Showing posts with label સંસ્મરણ. Show all posts
Showing posts with label સંસ્મરણ. Show all posts

Monday, 4 March 2024

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું. મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો, અધૂરો, ઉતાવળિયો અને કાચો અહેવાલ લખ્યો હતો, એ જેવો છે એવો, અહીં રજૂ કરું છું.)

ઇમરાન દલ (રાજકોટથી)

મિત્ર મહેન્દ્રભાઈ દક્ષિણી અને હું તા. 17 એપ્રિલની સવારે સાડા દસ વાગ્યાની આસપાસ યુનિવર્સિટીએ જવા નીકળ્યા ત્યારે મનમાં એમ હતું કે અમે મોડા પહોંચીશું, પણ ગુજરાતી ભવને પહોંચ્યા ત્યારે હાશકારો થયો. પોણા અગિયાર થયા હતા, હજી શિબિર શરૂ થવાને વાર હતી. શિબિર સ્થળે ગરમાગરમ, હાથમાં પકડી પણ ન શકાય એવી પ્યાલી સાથે અમારું સ્વાગત થયું. રજિસ્ટરમાં નામ અને મોબાઈલ નંબરની નોંધ કરી, હાજરી પુરાવી, ઓડિયન્સમાં અમે અમારું સ્થાન લીધું. થોડી વાતચીત કરી.  શિબિરાર્થીઓ પણ ધીમે ધીમે આવી રહ્યા હતા, થોડી જ વારમાં રાજુ પટેલ આવી પહોંચ્યા: અબ આયેગા, મજા

શિબિર દરમ્યાન રાજુ પટેલ. તસવીર: ઇમરાન દલ


રાજુના આગમન પહેલાં સૌએ પોતાનો ટૂંકો પરિચય આપી દીધો હતો, (એટલો ટૂંકો કે અમુકે તો માત્ર ઊભા થઈને પોતાનું નામ જ કહ્યું!) એટલે ઇન્ટ્રોડક્શનની કોઈ ઔપચારિક વિધિ વિના રાજુ પટેલે વાતચીતનો દોર શરૂ કર્યો. વાર્તા એટલે શું? તમે શા માટે વાર્તા લખવા માગો છો? વાર્તા કોને કહેવાય? વગેરે જેવા પ્રાથમિક પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવા પ્રતિપ્રશ્નો કરતાં કરતાં શિબિરાર્થીઓ પાસેથી ઉત્તરો-પ્રત્યુત્તરો પ્રતિભાવો મેળવ્યા.

વાર્તામાં સત્ય ઘટના કઈ રીતે સ્થાન મેળવી શકે? અથવા સત્ય ઘટનાઓ ઉપરથી વાર્તા કઈ રીતે વાર્તા બની શકે? એની ઉદાહરણ સાથે તેમણે ચર્ચા કરી: મુંબઈની ચિકાર ભીડ ધરાવતી બજારમાંથી હું પસાર થયો ત્યારે એક સ્ત્રી પ્રેમપૂર્વક એક પુરુષને પોતાના ડબ્બામાંથી ચમચી વડે કોઈ વાનગી ખવડાવતી હતી. જ્યાં લોકો એકબીજાને હાય, હલ્લો કરવાનું પણ પસંદ ન કરે, સામે પણ ન જુએ, એવા સ્થળે જોવા મળેલું આ દૃશ્ય મારા હૃદયને સ્પર્શી ગયું. જીવનમાં જોવા કે અનુભવવા મળતી આવી ઘટનાઓ જે આપણી સંવેદનાને સ્પર્શી જાય એ વાર્તા-સર્જન માટે ઉપયોગી બને છે. અગત્યનું એ છે કે તમને શું ગમે છે, જે લખવા માટે પ્રેરે: તમે પચાસ વાર્તા વાંચી, એમાંથી કઈ વાર્તામાંથી તમને શું ગમ્યું. એ ગમ્યું તો શા માટે ગમ્યું? એનો ઉત્તર મેળવવાથી વાર્તા લખવાની દિશા મેળવી શકાય. લોકોને શું ગમશે એ નહિ, તમને શું ગમે છે, શું સ્પર્શે છે? એ નક્કી કરશે કે તમારે શું લખવું? લોકોને શું ગમે છે એ વિચારીને લખશો તો તમે વેપારી બની જશો.

