Wednesday, 15 July 2020

જૂની પેઢીના છેલ્લા સક્રિય કાર્ટૂનિસ્ટ જામી (૨ ડિસેમ્બર,૧૯૪૨-૧૧ જુલાઇ, ૨૦૨૦)

ઇમરાન દલ  dalimran@gmail.com 
કાર્ટૂનિસ્ટોની ખોટ ધરાવતા ગુજરાતમાં વર્ષોથી એકધારી ગુણવત્તા સાથે સામાજિક-રાજકીય કટાક્ષયુક્ત કાર્ટૂન આપતા રહેલા જામીનું ૭૭ વર્ષની વયે અવસાન થયું. તેમની કાર્ટૂન કારકિર્દી ૧૯ વર્ષની કાચી વયે શરૂ થઈ હતી. ‘રંગતરંગ’, ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોમાં તેમનાં વ્યંગચિત્રો પ્રગટ થવાં લાગ્યાં. પછી ગુજરાતનાં મુખ્ય ધારાનાં પ્રકાશનોની તેમની પર નજર પડી. 
રાજકોટના ‘જય હિન્દ’ અખબારની સાપ્તાહિક પૂર્તિમાં ‘કાર્ટૂન કોર્નર’ નામની તેમની કોલમ વર્ષો સુધી ચાલી. વર્ષ ૧૯૮૭થી ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરૂઆતના પાને ‘તિકડમ્’ શીર્ષક હેઠળ તેમનાં કાર્ટૂન શરૂ થયાં, જે તેમના જીવનપર્યંત સતત ચાલુ રહ્યાં. ઉપરાંત ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’, ‘દિવ્ય ભાસ્કર’માં તેમનાં પોકેટ કાર્ટૂન પ્રકાશિત થયાં. એ સિવાય તે અમુક સામાજિક મુખપત્રો, સંસ્થાની વાર્ષિક ડાયરીઓ માટે પણ કાર્ટૂન પૂરાં પાડતા. એક ડાયરી માટે તો એમનાં કાર્ટૂનનો અંગ્રેજી ‘અનુવાદ’ પણ કરવામાં આવ્યો હતો. તે કહેતા કે ‘સારા કાર્ટૂનિસ્ટ માટે ત્રણ ગુણનો સમન્વય જરૂર છે: ચિત્રકાર, પત્રકાર અને વ્યંગકાર.’ 
કટોકટી પછીના મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ સરકારે ૧૦ મહિનાના લાંબા સમયગાળા પછીય કોઈ નોંધપાત્ર કામગીરી ન કરી ત્યારે તેમણે એક કાર્ટૂન બનાવેલું, જેમાં મોરારજી દેસાઈનું પેટ ફુલેલું જોઈને સામાન્ય નાગરિક પૂછે છે, ‘‘હવે કોઈ સારા ડૉક્ટરને બતાવો તો કાંઈક પરિણામ આવે.’’ આ કાર્ટૂને ખાસ્સી ચર્ચા જગાવી હતી. જામી કહેતા, ‘‘જેનામાં પત્રકારત્વની દૃષ્ટિ હોય એ જ કાર્ટૂનિસ્ટ બની શકે. પરંતુ કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતા નથી. કહો કે ગણવા માગતા નથી. મને પણ એવોર્ડ હાસ્યલેખકોની શ્રેણીમાં અપાયો. હકીકતે કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય છે.’’ જામીનાં થોકબંધ કાર્ટૂન તેમની આ વાતની સાક્ષી પૂરે છે.
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આરબ પરિવારમાં જન્મેલા આવદ હસન જામી ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. જૂની મેટ્રિક સુધી ભણ્યા બાદ ડ્રોઇંગ ટીચરનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૬૨થી ધ્રોલના અધ્યાપન મંદિરમાં ચિત્રશિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વર્ષ ૧૯૬૮થી ૨૦૦૧ સુધી જામનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં અને વર્ષ. ૨૦૦૧થી ૨૦૦૩ સુધી રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે રહ્યા.
ધ્રોલમાં અમારા ઘર નજીકની શેરીમાં જ જામી કુટુંબનું ઘર. કાર્ટૂનિસ્ટ જામીના લઘુબંધુ જેમને અમે મેસનકાકા કહીએ છીએ, તે વનવિભાગમાં નોકરી કરતા. મેસનકાકા પણ ચિત્રકાર. ખાસ કરીને તૈલચિત્રો બનાવે. એમનાં ચિત્રોને અમે વખાણતાં, ત્યારે ઘરમાં વડીલો કહેતા, ‘‘એના મોટા ભાઈ તો એથીય મોટા કલાકાર છે.’’ એવું પણ સાંભળવા મળતું કે જામીસાહેબનોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે ઇન્ટરવ્યૂ લેનારનું ચિત્ર બનાવી, એને પ્રભાવિત કરી દીધા હતા. અમારા આડોશપાડોશમાં કાર્ટૂનિસ્ટ જામી ‘મોટા જામીસાહેબ’ તરીકે ઓળખાતા. 
હું હજી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વાર કોઈ પ્રસંગે તેઓ ધ્રોલ આવ્યા હતા. પહેલી વાર વાતચીત કરી ત્યારે સંકોચ સાથે મેં એમને કહ્યું, ‘મને ચિત્રકલામાં રસ છે.’ તે ભારે અવાજમાં આસ્તેથી બોલ્યા, ‘કાર્ટૂન બનાવને, કોઈ બનાવતું નથી.’ વતનમાં જ પછીની મુલાકાત વખતે એમના ઘરની શેરીમાં પ્રવેશતી વખતે ‘આવ’ કહીને તેમણે પીઠ પર હાથ મૂક્યો અને અંદર લઈ ગયા. તેમનો પોશાક સામાન્ય હતો. પેન્ટ અને શર્ટ. સ્મોકિંગ કરતા. ઊંચાં કદકાઠીના હતા, અવાજ વજનદાર. સ્વભાવે એકદમ સરળ અને હસમુખા. ગુજરાતમાં વિદ્યમાન કાર્ટૂનિસ્ટમાં તેમને દેવ ગઢવી ગમતા. એમને યાદ કરીને કહેતા, ‘તેઓ તો સંગીત તરફ વળી ગયા. હવે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં તેમણે પ્રિય કાર્ટૂનિસ્ટ તરીકે સુધીર દરને ગણાવ્યા હતા જામી પોતાની આગવી શૈલીના કુશળ કાર્ટૂનિસ્ટ હોવા છતાં તેમની વાતોમાં હુંપદ બિલકુલ ન સંભળાતું. 
વર્ષ ૨૦૦૮માં હું ભુજમાં ‘આજકાલ’ દૈનિકમાં નોકરી કરતો ત્યારે એક કાર્યક્રમ માટે તે કચ્છ આવ્યા હતા. કાર્યક્રમ બાદ મેં તેમનો ઇન્ટરવ્યૂ કરેલો. આજે ખરા સમયે જ તેનું કટિંગ ઘરમાં શોધખોળ કર્યા છતાં હાથ ન લાગ્યું. અલબત્ત, મારી ડાયરીમાં એનું શીર્ષક નોંધેલું વંચાય છે: ‘ગુજરાતી પત્રકારત્વમાં કાર્ટૂનકલાનું ભાવિ ધૂંધળું લાગે છે: કાર્ટૂનિસ્ટ જામી’.

