Showing posts with label લેખ. Show all posts
Showing posts with label લેખ. Show all posts

Thursday, 3 November 2022

અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો કોયડો

ઘરના આંગણે લગ્નની શરણાઈઓ વાગવાને માત્ર પાંચ દિવસની વાર હતી. મમ્મી-પપ્પા અને ભાઈના હૈયાં આનંદની છલોછલ હતા. દિવાળીના તહેવારો પણ હાથવેંતમાં હોવાથી ખુશીઓ પણ બમણી થવાની હતી. પણ વિધાતાને જાણે ઠક્કર પરિવારની આ ખુશી મંજૂર નહોતી. હજી જુલાઈ મહિનામાં જ તેણે થાઈલેન્ડમાં જન્મદિવસની મનભરીને ઉજવણી કરી. પણ તેના ચહેરાનું આ સ્મિત એના મિત્રોને જરા વિચિત્ર જણાતું હતું. એક વેદના હતી, જે ખુશમિજાજ મુખડા પાછળથી ડોકિયાં કરતી હતી. શી હતી એ પીડા? શાં હતાં એનાં કારણો? તેણે બધું જ જાહેર કર્યું, પણ ત્યાં સુધીમાં તો એ જતી રહી હતી હંમેશને માટે!



આ વાત છે ‘યહ રિશ્તા ક્યા કેહલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલથી દર્શકોના દિલમાં સ્થાન મેળવી ચુકેલી લોકપ્રિય અભિનેત્રી વૈશાલી ઠક્કરની. તેણે ૧૫મી ઓક્ટોબરે રાતે ઇન્દોર શહેરની સાંઈ બાગ કોલોનીમાં આવેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી. આ ઘટનાએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભારે આઘાત જન્માવ્યો. ૩૦ વર્ષની કુમળી વયે અપાર ચાહના મેળવી લેનાર વૈશાલીના જવાથી તેના ચાહકો પણ હજી સુધી શોકમાંથી બહાર આવ્યા નથી. 

વૈશાલીએ જ્યાં આત્મહત્યા કરી એ ઓરડામાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. એમાં લખ્યા મુજબ તેને તેના પાડોશમાં રહેતો પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાની છેલ્લા કેટલાક વર્ષોથી પજવતો હતો. તે શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. એમાં રાહુલની પત્ની દિશા પણ સાથ આપી રહી હતી. રાહુલને બે બાળકો પણ છે.  રાહુલ વૈશાલીને લગ્ન કરવા દેતો ન હતો. 

વૈશાલીના લગ્ન કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર મિતેશ સાથે થવાના હતા. બંનેએ લગ્ન માટે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. લગ્નની નોંધણી માટેની અરજી ઈન્દોરની જિલ્લા કલેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી. જે મુજબ મિતેશ સુરેન્દ્ર કુમાર ગોર અને વૈશાલી હરભગવાન ઠક્કરની અરજી 20 સપ્ટેમ્બરે મેરેજ એક્ટ હેઠળ મળી હતી. નોંધણી મુજબ, લગ્ન અરજીની તારીખથી લગભગ એકથી ત્રણ મહિનામાં થવાના હતા.

ઇન્દોરમાં જ મંગેતર મિતેશ ગોર સાથે વૈશાલીના લગ્ન ૨૦ ઓક્ટોબરે કરવાના નક્કી થયા હતા. એવામાં આ સગપણ તોડાવવા રાહુલે વૈશાલી સાથેની ખાનગી તસવીર મિતેશને મોકલી દીધી હતી. રાહુલની આવી હરકતોથી છેવટે વૈશાલી હારી ગઈ હતી. 

આપઘાતનો બનાવ બન્યાના ચોથા દિવસે પોલીસે ઇન્દોર પાસે જ રાહુલને પકડી લીધો. આઠ દિવસ સુધી રિમાન્ડ હેઠળ રાખ્યા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો, અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. રાહુલ વિરુદ્ધ સજ્જડ પુરાવા હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસે તેના મોબાઇલ ફોન કબજે કરી એમાંથી ડિલિટ કરાયેલો ડેટા પણ પરત મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. 

વૈશાલીના વ્યક્તિગત સામાનમાંથી મળેલી ડાયરીમાંથી મહત્ત્વની વિગતો બહાર આવી. એ ડાયરી પ્રમાણે રાહુલ તેને છેલ્લા કેટલાય સમયથી હેરાન કરતો હતો. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો તે રસ્તો શોધતી હતી. કદાચ આ રસ્તો તેને આત્મહત્યામાં દેખાયો. 

વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે- 

મમ્મી, પપ્પા. 

બસ તમે હવે કંઈ ના કરો. તમે લોકો પણ મારા માટે ખૂબ જ પરેશાન થશો. માત્ર હું જ જાણું છું કે 2 વર્ષમાં મેં કેવું યુદ્ધ લડ્યું છે. રાહુલ નવલાનીએ મારી સાથે શું ખોટું કર્યું છે તે પણ હું કહી શકતી નથી. મારું કેવી રીતે ભાવનાત્મક રીતે શોષણ થયું, શારીરિક શોષણ થયું અને આખરે તેણે ‘હું તારા લગ્ન થવા દઈશ નહીં’ એવું કહેલું એ કરી બતાવ્યું. જો દીકરી નહીં હોય, તો એના વિશેની કોઈ સમસ્યા પણ નહિ રહે. હું જાઉં છું મા. લવ યુ પપ્પા-મા. મને માફ કરજો. હું સારી દીકરી ન બની શકી. રાહુલ અને દિશાએ મને બે વર્ષ સુધી માનસિક રીતે ટોર્ચર કરી. કૃપા કરીને રાહુલ અને તેના પરિવારને સજા અપાવજો, નહીં તો મારા આત્માને શાંતિ નહિ મળે. તમને મારા સમ છે. ખુશ રહેજો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. મિતેશ પ્રત્યે પણ હું દિલગીર છું. 

