Friday 6 April 2018

ટૂંકી વાર્તા: ગુલાબજાંબુ, લેખક: વરુણ ગ્રોવર



ગુલાબજાંબુ 


લેખક: વરુણ ગ્રોવર, અનુવાદ: ઇમરાન દલ


દુનિયા ખતમ થઈ જવાને માત્ર અડધા કલાકની વાર છે. પિન્ટુને પણ એની ખબર છે, પણ એને સમજાતું નથી કે, તે જાતે બજારે જઈને જિંદગીનું છેલ્લું ગુલાબજાંબુ ખાઈ લે કે મમ્મી-પપ્પાના પરત આવવાની રાહ જુએ? મમ્મી-પપ્પાએ હવે તો આવી જવુ જોઈતું હતું. તેઓએ કહેલું કે, તેઓ સો ટકા જલદી આવી જશે. ગંગાદર્શન માટે દાદીમાએ પણ બપોરથી આખું ઘર માથે લીધું છે. રસ્તા પરની ચિક્કાર ગિરદી જોતાં મમ્મી-પપ્પા પરત આવે એવું લાગતું તો નથી.

સવારથી ટીવી પર દેખાડવામાં આવી રહ્યું છે કે, સાંજે છ વાગીને બાર મિનિટે એક વિશાળ તારો પૃથ્વીની પડખેથી નીકળશે. આ તારાનું નામ છેઃ આઇટીઆર-૬૮૮. સમાચારવાળા એને છેલ્લા છ મહિનાથી ડેથ-સ્ટાર કે મૃત્યુ-તારા તરીકે ઓળખાવી રહ્યા છે. આ તારો આપણી બાજુમાંથી નીકળશે ત્યારે ધરતીની દરેક વસ્તુને સાંકળી રાખનાર આણ્વિક બળ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ નાશ પામશે. ત્રણ સેકંડમાં વાર્તા પૂરી. ખાલી ત્રણ સેકંડ લાગશે આઇટીઆર-૬૮૮ને પૃથ્વી કનેથી નીકળવામાં અને એ ત્રણ સેકંડમાં આપણે સૌ વેરવિખેર. પહેલી સેકંડમાં જ આપણે સૌ એવા વેરાઈ જઈશું જાણે ઠાંસીને ભરેલી લખોટીની થેલીને કોઈ ઊંધી વાળી દે. માણસ, જનાવર, વનસ્પતિ, ધાતુ, પ્લાસ્ટિક –બધું જ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ફેરવાઈ જશે. બીજી સેકંડે આ પ્રક્રિયાથી એટલી ઊર્જા પેદા થશે કે, આજુબાજુના નિર્દોષ ગ્રહ શુક્ર અને મંગળ પણ દાઝી ઊઠશે. મંગળનું તાપમાન ૧૮૬ ડિગ્રી સેલ્સિયશ વધશે. એના મૂળ તાપમાન(દિવસમાં) ૨૦ ડિગ્રી સુધી આવવામાં સાત વર્ષ વીતી જશે.
પપ્પા શરૂઆતમાં આ સમાચાર સાંભળીને ખૂબ હસતા હતા, પિન્ટુ અને પિન્ટુના શિક્ષક પણ હસતા હતા. નંદલાલ સાહેબ તો કહેતા કે, ટીવી જ બંધ કરી દો. આજે નંદલાલ સાહેબને સમજાઈ ગયું હશે. બારી બહાર મોઢું કાઢવાથી એ તારો જોવા મળે છે. જાણે ચાંદાને કોઈએ હવા ભરીને પચાસ ગણો મોટો કરી નાખ્યો હોય. બે દિવસ પહેલાં પણ કોઈ માનવા તૈયાર નહોતું, જ્યારે ડિસેમ્બરમાં પણ જૂન જેવી ગરમી પડતી હતી. કાલ બપોરથી તારો સ્પષ્ઠ દેખાવો શરૂ થઈ ગયો, ત્યારથી ખૂબ ઝડપે મોટો થતો જાય છે. એટલે આજ સવારે પપ્પાએ કહ્યું: બધાંય પોતપોતાની છેલ્લી ઇચ્છા જણાવી દ્યો, એને પૂરી કરવાનો પ્રયાસ કરીશું. મમ્મી તો ઠૂઠવો મૂકીને બોલીઃ મારે બાળપણની નિશાળ જોવી છે. સવારે બધાંય વસંત સ્કૂલે ગયાં. મમ્મી પોતાના જૂના ક્લાસમાં ગઈ, જૂની બેન્ચ પર બેઠી. તેના પર ખોતરેલાં અનેક નામોમાંથી પોતાનું નામ શોધી કાઢ્યું. મમ્મીએ બધાંને જણાવ્યું કે, આ નામ તેણે એક છોકરા માટે ખોતર્યું હતું, પરંતુ હવે તો તેને એ છોકરાનું નામ પણ યાદ નથી. પપ્પાની છેલ્લી ઇચ્છા હતી કે, તેઓ ઘરે આવીને સૌને ખીચડી રાંધીને ખવડાવશે. દાદીને પહેલાં કોઈ ઇચ્છા નહોતી, પણ બપોરે ખીચડી ખાધા બાદ તેઓ બોલ્યા કે, ગંગાસ્નાન કરવું છે અને પિન્ટુએ કહ્યું: મારે ગુલાબજાંબુ ખાવા છે. પપ્પાએ કહ્યું હતું, ‘‘હા, ચોક્કસ તને ખવડાવીશ. કરેજવા ખવડાવીશ, પાંડેપુર ચૌમાનીવાળા.’’ કરેજવા એટલે કાળજા જેવા નરમ અને રસીલાં ગુલાબજાંબુ. કંદોઈ ગ્રાહક પાસે શરત લગાવે કે, પ્લેટમાંથી ઉપાડીને તૂટે નહીં એ રીતે મોંમા મૂકી આપે એને આ ગુલાબજાંબુ મફત! પિન્ટુને આજે વિદાય પહેલાં એકાદું કરેજવા ખાઈ લેવાની તીવ્ર ઇચ્છા હતી. પણ પપ્પા-મમ્મી હજી આવ્યા નહિ, અને આવી જાય તોયે અહીંથી પાંડેપુર પહોંચવામાં દુનિયાનું પૂરું થઈ જશે.
પરંતુ આટલાં લોકો રસ્તા પર શા માટે? સૌએ ઘરમાં બેસી રહેવું જોઈએ. હવે તો ટીવીવાળા પણ ઘરે ચાલ્યા ગયા. સૌએ પોતાના છેલ્લા છેલ્લા સમાચાર વાંચી લીધા. કોઈ રડતા રડતા ગયાં અને કોઈ ગાંડાની જેમ હસતા હસતા. જો કે, પિન્ટુને ખૂબ આનંદ થયો, જ્યારે તેના પ્રિય ક્રિકેટર સંજુ રસ્તોગીએ કહ્યું: મજા કરો. પોતાની મનપસંદ કોઈ વાનગી ખાઈ લો.

