મન્ટો વિશે તમે ઘણું વાંચ્યું હશે. અહીં તો હું એની એક વાર્તા લઈને આવ્યો છું, ‘કાલી શલવાર’ (એ પણ કદાચ તમે વાંચી લીધી હોય!). આમ તો એનું સાહિત્ય મૂળ ઉચ્ચારો સાથે વાંચવાની મજા છે. પણ રાતઉજાગરા કરીને અનુવાદ કર્યો હતો એટલે થયું કે, લાવો મિત્રો સાથે શેર કરીએ. ઇ.સ. 1941/42માં પ્રકાશિત મન્ટોના વાર્તાસંગ્રહ 'ધુવાં'માં સમાવાયેલી 'કાલી શલવાર' અેક રૂપજીવિનીના જીવન પર આધારિત કહાની છે. તેની સામે તત્કાલીન પંજાબ અદાલતમાં અશ્લીલતાનો કેસ દાખલ થયો હતો. અત્યારે સામાન્ય લાગે એવી આ વાર્તામાં મુખ્ય પાત્ર સુલતાના. એનો પુરુષમિત્ર ખુદાબખ્શ અને ઉત્તરાર્ધમાં આવતો શંકર. આઝાદી પહેલાંનું વાતાવરણ. સુલતાના ખુદાબખ્શ સાથે અંબાલા-છાવણીનું આનંદમય જીવન છોડીને દિલ્હી આવે છે, ત્યાં એની જિંદગીના કપરા દિવસો શરૂ થાય છે. મન્ટોની વાર્તા સમય કરતાં આગળ રહી છે, એના પુરાવારૂપ આ વાર્તામાં પુરુષ વેશ્યાનું પાત્ર જોવા મળે છે. મન્ટો એક જ વાત કરવા માગે છે કે, સમાજમાં જેને ધિક્કારની નજરે જોવામાં આવે છે એવા લોકો પાસે પણ હૃદય હોય છે અને તેમને પણ લાગણી, વ્યથા, વેદના હોય છે.
આ બ્લોગ ઉપર પત્રકાર અને કાર્ટૂૂનિસ્ટ ઇમરાન દલ દ્વારા લેખો અને કાર્ટૂન મૂકવામાં આવે છે. એ વિશે આપના અભિપ્રાયો આવકાર્ય છે.
Showing posts with label ટૂંકી વાર્તા અનુવાદ. Show all posts
Showing posts with label ટૂંકી વાર્તા અનુવાદ. Show all posts
Tuesday, 11 December 2018
કાળી શલવાર
Friday, 21 September 2018
ટૂૂંકી વાર્તા: ઘોડેસવાર
છોકરી
ભારે રૂપાળી છે, પણ કેમ કરીને એના લગ્ન થતા નથી.
એનો
બાપ અઠવાડિયે પંદર દિવસે એકાદ મૂરતિયાને પકડીને લાવે છે અને દીવાનખંડમાં બેસાડીને
છોકરીને તૈયાર થવાનું કહે છે. એ તૈયાર થાય છે. ચા-પાણી અને નાશ્તો પીરસે છે.
ત્યારે એનું નાક ફૂટપટ્ટીથી માપવામાં આવે છે અને તેનું શરીર ત્રાજવે જોખવામાં આવે
છે. તેના સ્વરની મીઠાશ ચાખવામાં આવે. ક્યારેક એને પસંદ કરવામાં નથી આવતી તો
ક્યારેક બાપની તિજોરી ટૂંકી પડે છે. માતા-પિતા ખિન્ન થઈ નિસાસા નાખે છે, ભગવાન કરે
દેશપાંડેની દીકરી કમલાની જેમ આપણી દીકરી પણ રોજ સોનાનાં બે ઈંડાં મૂકે, એકના બદલે
બે, તો કેવું સારું થાય!
તે
મંદિરમાં ભગવાનની સામે ઊભી છે. મંદિરમાં ભગવાને પોતાનો હમશકલ મૂકેલો છે, અને પોતે
ક્યાંનો ક્યાં આંટાફેરા કરે છે. ક્યાં છે એ છોકરો જે રેવાલ ચાલે ઘોડો દોડાવતો આવે
છે, અને સેંથો સિતારાથી ભરી દે છે, બધુ ધૂંધળું ધૂંધળું દેખાય છે અને ધૂળ ધૂળ!
કોઈ
દરવાજો ખખડાવે છે. જાણે કોઈ હૃદયના દ્વારે ધબ્બા મારી રહ્યું છે. છોકરી કંઈ સમજી
નથી શકતી, કારણ કે કંઈ પણ સ્પષ્ટ નથી. તે સાપોથી ભરેલી પથારી પર બેઠી થઈ. ફરી
બારણું ખખડવાનો અવાજ! માતા-પિતા ધીમા અવાજે કંઈક વાતે વળગ્યા છે.