લિ. વૈશાલી ઠક્કર

તેનાં માતા અન્નુ કૌર ઠક્કરનું કહેવું છે કે ‘વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેને ન્યાય મળવો જોઈએ, અમે પણ ઈચ્છીએ છીએ કે વૈશાલીને ન્યાય મળે. રાહુલ અને તેની પત્ની ત્રાસ આપતા હતા. તેને ઘરે બોલાવીને સમજાવવામાં આવ્યો, પરંતુ તે માન્યો ન હતો, તેની પત્ની પણ રાહુલને સાચો માનતી હતી અને કહેતી હતી કે મારા પતિ સાચા છે, વૈશાલી ખોટી છે, તેણે રાહુલને ફસાવી દીધો છે. તેના કારણે મારું ઘર બરબાદ થઈ રહ્યું છે પરંતુ રાહુલને કારણે વૈશાલીનું જીવન બરબાદ થઈ ગયું.’ 

વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે જાહેર કર્યું કે રાહુલ અને તેના પિતા પ્લાયવૂડના જથ્થાબંધ વેપારી છે. ઉપરાંત રાહુલ લૈમનેટ્સ નામે પેઢી પણ ચલાવે છે. રાહુલ અને વૈશાલીના પિતા વચ્ચે દોસ્તી હોવાથી બન્ને એકમેકના પરિચયમાં આવ્યા હતા. રાહુલ ક્યારેય કોલેજ ગયો નથી. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી તે વૈશાલીની સોસાયટીમાં રહેતો હતો. 

વૈશાલીએ કેરિયર અને લગ્નજીવન અંગે ઘણા સપના જોયાં હતાં. પણ એક માણસે તેની જિંદગી બરબાદ કરી નાખી. આ દરમ્યાન વૈશાલીના મિત્ર નિશાંત મલકાનીએ એક ઇન્ટરવ્યુમાં બન્ને વિશે ઘણા ખુલાસા કર્યા. નિશાંતે જણાવ્યું હતું કે, ‘રાહુલ વૈશાલીને ખૂબ હેરાન કરતો હતો અને તે વૈશાલીના મંગેતરને પણ મેસેજ કરીને પરેશાન કરતો હતો. રાહુલ વૈશાલીને આગળ વધવા દેતો ન હતો. આ કારણે એ ડિપ્રેશનમાં રહેવા લાગી. તેણે મનોચિકિત્સકની મદદ પણ લીધી. વૈશાલી સેટ પર ખૂબ રડતી હતી અને યોગ્ય રીતે અભિનય પણ કરી શકતી નહોતી.’

ધરપકડ બાદ રાહુલને 28 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. જોકે પોલીસને રાહુલની પૂછપરછમાં અત્યાર સુધી કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા નથી. તેના રિમાન્ડ પણ પૂરા થઈ ગયા છે. વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલ તેની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. રાહુલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, પરંતુ તેની પત્ની દિશા હજુ તા.૩૧ ઓક્ટબર સુધી પોલીસને હાથ લાગી નથી. રાહુલે પૂછપરછ દરમિયાન પોલીસને તપાસમાં મદદ મળે એવી કોઈ વિગતો આપી નથી. પરંતુ તેણે એક નવો દાવો કર્યો, જેનાથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. પૂછપરછ દરમિયાન રાહુલે પોલીસને જણાવ્યું કે વૈશાલી ઠક્કરને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું ન હતું, તેથી તે તેના સંપર્કમાં હતી. રાહુલે દાવો કર્યો હતો કે વૈશાલી આર્થિક રીતે નબળી પડી ગઈ હતી. તેની પાસે પૈસા ન હોવાથી તે વૈશાલીને આર્થિક મદદ કરતો હતો.

રાહુલે પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી કે વૈશાલી સાથે તેની સારી મિત્રતા હતી. તેણે એવું પણ કહ્યું કે વૈશાલી તેના પિતાની મદદ લેવા માંગતી ન હતી અને તેથી જ તેણે અભિનેત્રીને ઘણી વખત પૈસાની મદદ કરી હતી. પરંતુ પોલીસને રાહુલના આ દાવા પર કોઈ વિશ્વાસ નથી. આમ છતાં પોલીસ હવે રાહુલ અને વૈશાલીના બેંક ખાતાની પણ તપાસ કરશે. 

પોલીસે કહ્યું, કે રાહુલ તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આવી સ્થિતિમાં જો જરૂર પડે તો તેનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરવાનગી પણ લઈ શકાય છે. પોલીસે રાહુલ નવલાનીના ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલે તેનો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. અલબત્ત પોલીસે બે મોબાઈલનો ડેટા રિકવર કર્યો છે, પરંતુ ત્રીજા ફોનમાં સમસ્યા સામે આવી રહી છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર ત્રીજો ફોન આઇફોન છે, જેનો લોક ન ખૂલવાને કારણે પોલીસની ચિંતા વધી ગઈ છે. આ અંગે પોલીસે આઈફોન કંપનીને મદદ માટે પત્ર પણ લખ્યો છે. ઉપરાંત રાહુલે પોલીસ સમક્ષ પોતાની પત્ની વિશે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ એની શોધખોળ ચલાવી રહી છે. શક્ય છે કે પોલીસને તેની પાસેથી કેસના કોઈ અન્ય પુરાવા મળી આવે. 

અહીં એ વાત પણ નોંધપાત્ર છે કે ગયા વર્ષે વૈશાલીનું પ્રથમ સગપણ કેન્યા સ્થિત ડેન્ટલ સર્જન અભિનંદનસિંઘ સાથે થયેલું જે કોઈ કારણથી તૂટી ગયું હતું.

(‘અભિયાન’ મેગેઝિનના ૧૨ નવેમ્બર, ૨૦૨૨ના અંકમાં આ લેખ થોડો ટૂંકાવીને પ્રગટ  થયો હતો.)