પહેલીવાર મીઠાઈ ખાધી ત્યારે પિન્ટુ લગભગ ત્રણ વર્ષનો હતો. બનારસમાં આમ તો મીઠાઈની હજારો દુકાનો છે અને કહેવાય છે કે, અહીં વીસ હજાર જાતની મીઠાઈઓ બને છે. કેટકેટલાં મિષ્ટાન્ન! જેમ કે,   ફણસના લાડવા કે વાંસ (હા, એ ડંડાવાળો વાંસ)નો મુરબ્બો અહીંની શોધ છે, જે અહીંની શેરીઓમાં જ મળે. એક પાઠકભાઈ તો માટીની પણ બરફી બનાવી જાણે. ગંગા કિનારાની ચીકણી માટી છેક ગામડેથી લાવે, જ્યાં પાણી ચોખ્ખું રહે છે. દિવસો સુધી આ માટીને ધોઈ, સાફ કરીને એમાં ચંદન તથા કેવડો ઘસીને ખસખસ-ગુલાબજળ ભેળવીને ગોળની સાથે પકાવે એટલે ભૂરા રંગની બરફી બની જાય, જે ઉનાળામાં હૈયાને ટાઢક આપે છે. આવું અજબ-ગજબનું આ શહેર છે! દંતકથા પ્રમાણે બનારસ વિશ્વનું પહેલું શહેર અને આજે પિન્ટુ વિશ્વની અંતિમ સાંજ પણ અહીં જોવાનો છે.

કાગળની એક ચબરખી પર પિન્ટુએ લખી નાખ્યું:
મમ્મી-પપ્પા!
હું કરેજવા ખાવા જાઉં છું. દુઃખી ન થતાં.
લાડકો પિન્ટુ.
   
    રસ્તા પર આવતા સુધીમાં પોણા છ વાગી ગયા હતા. પિન્ટુએ નક્કી કર્યું કે, પાંડેપુર જવાને બદલે તે અહીં નજીકમાં ચર્ચ ચોક પર કાશી મિષ્ટાન્નવાળાને ત્યાં જ ખાઈને કામ ચલાવી લેશે. પરંતુ એ બાજુયે ભયંકર ગિરદી છે. કેટલાંક લોકો હજી પણ તોડફોડ કે લૂંટફાટ કરવામાં પડ્યાં છે. શું કામે? ખબર નહીં. કાં તો કુદરત પર રોષ ઠાલવી રહ્યાં છે, અથવા તો પિન્ટુની જેમ પોતાની છેલ્લી ઇચ્છા પૂરી કરી રહ્યાં છે. આ દુનિયાનો નાશ થવાનો નથી, મોકાનો લાભ લઈ લ્યો, એવું પણ એ લોકો માનતાં હોય એમ બની શકે.    