‘કોઈ
વરુ દરવાજો ખખડાવે છે, જો એની પૂંછડી પણ ચોખ્ખી દેખાય છે.’
‘ના,
વરુ નથી. પૂંછડી ક્યાં છે?’
‘પૂંછડી
બહાર દેખાય એ જરૂરી નથી.’
‘અને
બહારથી દેખાય તો એ અંદર પણ હોય એ ય જરૂરી નથી.’
‘અને
એ ય ક્યાં જરૂરી છે કે, પૂંછડી જેવું દેખાય એ પૂંછડી જ હોય!’
‘જે
હોય ઈ, મારે મારી દીકરી વરુને નથી સોંપવી, તું મા છે કે ડાકણ? મારી ફૂલ જેવી એકની
એક દીકરી!’
‘ઈ
વરુને હું કોઈ દી જમાઈ ન બનાવું.’
‘પે’લા
ઈ પાકું કરી લઈએ કે, ઈવડુ ઈ વરુ છે કે નહિ.’
‘ઊભા
ર્યો, બાયણું તો ખોલવા દ્યો. બાયણું ઉઘાડ્યા વગર કેમ ખબર પડે?’
‘ના,
બાયણું ભલે બંધ ‘ર્યું. નકર વરુ માલીકોર આવી જાશે.’
‘ક્યાં
લગી આપણે આ છોડીને ઘરે બેહાડી રાખશું?’
‘જ્યાં
લગી ઈ ઘોડેસવાર ન આવી જાય.’
‘ઘોડેસવાર
ક્યારે આવશે?’
‘જ્યારે
ઈ ઈંડા મૂકવાનું બંધ કરશે.’
‘કેવા
બાપ છો તમે? એક નંબરના સ્વાર્થી. ઈ તમારું લોહી છે.’
‘તારું
ય છે હો!’
‘જુઓ,
ઈ ઈંડા મૂકવાનું બંધ કરે કે ન કરે ઈ એની ઇચ્છા, પણ અસવાર આવશે તો એને આપણે ખાલી
હાથે પાછો જવા નઈ દઈએ. અગાઉ જવા દીધો હતો, હવે એવી ભૂલ નઈ કરીએ. આખરે ક્યાં લગી
છોડીને ઘરે બેહાડી રાખવી છે.’
‘પણ
દરવાજો ખખડ્યો ઈ પહેલાં લાગ્યુંતું કે, ઈ આવી પહોંચ્યો, મેં ઘોડાના ડાબલાનો અવાજ
પણ હાંભળ્યોતો.’
‘શું
વાત કરો છો? તો હણહણાટી તો એકાદવાર હંભળાય કે નહિ? ઈ આવે તો ઘોડો સો ટકા હણહણે.’
છોકરી
સતત હણહણાટી સાંભળતી હતી. પણ નક્કી કરી શકતી નહોતી કે ઘોડો દરવાજાની બહાર હણહણે છે
કે, એની છાતીમાં?
તે
મંદિરમાં ભગવાનની સામે ઊભી છે. ભગવાનને જગાડવા તે જોશભેર ઘંટ વગાડી રહી છે. ભગવાન
માત્ર જાગીને જુએ જ નહીં પણ કંઈક કરી પણ દેખાડે અથવા ચોખ્ખેચોખ્ખું કહી દે કે,
એમનાથી કાચો પાપડ પણ ભાંગે એમ નથી. તે જોર જોરથી ઘંટ વગાડી રહી છે. તેના હાથ લાલચોળ
થઈ જાય છે અને ઘંટારવથી આખો લત્તો એકઠો થાય છે.
ભગવાને
આંખ આડા કાન કરી લીધા છે, છતાં છોકરી હજી ય શનિવારનું વ્રત પાળે છે. શ્રાવણના સાત
સોમવાર તો તેણે રાખ્યા જ હતા. જ્યોતિષીએ કહ્યું છે કે, સપ્ટેમ્બરમાં દશા બદલાશેે અને દૂર અંદર ક્યાંક ઊંડા
કૂવામાં નાના નાના હાથ ધીમેથી સળવળી રહ્યા છે. તંગ થતું જતું શરીર વસ્ત્રોની
સિલાઈને ઉતેડી રહ્યું છે. અને સપ્ટેમ્બરમાં દશા બદલાશે. સપ્ટેમ્બર ક્યારે આવશે? છેલ્લાં કેટલાંય વર્ષોથી સપ્ટેમ્બર આવતો જ નથી. ઓગસ્ટ
પછી સીધો ઓક્ટોબર આવી જાય છે. સપ્ટેમ્બર છે ક્યાં?