Monday, 5 September 2022

પગ મને ધોવા દ્યો રઘુરાય!

હું જ્યારે પણ ધ્રોલમાં જાઉં છું અને પડધરીના નાકા પાસે તૂટેલી દીવાલો, બાવળની ઝાડીઓ વચ્ચે એક ખંડિયેર જોઉં છું ત્યારે મન ખિન્ન થઈ જાય છે. એ ખંડિયેરમાં મારી નિશાળ ચાલતી હતી. તાલુકા શાળા નંબર ૨. બાજુમાં ત્રણેક ફૂટ નીચું નાનકડું મેદાન. શાળાના ચોગાનમાં ડાબી બાજુ, એક નાનો લીમડો, જે ક્યારેય ઘેઘૂર થયો જ નહિ, હા એના થડમાંથી ગૂંદર નીકળતું. એની નજીક એક ઊંચું ઝાડ હતું. એની માથે કાગડા માળા બનાવતા, લાંબી જાડી સાંઠીકડીઓ, ચવાયેલા દાતણો વડે. જોકે એ ઝાડનું નામ મને યાદ નથી. હા એટલું યાદ છે કે એનું થડ લીમડાના થડ કરતાં રૂપાળું હતું. એને સફેદ ફૂલ થતાં, એ ફૂલની અમે સીટી બનાવીને સિસોટી વગાડતા. છેક ડાબી બાજુ વડનું ઝાડ હતું. એ પણ શાળા પૂરી કરી ત્યાં સુધી બટકું જ રહ્યું. એ બાજું ઉઘાડા પગે જતા વિદ્યાર્થીઓને પગમાં કાંટાદાર ગોખરું ખૂંચી જતા. આ ગોખરું ક્યાંથી આવતા હતા, શેમાંથી ઉત્પન્ન થતાં એ મારા માટે આજેય કોયડો છે. 

મેદાનમાં મોટા ભાગે બેટદડેથી રમવાનું બનતું અથવા તો છૂટ્ટી દડી. અમારા એક શિક્ષક હતા ચંદુ સાહેબ. તેમની પર્સનાલિટી ટનાટન હતી. સહેજ ફાંદ હતી પણ આમ ફિટ હતા. ઇસ્રીદાર શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરતા. ક્લીનશેવ રહેતા. તેલ નાખીને માથું ઓળતા. વાળ ટૂંકા રાખતા. શિયાળામાં અડધી બાંયનું સ્વેટર પહેરતા. એમના શરીરમાં ગબજ સ્ફૂર્તિ હતી. શાળાનો સમય બપોરનો હોય ત્યારે ૧૫ મિનિટની રિસેસમાં તેઓ પગપાળા ઘરે જતા અને ઘરે પાંચ મિનિટની વામકુક્ષી કરીને પાંચ મિનિટમાં નિશાળે પહોંચી જતા.

છોકરાઓમાં ચંદુ સાહેબની રાડ પણ બહુ બોલતી. ખાસ કરીને એમના ચીંટિયાની. અમારી સ્કૂલ ખાલી છોકરાઓની જ હતી. તોફાની છોકરાઓને સાથળ અને બગલમાં ચંદુ સાહેબ એવા ચીંટિયા લેતા કે છઠ્ઠીના ધાવણ યાદ આવી જતા. વાને ગોરા હોય એવા છોકરાંઉને તો લીલા ચાંભા પડી જતા.

મને યાદ છે ત્યાં સુધી એક દિવસ હું અને મારો નામેરી દોસ્ત અમે બન્ને વ્હોરા છોકરાઓ સાથે બથોબથીએ આવી ગયા હતા. એ વાતની જાણ ચંદુ સાહેબને થઈ અને તેમણે અમારો વારો કાઢ્યો. અમે કહ્યું, ‘સાહેબ અમે તો મસ્તી કરતા હતા.’ સાહેબ બોલ્યા, ‘મસ્તીની માનો ક્યાં ટાંગો મારો છો!’ અલબત્ત ચંદુ સાહેબ ક્યારેય બિભત્સ ગાળ બોલ્યાનું સ્મરણ નથી. અમે તેમને તમાકુ ચોળતા, પાન-માવો ખાતા, બીડી સિગારેટ ફૂંકતા પણ જોયા નથી. 

તેમને સમાચાર વાંચવાની ઇચ્છા થતી ત્યારે કોઈ છોકરાને મોકલીને નજીકના વાણિયા ચોકમાં આવેલી કરિયાણાની દુકાનેથી છાપું મંગાવી લેતા. હા, એ છાપું દુકાન પાસે રહેતા કોઈ મહિલા વાંચવા લઈ ગયા હોય તો સાહેબ છોકરાને રસથી પૂછતાં કે એ કોણ?

ચંદુ સાહેબ એક અનોખા મિજાજના માણસ હતા. ચિત્રકામ પર એમને હથોટી હતી. શાળામાં ભગતસિંહ, મહારાણા પ્રતાપના ચિત્રો તેમણે બનાવ્યાનું ધૂંધણું સ્મરણ છે. શિયાળામાં ટાઢ ઉડાડવા તેઓ અમારી સાથે ક્રિકેટ રમતા. પણ એમનો શિરસ્તો એ રહેતો કે તેઓ બેટ હાથમાં લે એટલે બસ પોતે જ રમ્યા કરે અને બોલ ઉપાડે એટલે બધા છોકરાંઓએ જ રમવાનું, તેઓ બોલ નાખતા રહે. 

ક્યારેક એમને તાન ચડી જાય તો સવારની પ્રાર્થના વખતે ભજન પણ ગાઈ નાખતા. ‘પગ મને ધોવા દ્યો રઘુરાય’ એમના મોઢેથી સાંભળ્યાનું ભુલાયું નથી. તેઓ મોટા ભાગે નાકથી ગાતા. નાકથી યાદ આવ્યું, એમની છીંક પણ ભયંકર હતી. હા-ક-છીં કરે એટલે એની તીણી ચીસથી આખી નિશાળ ગાજી ઊઠતી. ક્યારેક છીંક આવતા આવતા અટકી ગઈ હોય તો સાહેબ રૂમની બહાર જઈને તડકા તરફ જોતા અને તરત જ હાકછી થઈ જતું. 