પિન્ટુ હવે ઝડપથી ચાલી રહ્યો છે, ક્યાંક કચડાઈ ન જાય એટલે ગિરદી અને ધક્કાધક્કીથી બચવા નાલીની ઉપર વચ્ચેના માર્ગથી હટીને તે જતો હતો. ગુલાબજાંબુ એના માટે શું છે, એ પિન્ટુ કહી શકે એમ નથી. બહારથી ગાઢ ભૂરું કે કાળું અને અંદરથી આછું ભૂરું અથવા લાલ. દૂધ, માવો, સોજી અને ચાસણીનું સુગમ-સંગીત. મોખરે માવાનો સ્વાદ, જેને સંગત આપે છે દૂધ અને ચાસણી. પછવાડે ક્યાંક ધીમેકથી વાંસળીની માફક વાગી રહી છે ઘીમાં સાંતળેલી સોજીની સોડમ. પિન્ટુએ ક્યાંક વાંચ્યુ હતું કે, ગુલાબજાંબુ અનોખી મીઠાઈ હોવાનું એક કારણ એ પણ છે કે, તે પૂર્વ અને પશ્ચિમના મિલનથી બની છે. મોંગોલ અને મુગલોના આગમન પહેલાં આપણે ત્યાં મુખ્યત્વે દૂધની મીઠાઈઓ જ બનતી હતી. ખીર, રસગુલ્લા, દૂધની બરફી વગેરે. મુગલો આવ્યા અને સાથે લોટની મીઠાઈઓ અને હલવાના નુસ્ખા પણ લાવ્યા. એટલે કે, સોજીનો હલવો, ચણાના લોટ કે બૂંદીના લાડુ અને જલેબી, બધી મીઠાઈ મધ્ય એશિયાથી અહીં આવી છે. ઇરાન અને ઇઝરાયેલમાં હાલમાં પણ આ બધી મીઠાઈઓ બને છે. બન્ને પરંપરાઓ મોગલાઈ અને આર્ય, સોજી અને દૂધનું સુંદર મિશ્રણ છેઃ ગુલાબજાંબુ. ગંગા-જમની સંસ્કૃતિનું મહાન સંતાન એટલે પિન્ટુનું કરેજવા તરીકે ઓળખાતું ગુલાબજાંબુ!
એમ તો આ ત્રણ સેકંડમાં સૌથી રસપ્રદ હિસ્સો ત્રીજી સેકંડનો છે. પહેલી સેકંડમાં બધુ છિન્નભિન્ન, બીજી પળે પુષ્કળ ઊર્જા અને ત્રીજીએ –જો બધાં પાસાં સવળાં પડ્યાં તો- આપણા વિખેરાયલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન જોડાઈને એક અલાયદી ધાતુ બની જશે. એક ખરબચડો પથ્થરનો ટુકડો, જેનું વજન પાંચ લાખ મેગા ટન અને સપાટીનો વ્યાપ ઉત્તરપ્રદેશ જેવડો હશે. વિજ્ઞાનીઓએ એને એક મજાનું નામ આપ્યુ છેઃ એટર્નિટી શિપ એટલે કે, શાશ્વત જહાજ. આપણા અવશેષોમાંથી બનેલો એ નિર્જીવ દૈત્ય જે અંતરિક્ષમાં હંમેશા તરતો રહેશે.  
દેવળની સામે આવતાં જ પિન્ટુનું મન ભારે થઈ ગયું. દેવળમાં એટલી ભીડ હતી કે, એને વટાવીને આગળ જવાનું શક્ય નહોતું. આગળના વળાંકથી જ વિશ્વનાથ શેરી શરૂ થાય છે, ત્યાં પણ  હજારો દર્શનાર્થી હોય એવું લાગે છે.  
ઘડિયાળના હિસાબે માત્ર પાંચ મિનિટ બાકી. પિન્ટુને લાકડાના ચમચાથી કપાતાં જાંબુ યાદ આવે છે, અંદર પૂરાયેલી વરાળનું જાદુઈ રીતે પ્રગટ થવું અને મોંમાં મૂકતાં જ જાંબુનું આપમેળે પીગળી જવું, જાણે કહી રહ્યું હોય: કાહે મેહનત કરોગે જી મહારાજ? હમ ઘુલ રહે હૈ ના ખુદ્દે સે!
અચાનક ધક્કો આવ્યો અને પિન્ટુ નસીબ જોગે જાંબુની દિશા તરફ આગળ વધ્યો. એક-દોઢ મિનિટ વધી હશે હવે. પિન્ટુ દુકાનની સામે છે. ચારે બાજુથી ટોળાએ હર હર મહાદેવના નારા લગાવવા શરૂ કરી દીધા છે. લૂંટફાટ રોકાઈ ગઈ, ધક્કામુક્કી બંધ. બસ ચોતરફ એ જ નાદ ગૂંજી રહ્યો છે. જાણે આખું શહેર એકી સાથે શિવજીને યાદ કરશે તો પ્રલય ટળી જશે! ભૂલી ગયાં શું બધાંય કે, પ્રલય તો શિવજીનો મુખ્ય પોર્ટફોલિયો છે?