‘સપ્ટેમ્બર
અહીં છે! અહીં મારી પાસે.’ ઘોડેસવાર જાણે કાનમાં કહી રહ્યો છે, ‘હું આવી રહ્યો
છું, હું રવાના થઈ ગયો છું. આવી જ રહ્યો છું બસ.’
...
‘કંઈ
પણ થાય પણ મારી દીકરીને એની હારે નઈ પયણાવું. ક્યે છે કે, એના ઘરે રસોડાથી ય મોટો
સ્ટવ છે.’ માતા-પિતાની ગુપચુપ વાતો ચાલી રહી છે.
‘રસોડાથી
ય મોટો સ્ટવ!’
‘હા,
કાયમ ભડભડતો રહે છે. કોને ખબર ક્યારે ફાટી પડે અને આપણી ફૂલ જેવી એકની એક દીકરી-’ લગ્ન
માટે રાહ જોતી છોકરી ઊભી થઈ જાય છે. તે છાયા ગીત બંધ કરીને ઊનનો દડો બારીમાંથી
બહાર ફેંકી દે છે. બારીની બહાર માત્ર ઘોર અંધકાર દેખાય છે.
‘અજવાળું આવવા દો, હવા આવવા દો. દરવાજો ખુલ્લો
રાખો ને બાપુજી!’
પિતા:
વરુ આવી ચઢશે દીકરી!
માતા:
અને વાઘદીપડો ય આવી શકે.
પિતા:
રીંછ અને જરખ!
દીકરી:
ઘોડેસવાર પણ આવી તો શકે છે
માતા-પિતા:
પણ વાઘ-દીપડો, રીંછ, વરુ, જરખ
દીકરી:
તમારી પાસે બંદૂક છે ને!
પિતા:
હા છે, પણ જરૂર પડ્યે ફૂટશે કે નહિ એનો ભરોસો નથી. અને હવે તો કારતૂસ પણ પૂરી થઈ
ગઈ છે.
દીકરી:
અરે, તો એમ કરો, જૂના પટારામાં ફંફોસો ક્યાંક એકાદી કારતૂસ મળી જ આવશે. બંદૂક
પહેલાં મારા પર અજમાવજો, ચાલે છે કે નહિ ખબર પડી જશે.
પિતા
માથું નમાવે છે અને દીકરી સૂચન કરી રહી છે.
‘તું
મરી જઈશ તો મારી લાડકી!’
‘અટાણે
ય વળી ક્યાં જીવી રહી છું?’
‘વાટ
જો ને, ઘોડેસવાર આવશે દીકરી!’
છોકરી
ફફડી ઊઠે છે.
માર્ગ
પર પૂરપાટ ભાગી રહેલો ઘોડેસવાર, ચોગરદમ ધૂળની ડમરીઓ ઉડાવતો!
‘ઊભો
રહે ઘોડેસવાર! ઘો-ડે-સ-વા-ર-’ છોકરીએ ચીસ પાડી.
‘શું
થયું?’ શિરાણે ઊભેલા માતા-પિતા પૂછે છે.
શું
કોઈ દરવાજો ખખડાવે છે? કોણ છે? કોણ હોઈ શકે? પિતા દરવાજો ખોલવા આગળ વધે છે. માતા
એની પાછળ ઊભી છે. છોકરીએ ઓઢણી ઓઢી લીધી છે. પિતા બળપૂર્વક કટાયેલી સાંકળ ખોલે છે.
કિચૂડાટ કરતો દરવાજો આખેઆખો ઊઘડે છે. ગાઢ ધુમ્મસ અને રજકણો જ રજકણો જોવા મળે છે.
કંઈ સ્પષ્ટ દેખાતું નથી. બરાબર એ જ ટાણે સમયની ધૂળ ઓરડામાં પ્રસરી જાય છે અને
એકાએકા વાળને ધોળા કરી નાંખે છે.
‘શું
હવા મશ્કરી કરી રહી છે?’
‘આપણે
દરવાજો ખોલવામાં મોડું તો નથી કર્યું ને? ડાબલા તો મેં સાંભળ્યા હતા.’
‘તો
ક્યાં છે ઘોડો કે ઘોડેસવાર? તને ભણકારા વાગતા લાગે છે!’
‘ના
ના. ખરેખર ઘોડો ય હણહણતો હતો. તેનું મોં માણસ જેવું હતું અને તે હણહણાટી મારતો
હતો.’
‘ઘોડો?
એ ય માણસ જેવો? શું લવારો કરવા માંડી છો?’
‘મેં
જોયો ને, દરવાજાની આરપાર જોયો!’
‘તો
શું આપણે આપણી દીકરીને ઘોડા હારે પયણાવી દેશું?’
‘ગાંડા
ન ગદોડો, ઘોડા હારે કંઈ પયણાવાય?’