સ્કૂલમાં બે સહપાઠી મિત્રો હતા સમીર અને પ્રિયંક. બન્નેના પિતા સરકારી અધિકારી. સમીર અને પ્રિયંક બન્ને અભ્યાસમાં હોશિયાર. ચંદુ સાહેબ તેમને લગભગ અઠવાડિયે (કદાચ દર શનિવારે) રમાતી ક્રિકેટ મેચમાં કેપ્ટન બનાવતા. સમીર અને પ્રિયંક ચંદુ સાહેબને ત્યાં ટ્યુશને પણ જતા. એક વખત મને પણ થયું કે હું પણ સાહેબના ટ્યુશને જાઉં. સ્ટવ, ટોર્ચ, પેટ્રોમેક્સ, ફાનસ, વગેરેનું રિપેરિંગ કરીને અમારું પેટ ભરતા મારા પિતાએ હા તો પાડી પણ પછી ૫૦ રૂપિયાની ફી મોંઘી લાગી એટલે ટ્યુશન બંધ કરવું પડ્યું. એક મહિનો હું ટ્યુશને ગયો. મહિનાના અંતે ચંદુ સાહેબે નિશાળમાં જાહેર કર્યું, ‘આજે ઇમરાન કેપ્ટન બનશે.’ મેચ શરૂ થાય એ પહેલાં મેં એમને કહ્યું, ‘સાહેબ, હવેથી હું ટ્યુશને નહિ આવી શકું.’ પછી તેમણે મને કેપ્ટન બનાવવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો. 

ચંદુ સાહેબ એક-બે ધોરણ સુધી નહિ પણ લગભગ ધો.૪થી છેક ૭મા ધોરણ સુધી અમારા સાહેબ રહ્યા હતા. 

(લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી, ૨૦૨૧)

Wednesday, 15 July 2020

જૂની પેઢીના છેલ્લા સક્રિય કાર્ટૂનિસ્ટ જામી (૨ ડિસેમ્બર,૧૯૪૨-૧૧ જુલાઇ, ૨૦૨૦)