(આ લેખ વિચારપત્ર ‘નિરીક્ષક’ સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિના તા.૧૩ જુલાઈ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત થયો હતો.)

Thursday, 10 October 2019

અકબર પદમસી : એકલતાના ઓછાયાનો ચિત્રકાર


અકબરનું પ્રોફેટ નામનું તૈલચિત્ર 
    અકબર પદમસી મુંબઈ ખાતે એપ્રિલ ૧૯૨૮માં જન્‍મ્‍યા હતા. પદમસી મૂળ સૌરાષ્‍ટ્રના મૌવા ગામના વતની, તેઓ ચારણિયા જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે. તેમના પૂર્વજો ધર્માંતર કરીને આગા ખાનના અનુયાયી તરીકે ખોજા સંપ્રદાયમાં દાખલ થયેલા. અકબરના દાદા જાગીરદાર અને ગામના મુખિયા હતા. એ જમાનામાં તેઓ તત્‍કાલીન આગા ખાનને ગામડાની મુલાકાતે લાવ્યા હતા, એ વાતનું તેઓ ગર્વ લેતા. તેમના દાવા મુજબ આ મુલાકાતે ગામડાની કાયપલટ કરી નાખી. ભૂખમરો દૂર થયો. ગામડું અને તેમનું કુટુંબ સમૃદ્ધ બન્‍યાં.
    