‘તો
પછી ઈ કોણ હતો? તેં સપનું તો નથી જોયું?’
‘હાય
હાય, તમારા વાળ તો જોવો, કેવા સફેદ થઈ ગયા!’
‘અને
તારા ય!’
‘હે
પ્રભુ! કેટલો ટાઇમ થઈ ગયો? ઘડિયાળ ક્યાં? કેલેન્ડર ક્યાં ગયું? સૂરજ ક્યાં છે?
‘અરેરે,
તમે તો સલાહ-સૂચન કરવામાં રહી ગયા.’
છોકરીની
આંખો દેવતાની જેમ ધગધગી રહી હતી.
આ
ઘડિયાળ ચાલતા ચાલતા અટકી ગઈ છે. એ તારીખિયાએ દગો દીધો છે. સૂર્યોદય થાય છે પણ
અંધકાર દૂર થતો નથી. અને આ બારણાં ભારે મસ્તીખોર છે, કારણ વિના ખખડ્યાં કરે છે.
તમને ભણકારા નથી વાગતા, એ બારણાં સાચુકલાં ભટકાયા કરે છે. ફેંકી દો ઘડિયાળ, ફાડી
નાંખો આ તારીખિયું. ખોલી નાખો બારણાં. પવન આવવા દો અને ક્યાંય અજવાસ હોય તો એ ય
ભલે આવતો. વર્ષો જૂનો આ અંધકાર રોશનીનો ભૂખ્યો છે.
છોકરી
ભીંતેથી ઉતારીને ઘડિયાળ ફેંકી દે છે. કેલેન્ડરના ટુકડે ટુકડા કરી નાખે છે, તારીખો
હવામાં ઊડવા લો છે.
‘દરવાજો
ઉઘાડી મેલો!’ છોકરી કહે છે.
માતા-પિતા
સ્તબ્ધ બની જાય છે.
‘કેમ
મને જીવતી રાખી છે? કાપી નાખો એકી ઝાટકે અને કાઢી લો બધાંય ઈંડાં!’
છોકરી
હીબકાં ભરે છે. પહેરણનો એક બખિયો તૂટતાં એટલો તીવ્ર અવાજ પેદા થાય છે જાણે સુરંગ
વડે કોઈ મિનારો ધ્વંસ કરવામાં આવ્યો હોય!
માતા-પિતા
સ્તબ્ધ બની જોયા કરે છે.
‘બારણાં
ખોલી નાંખો!’ છોકરી કહે છે.
‘ક્યાંક
વરુ આવી જશે તો?’ પિતા શંકા દર્શાવે છે.
‘આવવા
દો.’ છોકરી બિન્ધાસ્ત જવાબ આપે છે.
(સમાપ્ત)
લેખક: મીમ નાગ
નેવુંના દાયકામાં પ્રતિષ્ઠિત થયેલા આ વાર્તાકારનું મૂળ નામ મુખ્તાર નાગપુરી. વાર્તામાં બોલીનો ઉપયોગ એ તેમની ખૂબી છે. મંટો, કૃષ્ણચંદ્ર અને બેદી પછી ઉર્દૂ વાર્તામાંથી કટાક્ષ ગાયબ થઈ ગયો હતો, એ મીમ નાગની વાર્તાઓમાં ફરી જોવા મળ્યો. પ્રસ્તુત વાર્તાનું મૂળ નામ ‘ઘોળસવાર’ છે.
અનુવાદ: ઇમરાન દલ
(નોંધ: આ અનુવાદ ‘મમતા’ વાર્તા સામયિકના સપ્ટેમ્બર ૨૦૧૮ના ઉર્દૂ વિશેષાંકમાં પ્રકાશિત થયો હતો.)
(નોંધ: આ અનુવાદ ‘મમતા’ વાર્તા સામયિકના સપ્ટેમ્બર ૨૦૧૮ના ઉર્દૂ વિશેષાંકમાં પ્રકાશિત થયો હતો.)
Friday, 6 April 2018
ટૂંકી વાર્તા: ગુલાબજાંબુ, લેખક: વરુણ ગ્રોવર
ગુલાબજાંબુ
લેખક: વરુણ ગ્રોવર, અનુવાદ: ઇમરાન દલ
દુનિયા ખતમ થઈ જવાને
માત્ર અડધા કલાકની વાર છે. પિન્ટુને પણ એની ખબર છે, પણ એને સમજાતું નથી કે, તે
જાતે બજારે જઈને જિંદગીનું છેલ્લું ગુલાબજાંબુ ખાઈ લે કે મમ્મી-પપ્પાના પરત આવવાની
રાહ જુએ? મમ્મી-પપ્પાએ હવે તો આવી જવુ જોઈતું હતું. તેઓએ કહેલું કે, તેઓ સો ટકા
જલદી આવી જશે. ગંગાદર્શન માટે દાદીમાએ પણ બપોરથી આખું ઘર માથે લીધું છે. રસ્તા
પરની ચિક્કાર ગિરદી જોતાં મમ્મી-પપ્પા પરત આવે એવું લાગતું તો નથી.