પિન્ટુને સૂત્રોચ્ચારથી કોઈ લેવાદેવા નથી. એ તો હડી કાઢતો કાશી મિષ્ટાન્નની અંદર ઘૂસીને ગુલાબજાંબુ શોધવા મંડી પડે છે. કાઉન્ટર પર તો નથી. અહીં નીચે ડોલમાં પણ નથી! અંદર રસોડામાં? સમય પૂરો થવાનું ભૂંગળું વાગ્યું નથી એટલી વાર છે. રસોડામાં પણ દેખાતાં નથી. ૨૦-૧૯-૧૮-૧૭-૧૬... હર હર મહાદેવ, દેવળનો ઘંટારવ, ટોળું હવે કદાચ એકી સ્વરે આક્રંદ કરી રહ્યું છે. –પણ ગુલાબજાંબુ ક્યાં છે, ભાઈ?

નિરાશ ચહેરે પિન્ટુ બહારની દિશા તરફ વળ્યો અને ત્યાં એના મગજમાં લાઇટની જેમ એક હાંડી ઝબૂકી, જે પાણીપૂરીના ખોખા નીચે પડી છે. રાતે ડોલમાંથી ગુલાબજાંબુ પૂરાં થઈ જતાં ત્યારે હાંડીમાંથી જ તો મળતાં હતાં. પિન્ટુએ છીબું હટાવ્યું. નહીં નહીં તોય ૩૦-૪૦ તો છે જ. જાંબુ હાથમાં છે. આઇટીઆર-૬૮૮ હવે એવડો મોટો થઈ ગયો છે કે, આંખને એ ગુલાબજાંબુથી પણ વધુ નજીક દેખાય છે. હવે કદાચ છેલ્લી સેકંડ છે. ગુલાબજાંબુ મોં તરફ આગળ વધે છે. પિન્ટુની આંખો એક ઉમેદ સાથે બંધ થઈ રહી છે, શરીરમાં એક જાતની બઘડાટી બોલી રહી છે, બધુ ડૂબી રહ્યું છે. પિન્ટુ સમજી ગયો કે, તે ગુલાબજાંબુ નહીં ખાઈ શકે, પરંતુ એને ખુશી એ વાતની છે કે, હવે પછીની સેકંડમાં તેના અને ગુલાબજાંબુ વચ્ચે કોઈ અંતર રહેવાનું નથી. બન્ને માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન હશે. હવામાં તરતા, ત્રીજી જ સેકંડમાં તેઓ એકમેક સાથે જોડાઈને શાશ્વત જહાજની ઇંટ બની જશે. પિન્ટુના મુખ પર એક હાશકારો છે, જાણે તેણે હમણા જ પાંડેપુરનું કરેજવા ખાધું હોય.
(સમાપ્ત)

પરિચય: હિમાચાલ પ્રદેશના સુંદરનગરમાં ૧૯૮૦ની ૨૬ જાન્યુઆરીએ જન્મેલા વરુણ ગ્રોવર એક વ્યંગકાર, કોમેડિયન, સ્ક્રીનરાઇટર અને ગીતકાર તરીકે મશહૂર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(બીએચયુ)માં સિવિલ એન્જિનિયરિંગ વિષય સાથે ૨૦૦૩માં સ્નાતક થયા. ટેલિવિઝન તથા સિનેમા ક્ષેત્રે તેઓ વર્ષ ૨૦૦૪થી સક્રિય છે. વર્ષ ૨૦૧૫-૧૬ માટે ૬૩મા નેશનલ ફિલ્મ એવોર્ડઝમાં શ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર મેળવી ચૂક્યા છે. હિન્દી સિનેજગતના યુવાલેખક, કવિઓમાં વરુણ મોખરાનું સ્થાન ધરાવે છે. શબ્દ અને સાહિત્ય પ્રત્યેનો  લગાવ તેમની વાણી અને લેખનમાં દેખાઈ આવે છે.

No comments:

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...