ઇમરાન દલ  dalimran@gmail.com 
કાર્ટૂનિસ્ટોની ખોટ ધરાવતા ગુજરાતમાં વર્ષોથી એકધારી ગુણવત્તા સાથે સામાજિક-રાજકીય કટાક્ષયુક્ત કાર્ટૂન આપતા રહેલા જામીનું ૭૭ વર્ષની વયે અવસાન થયું. તેમની કાર્ટૂન કારકિર્દી ૧૯ વર્ષની કાચી વયે શરૂ થઈ હતી. ‘રંગતરંગ’, ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોમાં તેમનાં વ્યંગચિત્રો પ્રગટ થવાં લાગ્યાં. પછી ગુજરાતનાં મુખ્ય ધારાનાં પ્રકાશનોની તેમની પર નજર પડી. 
રાજકોટના ‘જય હિન્દ’ અખબારની સાપ્તાહિક પૂર્તિમાં ‘કાર્ટૂન કોર્નર’ નામની તેમની કોલમ વર્ષો સુધી ચાલી. વર્ષ ૧૯૮૭થી ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરૂઆતના પાને ‘તિકડમ્’ શીર્ષક હેઠળ તેમનાં કાર્ટૂન શરૂ થયાં, જે તેમના જીવનપર્યંત સતત ચાલુ રહ્યાં. ઉપરાંત ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’, ‘દિવ્ય ભાસ્કર’માં તેમનાં પોકેટ કાર્ટૂન પ્રકાશિત થયાં. એ સિવાય તે અમુક સામાજિક મુખપત્રો, સંસ્થાની વાર્ષિક ડાયરીઓ માટે પણ કાર્ટૂન પૂરાં પાડતા. એક ડાયરી માટે તો એમનાં કાર્ટૂનનો અંગ્રેજી ‘અનુવાદ’ પણ કરવામાં આવ્યો હતો. તે કહેતા કે ‘સારા કાર્ટૂનિસ્ટ માટે ત્રણ ગુણનો સમન્વય જરૂર છે: ચિત્રકાર, પત્રકાર અને વ્યંગકાર.’ 
કટોકટી પછીના મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ સરકારે ૧૦ મહિનાના લાંબા સમયગાળા પછીય કોઈ નોંધપાત્ર કામગીરી ન કરી ત્યારે તેમણે એક કાર્ટૂન બનાવેલું, જેમાં મોરારજી દેસાઈનું પેટ ફુલેલું જોઈને સામાન્ય નાગરિક પૂછે છે, ‘‘હવે કોઈ સારા ડૉક્ટરને બતાવો તો કાંઈક પરિણામ આવે.’’ આ કાર્ટૂને ખાસ્સી ચર્ચા જગાવી હતી. જામી કહેતા, ‘‘જેનામાં પત્રકારત્વની દૃષ્ટિ હોય એ જ કાર્ટૂનિસ્ટ બની શકે. પરંતુ કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતા નથી. કહો કે ગણવા માગતા નથી. મને પણ એવોર્ડ હાસ્યલેખકોની શ્રેણીમાં અપાયો. હકીકતે કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય છે.’’ જામીનાં થોકબંધ કાર્ટૂન તેમની આ વાતની સાક્ષી પૂરે છે.
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આરબ પરિવારમાં જન્મેલા આવદ હસન જામી ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. જૂની મેટ્રિક સુધી ભણ્યા બાદ ડ્રોઇંગ ટીચરનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૬૨થી ધ્રોલના અધ્યાપન મંદિરમાં ચિત્રશિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વર્ષ ૧૯૬૮થી ૨૦૦૧ સુધી જામનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં અને વર્ષ. ૨૦૦૧થી ૨૦૦૩ સુધી રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે રહ્યા.
ધ્રોલમાં અમારા ઘર નજીકની શેરીમાં જ જામી કુટુંબનું ઘર. કાર્ટૂનિસ્ટ જામીના લઘુબંધુ જેમને અમે મેસનકાકા કહીએ છીએ, તે વનવિભાગમાં નોકરી કરતા. મેસનકાકા પણ ચિત્રકાર. ખાસ કરીને તૈલચિત્રો બનાવે. એમનાં ચિત્રોને અમે વખાણતાં, ત્યારે ઘરમાં વડીલો કહેતા, ‘‘એના મોટા ભાઈ તો એથીય મોટા કલાકાર છે.’’ એવું પણ સાંભળવા મળતું કે જામીસાહેબનોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે ઇન્ટરવ્યૂ લેનારનું ચિત્ર બનાવી, એને પ્રભાવિત કરી દીધા હતા. અમારા આડોશપાડોશમાં કાર્ટૂનિસ્ટ જામી ‘મોટા જામીસાહેબ’ તરીકે ઓળખાતા. 
હું હજી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વાર કોઈ પ્રસંગે તેઓ ધ્રોલ આવ્યા હતા. પહેલી વાર વાતચીત કરી ત્યારે સંકોચ સાથે મેં એમને કહ્યું, ‘મને ચિત્રકલામાં રસ છે.’ તે ભારે અવાજમાં આસ્તેથી બોલ્યા, ‘કાર્ટૂન બનાવને, કોઈ બનાવતું નથી.’ વતનમાં જ પછીની મુલાકાત વખતે એમના ઘરની શેરીમાં પ્રવેશતી વખતે ‘આવ’ કહીને તેમણે પીઠ પર હાથ મૂક્યો અને અંદર લઈ ગયા. તેમનો પોશાક સામાન્ય હતો. પેન્ટ અને શર્ટ. સ્મોકિંગ કરતા. ઊંચાં કદકાઠીના હતા, અવાજ વજનદાર. સ્વભાવે એકદમ સરળ અને હસમુખા. ગુજરાતમાં વિદ્યમાન કાર્ટૂનિસ્ટમાં તેમને દેવ ગઢવી ગમતા. એમને યાદ કરીને કહેતા, ‘તેઓ તો સંગીત તરફ વળી ગયા. હવે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં તેમણે પ્રિય કાર્ટૂનિસ્ટ તરીકે સુધીર દરને ગણાવ્યા હતા જામી પોતાની આગવી શૈલીના કુશળ કાર્ટૂનિસ્ટ હોવા છતાં તેમની વાતોમાં હુંપદ બિલકુલ ન સંભળાતું. 
વર્ષ ૨૦૦૮માં હું ભુજમાં ‘આજકાલ’ દૈનિકમાં નોકરી કરતો ત્યારે એક કાર્યક્રમ માટે તે કચ્છ આવ્યા હતા. કાર્યક્રમ બાદ મેં તેમનો ઇન્ટરવ્યૂ કરેલો. આજે ખરા સમયે જ તેનું કટિંગ ઘરમાં શોધખોળ કર્યા છતાં હાથ ન લાગ્યું. અલબત્ત, મારી ડાયરીમાં એનું શીર્ષક નોંધેલું વંચાય છે: ‘ગુજરાતી પત્રકારત્વમાં કાર્ટૂનકલાનું ભાવિ ધૂંધળું લાગે છે: કાર્ટૂનિસ્ટ જામી’.

(આ લેખ વિચારપત્ર ‘નિરીક્ષક’ સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિના તા.૧૩ જુલાઈ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત થયો હતો.)

Saturday, 8 December 2018

અઝાનને અળખામણી બનાવનારા લાઉડ સ્‍પીકરની ટીકાથી આટલી અકળામણ કેમ?