સવારથી ટીવી પર
દેખાડવામાં આવી રહ્યું છે કે, સાંજે છ વાગીને બાર મિનિટે એક વિશાળ તારો પૃથ્વીની
પડખેથી નીકળશે. આ તારાનું નામ છેઃ આઇટીઆર-૬૮૮. સમાચારવાળા એને છેલ્લા છ મહિનાથી
ડેથ-સ્ટાર કે મૃત્યુ-તારા તરીકે ઓળખાવી રહ્યા છે. આ તારો આપણી બાજુમાંથી નીકળશે ત્યારે
ધરતીની દરેક વસ્તુને સાંકળી રાખનાર આણ્વિક બળ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું
આકર્ષણ નાશ પામશે. ત્રણ સેકંડમાં વાર્તા પૂરી. ખાલી ત્રણ સેકંડ લાગશે આઇટીઆર-૬૮૮ને
પૃથ્વી કનેથી નીકળવામાં અને એ ત્રણ સેકંડમાં આપણે સૌ વેરવિખેર. પહેલી સેકંડમાં જ
આપણે સૌ એવા વેરાઈ જઈશું જાણે ઠાંસીને ભરેલી લખોટીની થેલીને કોઈ ઊંધી વાળી દે. માણસ,
જનાવર, વનસ્પતિ, ધાતુ, પ્લાસ્ટિક –બધું જ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ફેરવાઈ જશે.
બીજી સેકંડે આ પ્રક્રિયાથી એટલી ઊર્જા પેદા થશે કે, આજુબાજુના નિર્દોષ ગ્રહ શુક્ર
અને મંગળ પણ દાઝી ઊઠશે. મંગળનું તાપમાન ૧૮૬ ડિગ્રી સેલ્સિયશ વધશે. એના મૂળ તાપમાન(દિવસમાં)
૨૦ ડિગ્રી સુધી આવવામાં સાત વર્ષ વીતી જશે.
પપ્પા શરૂઆતમાં આ
સમાચાર સાંભળીને ખૂબ હસતા હતા, પિન્ટુ અને પિન્ટુના શિક્ષક પણ હસતા હતા. નંદલાલ
સાહેબ તો કહેતા કે, ટીવી જ બંધ કરી દો. આજે નંદલાલ સાહેબને સમજાઈ ગયું હશે. બારી બહાર મોઢું કાઢવાથી એ તારો જોવા મળે છે.
જાણે ચાંદાને કોઈએ હવા ભરીને પચાસ ગણો મોટો કરી નાખ્યો હોય. બે દિવસ પહેલાં પણ કોઈ
માનવા તૈયાર નહોતું, જ્યારે ડિસેમ્બરમાં પણ જૂન જેવી ગરમી પડતી હતી. કાલ બપોરથી
તારો સ્પષ્ઠ દેખાવો શરૂ થઈ ગયો,
ત્યારથી ખૂબ ઝડપે મોટો થતો જાય છે. એટલે આજ સવારે પપ્પાએ કહ્યું: બધાંય પોતપોતાની છેલ્લી
ઇચ્છા જણાવી દ્યો, એને પૂરી કરવાનો પ્રયાસ કરીશું. મમ્મી તો ઠૂઠવો મૂકીને બોલીઃ
મારે બાળપણની નિશાળ જોવી છે. સવારે બધાંય વસંત સ્કૂલે ગયાં. મમ્મી પોતાના જૂના
ક્લાસમાં ગઈ, જૂની બેન્ચ પર બેઠી. તેના પર ખોતરેલાં અનેક નામોમાંથી પોતાનું નામ
શોધી કાઢ્યું. મમ્મીએ બધાંને જણાવ્યું કે, આ નામ તેણે એક છોકરા માટે ખોતર્યું
હતું, પરંતુ હવે તો તેને એ છોકરાનું નામ પણ યાદ નથી. પપ્પાની છેલ્લી ઇચ્છા હતી કે,
તેઓ ઘરે આવીને સૌને ખીચડી રાંધીને ખવડાવશે. દાદીને પહેલાં કોઈ ઇચ્છા નહોતી, પણ
બપોરે ખીચડી ખાધા બાદ તેઓ બોલ્યા કે, ગંગાસ્નાન કરવું છે અને પિન્ટુએ કહ્યું: મારે
ગુલાબજાંબુ ખાવા છે. પપ્પાએ કહ્યું હતું, ‘‘હા, ચોક્કસ તને ખવડાવીશ. કરેજવા
ખવડાવીશ, પાંડેપુર ચૌમાનીવાળા.’’ કરેજવા એટલે કાળજા જેવા નરમ અને રસીલાં ગુલાબજાંબુ.