    
અકબર પદમસી
પ્રથમ વિશ્વયુદ્ધથી થોડા સમય પહેલાં મુંબઈના એક વેપારી મૌવા ગામે આવ્‍યા. તેમણે અકબરના પિતા હસન અલીને ફાનસના ફોટા તથા કાચના વાસણના ધંધામાં જોડાવવા માટે મનાવી લીધા. નાના પાયે ધંધો શરૂ કર્યો અને કામ કામને શીખવે એ ઉક્તિ મુજબ તેઓ વધુ ને વધુ ચતુર બનતા ગયા અને સમય જતાં એક કુશળ વેપારી તરીકે કાઠું કાઢ્યું. શરૂઆતના વર્ષો દારુણ ગરીબીમાં પસાર કર્યા બાદ તેમણે મહાનગરમાં પગ જમાવ્‍યા દીધા. જાતે શિક્ષણ મેળવ્‍યું, અંગ્રેજી શીખ્યા અને જર્મનીનો પ્રવાસ કર્યો. મહત્ત્વકાંક્ષી હોવાની સાથે તેઓ બુદ્ધિશાળી પણ હતા, તેમણે નફાનો સોદો કર્યો. જમીન-મકાનમાં રોકાણ કર્યું. પછીના વર્ષોમાં મુંબઈભરમાં તેમની મિલકતમાંથી આવતાં ભાડાં જ તેમની આવકનું સાધન બનવાનાં હતાં. તેમના સંતાનો પણ વારસામાં મળેલી આ આવક પર નભવાનાં હતાં.
    અકબરનો જન્‍મ થયો એ અરસામાં તુરંત તેનું કુટુંબ વિશાળ સંયુક્ત કબીલા અને મુંબઈના પરાં વિસ્‍તારમાં મઝગાંવમાં આવેલા એ ખોજા પરિવેશમાંથી છૂટું પડ્યું. અકબરના માતા-પિતા અને તેના છ મોટા ભાઈઓ તથા બહેનો હવે મલબાર હિલના ઉચ્‍ચ–વર્ગના વિસ્‍તારમાં રહેવા લાગ્‍યા. તેમનું ઘર પૂરતું સુખ-સગવડભર્યું હોવા છતાં સંપૂર્ણ સાદગી ધરાવતું હતું. કરકસરની આદતો કોઇને હાનિ ન પહોંચાડે એ વાતનો પિતા આગ્રહ રાખતા. મોજમજા માટે કોઈ અવકાશ નહોતો, અલબત્ત પ્રસંગોપાત લોનાવાલામાં આવેલા તેમના સમર હાઉસે જવાના બહાને શહેરમાં ફરવા માટે માતા અને બાળકોને છૂટ મળતી. ટ્રેનના થર્ડ ક્લાસમાં તેઓ મુસાફરી કરતા, જ્યારે કુટુંબમાં કમાનારા પોતે એકલા હોવાના નાતે પિતાજી ફર્સ્‍ટ ક્લાસને સ્‍વયંનો અધિકાર સમજતા ! આ સિવાય તેઓ પોતાને માટે કોઈ એવા વિકલ્‍પ રાખતા નહીં, વળી તેમનું એવું કોઇ સામાજિક જીવન પણ નહોતું કે ભપકો પાડાવાની કોઇ સ્‍ટાઇલ પણ નહોતી.
    