    ઇસ્‍લામના પ્રારંભે દરેક મુસલમાન પર પંજવક્તા નમાઝ ફરજિયાત કરવામાં આવી ત્‍યાર પછી મદીના શહેરમાં નમાઝના સમયે લોકોને મસ્‍જિદમાં બોલાવવા માટે બુલંદ અવાજે અઝાન આપવી એવું ઠરાવવામાં આવ્‍યું હતું. હિજરી સનના પ્રથમ વર્ષની આ વાત છે. પછીની સદીઓમાં કાળક્રમે તકરીર અને અઝાન માટે મસ્‍જિદોમાં લાઉડ સ્‍પીકરે પણ માનભેર સ્‍થાન મેળવી લીધું. એવું સ્‍થાન કે, લાઉડ સ્‍પીકર વિનાની મસ્‍જિદની કલ્‍પના પણ કોઇ કરી શકતું નથી. અરે એવી વાત કોઈ કરે તો પણ જાણે ઇસ્‍લામ-વિરોધી વાત કરી નાખી હોય એવી નજરે તેને જોવામાં આવે.
    મુસ્‍લિમોના મનમાં ધાર્મિક આદરભાવ હોય એટલે જોશથી પોકારાતી અઝાન સામે તેમને કોઈ વાંધો આવતો નથી (વાંધો હોય તો કોઇ ઉઠાવતું નથી-ઉઠાવી શકતું નથી). પણ જેમને ઇસ્‍લામ કે નમાઝ સાથે કંઇ લેવા-દેવા નથી તેમણે નાછૂટકે અઝાન સહન કરવી પડે છે. ખાસ કરીને ફજર(વહેલી સવાર)ની અઝાન. એનું મૂળ કારણ અઝાન નથી. અઝાન પ્રત્‍યે કદાચ કોઈના મનમાં કંઇ કચવાટ ન પણ હોય. પરંતુ મુઅઝ્ઝિન (અઝાન આપનાર)નો ઊંચો અવાજ જ્યારે લાઉડ સ્‍પીકર માફરતે અનેક ગણો બેવડાઈને ચોતરફ વહે છે ત્‍યારે બાકાયદા ધ્વનિ-પ્રદૂષણ વ્‍યાપી ઉઠે છે. સવારના શાંત વાતાવરણમાં જ્યારે તે સાદ પાડે છે ‘અસ્‍સલાતો ખૈરુમ્‍મિનન્નૌમ...’ (બેશક, નિદ્રા કરતા નમાઝ શ્રેષ્ઠ છે) ત્‍યારે સોનુ નિગમ જેવા અનેક નિર્દોષ લોકોની ઊંઘ હરામ થઈ જાય છે.
    અજ્ઞાનતા અને હઠાગ્રાહને કારણે મુસલમાનો એ સમજવા તૈયાર નથી કે, કોઇને તમારી અઝાન સામે વાંધો નથી પણ માત્ર લાઉડ-સ્‍પીકરના ઉપયોગ સામે છે. એક તો લાઉડ-સ્‍પીકર અને એમાંય વળી બાંગીનો હાઇ-પિચનો લલકાર એટલે કારેલાને લીમડે ચડાવ્‍યા જેવો ઘાટ ઘડાય છે. ઉપરાંત દર શુક્રવારે જુમ્‍માની નમાઝમાં થતી તકરીર માટે ભૂંગળા વપરાય. ચીસા-ચીસ અને બૂમબરાડાયુક્ત ઉર્દૂ ભાષાની વાએઝ કોણ જાણે કેટલા લોકોના ભેજાનું દહીં કરી નાખતી હશે.
    આપણે ત્‍યાં મોટા ભાગે કોઈ શુદ્ધ ઉચ્‍ચારથી અઝાન આપતું જ નથી. (અઝાન આમ તો પોકારવી, પઢવી એવું બોલવું જોઈએ પણ ગુજરાતીમાં અઝાન આપવી-એ રીતે બોલાય છે.) મૂળે અઝાન આખી અરબી ભાષામાં છે. એમાં વળી ઉચ્‍ચાર અને આરોહ-અવરોહ ભારતીય બોલીઓથી તદ્દન ભિન્‍ન એટલે જેમને અરબી જ બિલકુલ આવડતું ન હોય એમની અઝાનના ઉચ્‍ચારોનું અપાર અને બેઢંગુ વૈવિધ્‍ય સાંભળવા મળે. આલિમોના મતે ઉચ્‍ચારમાં દસ-બાર જેવી ભૂલો એવી છે જે થાય તો બાંગી પૂણ્ય કરવા જતાં પાપમાં પડે. આમાં તેનો કસૂર નથી. પાંચ સમયની અઝાન આપવા અને મસ્‍જિદની સંભાળ રાખવા માટે સાવ મામૂલી પગારે નોકરી પર રાખવામાં આવતા માણસ પાસે શુદ્ધ  ઉચ્‍ચારની અપેક્ષા રાખી ન શકાય. એને તો સ્‍પીકર હોય કે ન હોય અઝાન આપવાની હોય.
    નમાઝીઓને નમાઝના સમયની ખબર પાડવા માટે આધુનિક સમયમાં ઘડિયાળ, એલાર્મ, મોબાઇલ ફોન જેવાં સાધનો હાથવગાં થઈ ગયાં છે. એલાર્મથી તે સવારે અઝાનથી પણ પાંચ-દસ મિનિટ વહેલા ઉઠીને સમયસર મસ્‍જિદે પહોંચી શકે છે. અઝાન માટે અહીં લાઉડસ્‍પીકરની અનિવાર્યતા ક્યાંય ડોકાતી નથી. જેમને નમાઝ પઢવી જ છે તેઓ અઝાનની રાહ જોતા નથી.
    કોઇની ઊંઘમાં ખલેલ થતી હોય એટલા સ્‍વરમાં કુરાનની તિલાવત પણ ન કરવી જોઈએ. એવી સરળ અને પ્રેક્ટિકલ વાત સમજાવનાર ઇસ્‍લામ ધર્મના માનનારા લોકોએ લાઉડ સ્‍પીકર જેવા ત્રાસદાયક યંત્રને મસ્‍જિદ જેવી પવિત્ર અને શાંત જગ્‍યાનું અભિન્‍ન અંગ કઈ રીતે બનાવી દીધું? તે એક આશ્ચર્યની વાત છે. સૌ કોઇને પોતાનો જ ધર્મ મહાન છે એવું બતાવી દેવાનો મોહ હોય છે. વધતા ધાર્મિક ઘોંઘાટ વચ્‍ચે દરેક ધર્મજૂથોએ પોતાનો અવાજ ઊંચો રાખવા આ ખતરનાક સાધનને અપનાવી લીધું છે. કોઇ એને છોડી દે એ તો દૂરની વાત છે પણ આ અનિષ્‍ટ પર કોઈ ટીકા કરે તો એમાંય વાંકુ પડી જાય છે.
બશીર બદ્રે એક ગઝલમાં અઝાનનું સુંદર ચિત્ર આલેખ્‍યું છેઃ
ગુલોં પે લિખતી હુઈ લા-ઇલાહા ઈલ્‍લલ્‍લાહ,
પહાળિયોં સે ઉતરતી અઝાન કી ખુશ્બુ
બેસુરા બાંગીના લાઉડ સ્‍પીકર પરના બરાડા સાંભળીને બશીર સાહેબને પણ ફેર વિચારણ કરવાનું મન થઈ જાય તો નવાઈ નહીં.