કંદોઈ ગ્રાહક પાસે શરત લગાવે કે, પ્લેટમાંથી ઉપાડીને તૂટે નહીં એ રીતે મોંમા મૂકી
આપે એને આ ગુલાબજાંબુ મફત! પિન્ટુને આજે વિદાય પહેલાં એકાદું કરેજવા ખાઈ લેવાની
તીવ્ર ઇચ્છા હતી. પણ પપ્પા-મમ્મી હજી આવ્યા નહિ, અને આવી જાય તોયે અહીંથી પાંડેપુર
પહોંચવામાં દુનિયાનું પૂરું થઈ જશે.
પરંતુ આટલાં લોકો
રસ્તા પર શા માટે? સૌએ ઘરમાં બેસી રહેવું જોઈએ. હવે તો ટીવીવાળા પણ ઘરે ચાલ્યા
ગયા. સૌએ પોતાના છેલ્લા છેલ્લા સમાચાર વાંચી લીધા. કોઈ રડતા રડતા ગયાં અને કોઈ
ગાંડાની જેમ હસતા હસતા. જો કે, પિન્ટુને ખૂબ આનંદ થયો, જ્યારે તેના પ્રિય ક્રિકેટર
સંજુ રસ્તોગીએ કહ્યું: મજા કરો. પોતાની મનપસંદ કોઈ વાનગી ખાઈ લો.
પહેલીવાર મીઠાઈ ખાધી
ત્યારે પિન્ટુ લગભગ ત્રણ વર્ષનો હતો. બનારસમાં આમ તો મીઠાઈની હજારો દુકાનો છે અને
કહેવાય છે કે, અહીં વીસ હજાર જાતની મીઠાઈઓ બને છે. કેટકેટલાં મિષ્ટાન્ન! જેમ કે, ફણસના
લાડવા કે વાંસ (હા, એ ડંડાવાળો વાંસ)નો મુરબ્બો અહીંની શોધ છે, જે અહીંની શેરીઓમાં
જ મળે. એક પાઠકભાઈ તો માટીની પણ બરફી બનાવી જાણે. ગંગા કિનારાની ચીકણી માટી છેક
ગામડેથી લાવે, જ્યાં પાણી ચોખ્ખું રહે છે. દિવસો સુધી આ માટીને ધોઈ, સાફ કરીને
એમાં ચંદન તથા કેવડો ઘસીને ખસખસ-ગુલાબજળ ભેળવીને ગોળની સાથે પકાવે એટલે ભૂરા રંગની
બરફી બની જાય, જે ઉનાળામાં હૈયાને ટાઢક આપે છે. આવું અજબ-ગજબનું આ શહેર છે! દંતકથા
પ્રમાણે બનારસ વિશ્વનું પહેલું શહેર અને આજે પિન્ટુ વિશ્વની અંતિમ સાંજ પણ અહીં
જોવાનો છે.
કાગળની એક ચબરખી પર
પિન્ટુએ લખી નાખ્યું:
મમ્મી-પપ્પા!
હું કરેજવા ખાવા જાઉં છું. દુઃખી ન થતાં.
લાડકો પિન્ટુ.
રસ્તા
પર આવતા સુધીમાં પોણા છ વાગી ગયા હતા. પિન્ટુએ નક્કી કર્યું કે, પાંડેપુર જવાને
બદલે તે અહીં નજીકમાં ચર્ચ ચોક પર કાશી મિષ્ટાન્નવાળાને ત્યાં જ ખાઈને કામ ચલાવી
લેશે. પરંતુ એ બાજુયે ભયંકર ગિરદી છે. કેટલાંક લોકો હજી પણ તોડફોડ કે લૂંટફાટ
કરવામાં પડ્યાં છે. શું કામે? ખબર નહીં. કાં તો કુદરત પર રોષ ઠાલવી રહ્યાં છે,
અથવા તો પિન્ટુની જેમ પોતાની છેલ્લી ઇચ્છા પૂરી કરી રહ્યાં છે. આ દુનિયાનો નાશ
થવાનો નથી, મોકાનો લાભ લઈ લ્યો, એવું પણ એ લોકો માનતાં હોય એમ બની શકે.
પિન્ટુ હવે ઝડપથી
ચાલી રહ્યો છે, ક્યાંક કચડાઈ ન જાય એટલે ગિરદી અને ધક્કાધક્કીથી બચવા નાલીની ઉપર વચ્ચેના
માર્ગથી હટીને તે જતો હતો. ગુલાબજાંબુ એના માટે શું છે, એ પિન્ટુ કહી શકે એમ નથી.