    તેઓ થોડે અંશે માણસજાતિ પ્રત્‍યે નફરત ધરાવતા હતા એટલે પરિવારે કોઇ જાતના સંપર્કો ન રાખવા એવો તેમનો હઠાગ્રહ હતો. નિશાળેથી આવ્‍યા બાદ બાળકોને ક્યાંય જવાની મનાઈ હતી, કોઈને મળવાનું પણ નહીં, કઝીનોને પણ નહીં મળવાનું, રખે ને તેઓ કોઇ કુટેવના રવાડે ચડે કે મગજમાં કોઈ ખોટા વિચારો ઠસાઈ જાય. જોકે, પુત્રોને બહાર જવાની છૂટ મળતી, એ પણ કેવળ પિતાની ઓફિસે માત્ર અઠવાડિયામાં એકવાર, જ્યાં તેમને રમત-ગમતની પરવાનગી મળતી. એની પાછળ પિતાનો હેતુ એ રહેતો કે, સંતાનો વ્‍યાપારને આત્‍મસાત કરી લે. મોટા ભાગે તેઓ ખોટા ન ઠર્યા. અકબર સહિત એના તમામ ભાઈઓએ વેપારી કુનેહ હસ્‍તગત કરી. પિતાએ પણ તેમને એ સમયની પ્રતિષ્‍ઠિત સેન્‍ટ ઝેવિયર્સ હાઈસ્‍કૂલમાં ઉત્તમ શિક્ષણ અપાવ્‍યું અને બોમ્‍બે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સુધી અભ્‍યાસ પણ કરાવ્‍યો.

(સંદર્ભ ‘કન્‍ટેમ્‍પરરી ઇન્‍ડિયન આર્ટિસ્‍ટ’, લેખકઃ ગીતા કપૂર)


Friday, 16 August 2019

Thursday, 8 August 2019

પ્યાઝ કી રોટી બનાવવાનો પ્રયોગ

   મતી પ્રવૃત્તિ કરવામાં જે આનંદ મળે એવી જ મજા એ કામ વિશે વાત કરવામાં પણ મળે. એક જમાનો હતો જ્યારે વાંચન-લેખનની સાથે મેં નવી હોબી તરીકે પાકકલાને વિકસાવી હતી. સમીરા રસોઈમાં માસ્ટર એટલે એનું માર્ગદર્શન હું સતત મેળવતો રહેતો. એ પણ મને શીખવાડવામાં ઉત્સાહ બતાવતી. જોકે કૂકિંગ વિશેના મારા નવા નવા પ્રયોગોથી એ સતત ચોંકી જતી. રસોઈકળામાં હું કોઈ અખતરો ન કરી બેસું એની એને કાયમ ચિંતા રહેતી. પરંતુ એને ચિંતામુક્ત રાખવા હું હંમેશાં કાળજી રાખતો. એટલે મારે કોઈ રેસિપી ટ્રાય કરવી હોય તો એને આગોતરી જાણ કરી દેતો. 

    ‘મારે આજે પ્યાઝ કી રોટી બનાવવી છે.’ એક દિવસ મેં એને વાત કરી. અમારી પાસે હિન્દીમાં એક બુક છે: ‘आमंत्रण’ -परम्परागत एवं मनपसंद रोटियां, शाकाहारी एवं मांसाहारी व्यंजन. ઇન્દોરના પુરોબી બબ્બર નામના લેખિકાએ આ પુસ્તકમાં ૯૫ પ્રકારની રોટીઓ બનાવતા શીખવ્યું છે. ચપાતી, સાદા પરાઠા, તન્દૂરી રોટી, અમૃતસર કા પરાઠા, શાહી રોટી, મુગલાઈ રોટી, બિરહી રોટી, શ્રીલંકા કી રોટી, ગોભી કા પરાઠા, ઢાકાઈ પરાઠા, શાહજહાની નાન, પુદીને કી રોટી, પંજાબી લચ્છા પરાઠા એમ વિવિધ પ્રાંતોમાં બનતી વિશિષ્ટ પ્રકારની રોટીઓના આ રસપ્રદ પ્રકરણથી કોઈ પણ પાકપ્રેમી અભિભૂત થયા વિના ન રહી શકે. ‘લહસૂન કી રોટી’ અને ‘કાશ્મીરી રોટી’ના એક્સપેરિમેન્ટ હું કરી ચૂક્યો છું.