Thursday, 20 September 2018

ઔકાળવી, રબ્બાની, હાફિઝજી અને ધ્રોલ

એક સમય એવો હતો જ્યારે દરેક સબીલ પર મૌલાના શફી ઔકાળવી અને મૌલાના અબ્દુલ વહીદ રબ્બાનીની તકરીરની કેસેટો વાગતી. (બન્ને પાકિસ્તાની) એ જમાનો ટેપનો હતો. શફી ઔકાળવીનો સ્વર મધુર હતો. બયાનની એમની મૌલિક છટા હતી. અશઆર અને કુર્આનની આયતો તેઓ તરન્નુમમાં પેશ કરતા. આમ તો બીજા વિષયો પર પણ તેમણે બયાન આપ્યા હશે પણ અહીં આપણે ત્યાં તેમની ઓળખ મોહર્રમ માટે ફિક્સ હતી. શફી ઔકાળવીનો અવાજ કાને પડે એટલે દરેક મિયાંભાઈને ખબર પડી જાય કે, મોહર્રમ મહિનો બેસી ગયો. મોહર્રમ સાથે એમની તકરીરની ઇમેજ એટલી હદે જોડાયેલી હતી કે, અન્ય મહિનામાં એમને કોઈ સાંભળતું જ નહીં અને કોઈ કેસેટ વગાડે તોય અજૂગતું લાગતું, કોઈ ન વગાડવાની પણ સલાહ આપે, જાણે કે ઇમામ હુસૈનને તો બસ મોહર્રમમાં જ યાદ કરાય! ઔકાળવી અને રબ્બાનીની શૈલી વચ્ચે હાથી અને ઘોડા જેટલો ફેર હતો. રબ્બાનીની લઢણ થોડે અંશે કડવે પ્રવચન જેવી હતી, જોકે એ લઢણમાં નિરાશાજનક કડવાશ હોવાનું યાદ નથી.
રબ્બાની વચ્ચે વચ્ચે ‘મુલ્તાન કે મેરે હુસૈની નૌજવાનોં...’  જેવો લલકાર કરીને શ્રોતાઓને પાનો ચડાવતા જાય, ‘લોહા થા તો સપીકર બના, મટ્ટી થી તો આદમ બના’ જેવી જોડકણાં ટાઇપ દલીલો વડે ભલાભોળા સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી નાખતા. સ્પીકરને તેઓ સપીકર કહેતા. ઔકાળવી કરબાલનો કિસ્સો એક કથાની જેમ સળંગ રજૂ કરતા, જ્યારે રબ્બાની કરબલાના ખૂની મંઝરની કોઈ એકાદ ક્ષણને લડાવીને પેશ કરતા. (રબ્બાની એક નઝ્મ સંભળાવતા: ‘હરી હૈ શાખ-એ-તમન્ના અભી જલી તો નહીં-’ એની એક જ લાઇન યાદ હતી, એના આધારે સર્ચ કરતાં આખી રચના ગૂગલ પરથી મળી આવી. પણ ઘણી કોશિશ છતાં એના રચયિતાનું નામ મળી ન શક્યું. ખુદને રેખ્તાના ઉસ્તાદ સમજતા અમુક કવિ હજરાતનો પણ રાબ્તો કર્યો. તેમણે પણ લાઇલ્મી ઝાહિર કરી. આવી કડક લાકડા જેવી લાઇનો કોણે લખી હશે?)
કરબલાની વાત આવી છે તો ઔકાળવી અને રબ્બાનીની જેમ ધ્રોલમાં ત્રીજી હસ્તી પણ લોકપ્રિય બની. એમનું નામ હાફિઝ આદમ. હાફિઝજી આમ તો ભરૂચ પંથકના પણ યુવાનીથી તેઓ ધ્રોલમાં છે. મોહર્રમમાં તેમનું વાએઝ હોય એટલે હકડેઠઠ લોકો મેમણચોકમાં ઉમટી પડે. ઇમામ હુસૈનની શહાદત વિશે તેમનું બયાન એટલી હદે કરુણ રહેતું કે, શ્રોતાઓની આંખમાં આંસુ આવી જતા. ભરૂચ પંથકના હોવા છતાં તેમની ઉર્દૂ જુબાનમાં માધુર્ય એટલી હદે કે, કેટલાક હિન્દુ અને વ્હોરા બિરાદરો પણ એમને સાંભળવા આવતા હોવાનું સાંભળ્યું છે. હાફિઝજીનો કંઠ એટલો મધુર કે, એમણે પઢેલી નાત, મન્કબત પણ ઘરેઘરે દુકાનેદુકાને સબીલેસબીલે સંભળાતી. એ સમયની સૌથી મોટી નિરાંત એ હતી કે સ્પીકરમાં બાસ નહોતા. વોલ્યૂમ માપમાં રહેતું. હવે જુદા-જુદા ભાતભાતના અવાજો કાને પડે છે, પડ્યા ભેગા જ ખરી પડે છે.

આજ બસ ઇતના હી.  