બહારથી ગાઢ ભૂરું કે કાળું અને અંદરથી આછું ભૂરું અથવા લાલ. દૂધ, માવો, સોજી અને
ચાસણીનું સુગમ-સંગીત. મોખરે માવાનો સ્વાદ, જેને સંગત આપે છે દૂધ અને ચાસણી. પછવાડે
ક્યાંક ધીમેકથી વાંસળીની માફક વાગી રહી છે ઘીમાં સાંતળેલી સોજીની સોડમ. પિન્ટુએ
ક્યાંક વાંચ્યુ હતું કે, ગુલાબજાંબુ અનોખી મીઠાઈ હોવાનું એક કારણ એ પણ છે કે, તે
પૂર્વ અને પશ્ચિમના મિલનથી બની છે. મોંગોલ અને મુગલોના આગમન પહેલાં આપણે ત્યાં
મુખ્યત્વે દૂધની મીઠાઈઓ જ બનતી હતી. ખીર, રસગુલ્લા, દૂધની બરફી વગેરે. મુગલો આવ્યા
અને સાથે લોટની મીઠાઈઓ અને હલવાના નુસ્ખા પણ લાવ્યા. એટલે કે, સોજીનો હલવો, ચણાના
લોટ કે બૂંદીના લાડુ અને જલેબી, બધી મીઠાઈ મધ્ય એશિયાથી અહીં આવી છે. ઇરાન અને ઇઝરાયેલમાં
હાલમાં પણ આ બધી મીઠાઈઓ બને છે. બન્ને પરંપરાઓ મોગલાઈ અને
આર્ય, સોજી અને દૂધનું સુંદર મિશ્રણ છેઃ ગુલાબજાંબુ. ગંગા-જમની સંસ્કૃતિનું મહાન
સંતાન એટલે પિન્ટુનું કરેજવા તરીકે ઓળખાતું ગુલાબજાંબુ!
એમ તો આ ત્રણ
સેકંડમાં સૌથી રસપ્રદ હિસ્સો ત્રીજી સેકંડનો છે. પહેલી સેકંડમાં બધુ છિન્નભિન્ન,
બીજી પળે પુષ્કળ ઊર્જા અને ત્રીજીએ –જો બધાં પાસાં સવળાં પડ્યાં તો- આપણા વિખેરાયલા
પ્રોટોન અને ઇલેક્ટ્રોન જોડાઈને એક અલાયદી ધાતુ બની જશે. એક ખરબચડો પથ્થરનો ટુકડો,
જેનું વજન પાંચ લાખ મેગા ટન અને સપાટીનો વ્યાપ ઉત્તરપ્રદેશ જેવડો હશે. વિજ્ઞાનીઓએ
એને એક મજાનું નામ આપ્યુ છેઃ એટર્નિટી શિપ એટલે કે, શાશ્વત જહાજ. આપણા અવશેષોમાંથી
બનેલો એ નિર્જીવ દૈત્ય જે અંતરિક્ષમાં હંમેશા તરતો રહેશે.
દેવળની સામે આવતાં જ
પિન્ટુનું મન ભારે થઈ ગયું. દેવળમાં એટલી ભીડ હતી કે, એને વટાવીને આગળ જવાનું શક્ય
નહોતું. આગળના વળાંકથી જ વિશ્વનાથ શેરી શરૂ થાય છે, ત્યાં પણ હજારો
દર્શનાર્થી હોય એવું લાગે છે.
ઘડિયાળના હિસાબે
માત્ર પાંચ મિનિટ બાકી. પિન્ટુને લાકડાના ચમચાથી કપાતાં જાંબુ યાદ આવે છે, અંદર
પૂરાયેલી વરાળનું જાદુઈ રીતે પ્રગટ થવું અને મોંમાં મૂકતાં જ જાંબુનું આપમેળે
પીગળી જવું, જાણે કહી રહ્યું હોય: કાહે મેહનત કરોગે જી મહારાજ? હમ ઘુલ રહે હૈ ના
ખુદ્દે સે!
અચાનક ધક્કો આવ્યો
અને પિન્ટુ નસીબ જોગે જાંબુની દિશા તરફ આગળ વધ્યો. એક-દોઢ મિનિટ વધી હશે હવે.
પિન્ટુ દુકાનની સામે છે. ચારે બાજુથી ટોળાએ હર હર મહાદેવના નારા લગાવવા શરૂ કરી
દીધા છે. લૂંટફાટ રોકાઈ ગઈ, ધક્કામુક્કી બંધ. બસ ચોતરફ એ જ નાદ ગૂંજી રહ્યો છે.
જાણે આખું શહેર એકી સાથે શિવજીને યાદ કરશે તો પ્રલય ટળી જશે! ભૂલી ગયાં શું બધાંય
કે, પ્રલય તો શિવજીનો મુખ્ય પોર્ટફોલિયો છે?