    હવે વારો હતો પ્યાઝ કી રોટીનો. ઘઉંનો લોટ, લીલાં મરચાં, સોડા પાઉડર, તેલ, ફુદીનો, મીઠું અને ડુંગળી. આટલી વસ્તુની જરૂર હતી. આમાંથી ફુદીનો અને લીલાં મરચાં ઘરમાં નથી એમ માનીને સવારે ઊઠીને ખરીદવા જવાની મનમાં ગાંઠ વાળી. એ દિવસે દીવાળી હતી. માથે જતા રવિવાર. હું સાડા આઠ વાગ્યે ઊઠી ગયો. છાપું વાંચ્યું. કલાક પછી હું ફરી ઊંઘી ગયો. આંખ ઊઘડી ત્યારે ૧૧ થવા આવ્યા હતા. રાબેતા મુજબ ખભે થેલી લટકાવીને નાશ્તો લેવા ગયો. વળતા શાકભાજીની રેંકડી પર ગયો. ફુદીનો અને લીલાં મરચાં માગ્યાં. 

    ‘પાંચનો ફુદીનો અને પાંચનાં મરચાં કરી દ્યો!’ મેં બકાલીને કહ્યું.
    ‘ફુદીનો દસથી ઓછાનો નહિ આવે!’ તે બોલ્યો. 
    મેં કોઈ દલીલ કર્યા વિના એની વાત માની લીધી. બેય વસ્તુ ખરીદીને હું ઘરે ગયો. 
    ‘ફુદીનો અને લીલાં મરચાં નોતા ને?’ ઘરે પહોંચીને હરખાતાં હરખાતાં મેં સમીરાને કહ્યું.  
    ‘છે ને, કાં?’ સમીરાએ સામો સવાલ કર્યો.  
    ‘લે, હું તો લઈ આઈવો!’ દાંત કાઢતાં કાઢતાં હું બોલ્યો. તેણે દાંત કચકચાવ્યા. પછી તો મારે પ્યાઝ કી રોટી બનાવ્યા વિના છૂટકો જ નહોતો. 

    એમ તો હું સુરતી ઘારીનો પ્રયોગ પણ કરી ચૂક્યો છું. જોકે એમાં આંશિક સફળતા જ સાંપડી હતી. કારણ કે, ઘારીને તળવા માટે તાવડામાં નાંખી એ સાથે જ એમાંથી ઓગળીને માવો બહાર નીકળી આવ્યો હતો. ત્યાર પછી હું ઘારી બનાવવાની કલ્પના કરી શક્યો નથી. બલકે ઘારીની અર્ધ સફળતા પછી મેં રાંધણકળામાં કોઈ પ્રયોગ કર્યો હોય એવું મને યાદ નથી. જોકે એક વાર સોન પાપડી બનાવવા મેં ભારે ઉપાડો લીધો હતો. એમાં જરૂરી એવું ૧૦૦ ગ્રામ લિક્ટવિડ ગ્લૂકોઝ લેવા માટે બજારમાં આંટા માર્યા. ક્યાં મળે જ નહીં. છેલ્લે એક દુકાન મળી. હાશ. મેં પૂછ્યું, લિક્વિડ ગ્લૂકોઝ છે? વેપારીએ કહ્યું, હા છેને. ક્યાં છે? મેં પૂછ્યું. તે બોલ્યો, આ રહ્યું. જોયું તો પાંચ લિટરનું ડબલું હતું. એ ડબલું જોતાવેંત મેં ત્યાંથી ચાલતી પકડી.

    મને વાંચવાનો શોખ હોવાથી હું અવાર-નવાર પુસ્તક મેળામાં કે બુકશોપમાં જતો. ‘કૂકિંગની કોઈ સારી ચોપડી હોય તો લેતો આવજે’ એકવાર સમીરાએ મને કહ્યું હતું. હું ‘રેતીની રોટલી’ લઈને ઘરે ગયો હતો.  

(‘રેતીની રોટલી’ એ ગુજરાતી ભાષાના હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનું પુસ્તક છે.)

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...