લખ્યા તારીખ: કતલની રાત

Tuesday, 31 July 2018

મડદું ક્યારેય ખોટું બોલતું નથી


આઠમી સદીમાં મુહમ્મદ ઇબ્ને સિરીન નામે એક રહસ્યવાદી થઈ ગયા. ઇરાકના બસરા શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેઓ સ્વપ્નના અર્થઘટન કરવા માટે પણ જાણીતા હતા. આ બારામાં તેમણે એક પુસ્તક પણ લખ્યું: તઅ્બીરુર્રુઅ્યા. દિલ્હીથી ‘તઅ્બીરનામા-એ-ખ્વાબ’ નામથી એનો ઉર્દૂ અનુવાદ પ્રકાશિત થયો. આ ચોપડી યાદ આવવાનું કારણ માત્ર એટલું જ કે હમણાં કોઈએ ફેસબુક પણ સવાલ ઉઠાવ્યો હતો કે, સપનામાં મડદું જોવા મળ્યું. એનો મતલબ શો થાય?
ઇબ્ને સિરીને તેમના સદરહૂ પુસ્તકમાં સ્વપ્ન અને મૃત્યુ વિષય પર એક આખું પ્રકરણ લખ્યું છે. તેઓ ફરમાવે છે (હવે પછીના તમામ શબ્દો એમના જ, કૌંસમાં આપેલી સ્પષ્ટતા સિવાય): કોઈને સ્વપ્નમાં મૃત્યુ જોવા મળે તો એ તેના ધર્મમાં ફિસાદ અને ઇહલોકમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થવાની નિશાની છે. શરત માત્ર એટલી કે, એમાં રોકકળ અને ચીસાચીસ પણ હોય અને આવું સ્વપ્ન જોનાર વ્યક્તિને લોકો અરથી કે જનાઝામાં નાખી કાંધ આપીને જતા હોય, માટીમાં દફન કરવામાં આવી ન હોય (કે અગ્નીદાહ પણ અપાયો ન હોય). અને માટીમાં મુડદાને દાટી દેવામાં આવ્યો હોય (કે સળગાવી દેવાયો હોય) તો એના ધર્મમાં સુધારને કોઈ અવકાશ નથી, બલકે એના પર શૈતાન અને દુનિયાનો પ્રભાવ છવાઈ જશે અને તેની ભવ્યતાને માનનારા એટલા જ લોકો હશે જેટલા તેના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હશે. આવું સ્વપ્ન જોનારો માણસ લોકોને સંકટમાં મૂકશે અને એમની ગરદનો પર સવારી કરશે.
જો કોઈએ પોતાની જાતને મૃત જોઈ પરંતુ અંતિમ સંસ્કારનો સીન જોવા મળ્યો નહિ અને માતમ જેવું વાતાવરણ જેમકે રોવુંધોવું, બરાડા પાડવા, શબસ્નાન, કફન, જનાઝો કે અરથી કંઈ જોવા ન મળ્યું, તો એની તાબીર એ છે કે, તેના ઘરમાં કે દીવાલ પરથી કોઈ વસ્તુ પડી જશે અથવા લાકડું ભાંગી જશે. અથવા એવું પણ કહેવાય છે કે, એના ધર્મમાં કમજોરી અને તેની આંખને અંધાપો આવી શકે છે.  
અને કોઈએ સ્વયંને વગર મર્યે કબરમાં (કે સ્મશાનમાં બાળવાની જગ્યાએ) જોયો તો એ માણસ કાં તો જેલ ભેગો થશે અથવા તો કોઈ પ્રકારની ભીંસમાં મુકાશે. અને જો કોઈએ એવું જોયું કે, તેણે કબર ખોદી છે (અથવા ચિતા જાતે તૈયાર કરી છે) તો એનું અર્થઘટન એ થશે કે, એના વિસ્તાર કે શહેરમાં તે એક ઘર બનાવશે. અને કોઈએ સ્વપ્નમાં મુડદાને પ્રશ્ન કર્યો, તો એ મુડદું જે ઉત્તર આપે એ સાચો પડે. આ વાત કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એટલે કે, તે એમ બોલ્યું કે, તે મજામાં છે, તો એનો મતલબ એ જ કે, તે મજામાં છે અને તેનું મૃત્યુ પછીનું જીવન સારું વીતી રહ્યું છે. અને મડદું કોઈ બીજાની બાબતે પણ કંઈ જણાવે તો એ પણ સત્ય જ રહેશે. કેમકે એ મડદું હાલ સત્યજગતમાં છે, અને ત્યાં જૂઠ બોલવું શક્ય નથી. તે જૂઠાણામાંથી મુક્તિ મેળવી ચૂક્યું છે. એટલે તે જે જણાવશે એમાં જૂઠને કોઈ અવકાશ નહિ હોય.    
એ જ રીતે કોઈએ મૃત વ્યક્તિને સારી હાલતમાં જોઈ અથવા એવું જોયું કે, તેણે ધોળાં કે લીલાં (કે કેસરી) કપડાં પહેર્યાં છે અને તે સ્મિત વેરે છે અથવા કોઈ ગૂડ ન્યૂઝ સંભળાવે છે તો આ બાબત એની સાબિતી છે કે, પરલોકમાં તે મોજેમોજ કરે છે. અને કોઈએ અવસાન પામેલી વ્યક્તિને મેલીઘેલી, ધૂળિયાવાળ ધરાવતી, ચીંથરેહાલ જોઈ અથવા એ દુબળી છે અને ગુસ્સાની હાલતમાં છે તો એનો અર્થ એ કે, પરલોકમાં એની હાલત દયાજનક છે. એ જ રીતે અગર કોઈએ મુડદાને બિમાર જોયું તો એની તાબીર એ છે કે, તે પોતાના પાપની સજા ભોગવે છે. અને કોઈએ મરી ચૂકેલા માણસને સ્વપ્નમાં બીજીવાર મરતા જોયો, એમાં એવું પણ જોયું કે રુદન તો છે પણ માતમ કે ચીસાચીસ નથી, તો એનો મતલબ એ કે તેના ઘરનાના લગ્ન થશે અને તેને આનંદ મળશે. અને જો આ પ્રકારના સ્વપ્નમાં ચીસાચીસ સાથેની રોકકળ જોવા મળે તો એની તાબીર એ થશે કે, એના સંતાનનું કે એના પરિવારમાંથી કોઈનું મૃત્યુ થશે.
અને કોઈએ એવું જોયું કે, તેણે કોઈ મૈયતની કબર ખોદી છે (અથવા કોઈની ચિતા તૈયાર કરી છે) તો એનો અર્થ એ થશે કે, તે એ મૃત વ્યક્તિના નક્શે કદમ પર ચાલશે, શરત માત્ર એટલી કે, એ મૃત્યુ પામેલી વ્યક્તિ પરિચિત હોય. અને જો એ અપરિચિત છે તો એનો અર્થ એ થશે કે એવું સ્વપ્ન જોનાર એવી કોઈ બાબતમાં હવાતિયાં મારશે છે, જેમાં એને સફળતા મળવાની નથી.   

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...