પિન્ટુને સૂત્રોચ્ચારથી
કોઈ લેવાદેવા નથી. એ તો હડી કાઢતો કાશી મિષ્ટાન્નની અંદર ઘૂસીને ગુલાબજાંબુ શોધવા
મંડી પડે છે. કાઉન્ટર પર તો નથી. અહીં નીચે ડોલમાં પણ નથી! અંદર રસોડામાં? સમય
પૂરો થવાનું ભૂંગળું વાગ્યું નથી એટલી વાર છે. રસોડામાં પણ દેખાતાં નથી.
૨૦-૧૯-૧૮-૧૭-૧૬... હર હર મહાદેવ, દેવળનો ઘંટારવ, ટોળું હવે કદાચ એકી સ્વરે આક્રંદ
કરી રહ્યું છે. –પણ ગુલાબજાંબુ ક્યાં છે, ભાઈ?
નિરાશ ચહેરે પિન્ટુ
બહારની દિશા તરફ વળ્યો અને ત્યાં એના મગજમાં લાઇટની જેમ એક હાંડી ઝબૂકી, જે પાણીપૂરીના
ખોખા નીચે પડી છે. રાતે ડોલમાંથી ગુલાબજાંબુ પૂરાં થઈ જતાં ત્યારે હાંડીમાંથી જ તો
મળતાં હતાં. પિન્ટુએ છીબું હટાવ્યું. નહીં નહીં તોય ૩૦-૪૦ તો છે જ. જાંબુ હાથમાં
છે. આઇટીઆર-૬૮૮ હવે એવડો મોટો થઈ ગયો છે કે, આંખને એ ગુલાબજાંબુથી પણ વધુ નજીક
દેખાય છે. હવે કદાચ છેલ્લી સેકંડ છે. ગુલાબજાંબુ મોં તરફ આગળ વધે છે. પિન્ટુની
આંખો એક ઉમેદ સાથે બંધ થઈ રહી છે, શરીરમાં એક જાતની બઘડાટી બોલી રહી છે, બધુ ડૂબી
રહ્યું છે. પિન્ટુ સમજી ગયો કે, તે ગુલાબજાંબુ નહીં ખાઈ શકે, પરંતુ એને ખુશી એ
વાતની છે કે, હવે પછીની સેકંડમાં તેના અને ગુલાબજાંબુ વચ્ચે કોઈ અંતર રહેવાનું
નથી. બન્ને માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન હશે. હવામાં તરતા, ત્રીજી જ સેકંડમાં તેઓ
એકમેક સાથે જોડાઈને શાશ્વત જહાજની ઇંટ બની જશે. પિન્ટુના મુખ પર એક હાશકારો છે,
જાણે તેણે હમણા જ પાંડેપુરનું કરેજવા ખાધું હોય.
(સમાપ્ત)
પરિચય: હિમાચાલ પ્રદેશના સુંદરનગરમાં ૧૯૮૦ની ૨૬ જાન્યુઆરીએ
જન્મેલા વરુણ ગ્રોવર એક વ્યંગકાર, કોમેડિયન, સ્ક્રીનરાઇટર અને ગીતકાર તરીકે મશહૂર
છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(બીએચયુ)માં સિવિલ એન્જિનિયરિંગ વિષય સાથે
૨૦૦૩માં સ્નાતક થયા. ટેલિવિઝન તથા સિનેમા ક્ષેત્રે તેઓ વર્ષ ૨૦૦૪થી સક્રિય છે. વર્ષ
૨૦૧૫-૧૬ માટે ૬૩મા નેશનલ ફિલ્મ એવોર્ડઝમાં શ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર મેળવી ચૂક્યા
છે. હિન્દી સિનેજગતના યુવાલેખક, કવિઓમાં વરુણ મોખરાનું
સ્થાન ધરાવે છે. શબ્દ અને સાહિત્ય પ્રત્યેનો લગાવ તેમની વાણી અને લેખનમાં દેખાઈ આવે છે.
Subscribe to:
Posts (Atom)
Featured post
રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ
(રાજકોટમાં સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...
-
એક સમય એવો હતો જ્યારે દરેક સબીલ પર મૌલાના શફી ઔકાળવી અને મૌલાના અબ્દુલ વહીદ રબ્બાનીની તકરીરની કેસેટો વાગતી. (બન્ને પાકિસ્તાની) એ જમાનો ટે...
-
ઇમરાન દલ dalimran@gmail.com કાર્ટૂનિસ્ટોની ખોટ ધરાવતા ગુજરાતમાં વર્ષોથી એકધારી ગુણવત્તા સાથે સામાજિક-રાજકીય કટાક્ષયુક્ત કાર્ટૂન આપતા રહેલ...

