાં હોય એ પહેલાં જ પ્રારંભના એ સીનનો તંતુ જોડાઈ જાય. આ ઘસાયેલી ટ્રિકનો દૃશ્યમ-૨માં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે શરૂઆતનો ખાસ્સો એવો સમય કંટાળાજનક લાગે છે. ત્યાં સુધીમાં હત્યાનો ભેદ ઉકેલવામાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે અક્ષય ખન્નાની એન્ટ્રી થતાં ફિલ્મ ગતિ પકડે છે. સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ગાયતોન્ડે (કમલેશ સાવંત) અને ઇન્સ્પેક્ટર જનરલ વચ્ચેના સંવાદમાં હાસ્ય જન્માવવાનો પ્રયાસ કૃતક જણાય છે. વિષય ભારેખમ હોવાથી ફિલ્મને થોડી હળવી રાખવા કદાચ વચ્ચે હાસ્યનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એ જૂની ફોર્મ્યુલા પણ અહીં અપેક્ષા પ્રમાણે કારગત નીવડી નથી. 

પોલીસ, કોર્ટ જેવા તંત્રને ફિલ્મની પટકથામાં આવરી લેવામાં આવ્યા હોવાથી એને સંગત કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. આઇપીએસ કક્ષાનો કોઈ અધિકારી હત્યાકેસના શકમંદના ઘરે અચાનક જઈ પહોંચે એ વાત ગળે ઊતરતી નથી. ચર્ચાસ્પદ અને અણઉકેલ હત્યાના બનાવમાં મૃતકનું મનાતું હાડપિંજર ફોરેન્સિક સાયન્સની લેબમાં રાખવામાં આવે પણ ત્યાં માત્ર એક જ ચોકીદાર હોય, સીસીટીવી કેમેરા જ ન હોય, ક્યા યહ મુમકિન હૈ? ખેર, આ તો કાલ્પનિક સ્ટોરી પરથી મનોરંજનાર્થે સર્જાયેલું ચિત્રપટ છે, એમાં તર્ક થોડા લડાવવાના હોય! પરંપરા મુજબ દર્શકો મગજ બહાર મૂકીને ફિલ્મ જોવા જાય છે, બે કલાક રોમાંચ મેળવવા જાય છે, એ રીતે જોઈએ તો કોઈ વાંધો નથી. પણ હવે ભારતીય દર્શક પરિપક્વ બન્યો છે. એટલે સવાલ તો બનતા હી હૈ!   

ફિલ્મમાં એક રસપ્રદ વાત એ જોવા મળી કે એમાં કથાની અંદર ઉપકથા આવે છે, જોકે એ પાસાને વધારે અવકાશ આપવામાં આવ્યો નથી. વાત એમ છે કે અપરાધી વિજય(અજય દેવગન)ને એવી ગળા સુધીની ખાતરી છે કે એક દિવસ તે પકડાશે. એટલે તે આખા બનાવને મળતી આવે એવી નવલકથા લખે છે. પટકથા લેખક મુરાદ અલી(સૌરભ શુક્લા) સાથે એ કથા ઉપરથી ફિલ્મ બનાવવાના બહાને મિત્રતા કેળવી, એના નામે વિજયે એ પુસ્તકની થોડી નકલો પ્રસિદ્ધ કરાવી લીધી હોય છે. પછી જ્યારે વિજયને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે એ વખતે હાડપિંજર અન્ય મૃતકનું હોવાનું સામે આવતાં જ વિજયની વકીલ ન્યાયધીશને કહે છે કે પોલીસે આ કેસની સ્ટોરી નવલકથા ઉપરથી ઉપજાવી કાઢી છે! અને જજ સાહેબ પણ એ દલીલ સ્વીકારી લે છે! 

આવી કેટલીક મર્યાદાઓ હોવા છતાં ફિલ્મને સારો આવકાર મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હોવાના સમાચારો પણ આવી રહ્યા છે. અલબત્ત દર્શકોના માથાં પણ ફિલ્મ જોયા બાદ દુખવા લાગ્યા. પૂછો ક્યૂં? અરે, ભાઈ સસ્પેન્સ અને થ્રિલર મૂવી હોય એટલે દિલધડક દૃશ્યો વખતે હૃદયના ધબકારા વધારી મૂકે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાછૂટકે સાંભળવું પડે ને! એ સંગીતરૂપી ઘોંઘાટ પણ ફિલ્મ માણવામાં બાધારૂપ બને છે.

(‘અભિયાન’ મેગેઝિન ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨માં પ્રકાશિત)


No comments:

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...