વિવિધ દૃષ્ટાંતો અને ઉદાહરણો અને કલ્પનાઓ અને કાલ્પનિક હકીકતો અને વાસ્તવિક કલ્પનાઓને વણીને વાર્તાચર્ચા અંગે રાજુનું વક્તવ્ય ચાલતું હતું, વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી પણ થતી રહી. શ્રોતાઓની અપેક્ષા શી છે, એ અંગે બહુ પ્રશ્નો કોઈએ ન ઉઠાવ્યા એટલે થોડી અકળામણ જેવું લાગ્યું. એ દરમ્યાન જયેશ રાષ્ટ્રકૂટે એક લાંબો પ્રશ્ન કર્યો કે અહીં બેઠા છે એમને વાર્તાનું સ્વરૂપ, પાત્રલેખન, પરિવેશ, સંવાદ, કથાવસ્તુ સહિતનાં પાસાંઓ, વાર્તાનો ઇતિહાસ, ભારતીય વાર્તા, ગુજરાતી વાર્તા, વિદેશી વાર્તાઓની વિશિષ્ટતાઓ વગેરે બધું જ જાણવું છે... તો ભગવાનભાઈ થાવરાણીએ પૂર્વે સવાલ ઉઠાવ્યો હતો કે ઘટના વિનાની પણ વાર્તાઓ હોય છે, એની પણ ચર્ચા થવી જોઈએ. જયેશના પ્રશ્નનો રાજુએ એ રીતે ઉત્તર આપ્યો કે, જે માહિતી ઇન્ટરનેટ, ગૂગલ ઉપર ઉપલબ્ધ છે, એની અહીં ચર્ચા નહીં કરીએ, જ્યારે ભગવાનભાઈના પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે, આ ઉત્તર નથી છતાં આપી રહ્યો છું કે, વાર્તા લખવી એ પોતે જ એ ઘટના છે.---

વક્તવ્યના આરંભમાં જ રાજુએ કહેલું કે મારા ઉપરાંત બે વ્યક્તિ આવશે. મુંબઈથી અન્ય એક વ્યક્તિ વિશેષ પણ અહીં આવશે, (જેમનું નામ તેમણે જાહેર નહોતું કર્યું) બીજાં તે ‘વારેવા’ વાર્તા સામયિકનાં સંપાદક છાયા ઉપાધ્યાય. કાર્યક્રમ શરૂ થયાના થોડા સમયમાં જ લેખક, વાર્તાકાર, નવલકથાકાર નીલેશભાઈ રૂપાપરાનું આગમન થયું. તેમને આગ્રહ કરવામાં આવ્યો પણ તેમણે સ્ટેજને બદલે શ્રોતાઓની વચ્ચે જ બેસવાનું પસંદ કર્યું. થોડી મિનિટો બાદ છાયા ઉપાધ્યાય પણ આવી પહોંચ્યાં. છેક આણંદથી ટ્રેનમાં લાંબી મુસાફરી કરીને હજી હમણાં જ રાજકોટ પહોંચ્યાં હોવા છતાં તેમના ચહેરા ઉપરની તાજગી તેમના સ્મિતમાં જોવા મળી.

વાતચીતના દોર વચ્ચે શ્રોતાઓમાં કેટલીક મૂંઝવણો જણાતા અથવા તો રાજુ પટેલ શું અને શા માટે કંઈક કહે છે? પૂછે છે? એ અંગે કશીક દ્વિધા જણાતા વચ્ચે પ્રો. સનત ત્રિવેદીએ ઊભા થઈને કહેવું પડ્યું કે આપણે એમને (રાજુને) સમજવાનો, એમના પ્રયાસને સમજવાનો પ્રયાસ કરીએ, એઓ આપણને જે સમજાવવાની કોશિશ કરે છે એને સમજીએ... અને ફરી વાતચીતનો દોર આગળ વધ્યો અને ફરી આગળ જતાં ત્રિવેદી સાહેબે રાજુ વતી બે શબ્દો કહી એમને સમજવા-કોઓપરેટ કરવા શિબિરાર્થીઓને સમજાવ્યું, ત્યારે નીલેશભાઈ રૂપાપરાએ કહ્યું, ‘રાજુને અહીં બેઠેલા લોકો સમજી નથી શકતા એવું ન સમજી લઈએ, તેઓ એમને સમજી શકશે, એ એમના ઉપર છોડીએ... સમજવા દઈએ...’ અને ફરી વાતચીત આગળ ચાલી અને ત્યાં લંચ બ્રેક પડ્યો.

શિબિરમાં બ્રેક દરમ્યાન નિરાંતની પળે નીલેશ રૂપાપરા (ડાબે) અને રાજુ પટેલ. તસવીર: ઇમરાન દલ

(અહેવાલમાં અહીંથી આગળ અડધું બોક્સ બનાવીને સાડા ત્રણ લીટીઓ લખેલી વંચાય છે. એટલું લખાણ નીચે બે ફૂદરડીઓ વચ્ચે મૂક્યું છે.)

*પરિચયનો વિધિ ટાળવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં રાજુએ કહ્યું કે તમે ચોર હો, ડાકુ હો, લૂટારા હો, ખૂની હો, કે ખીસ્સાકાતરુ એથી કશો ફરક પડતો નથી....*)

૦ લંચ બ્રેક પહેલાં એક સિચ્યુએશન આપી, વાર્તા લખવાનો ટાસ્ક આપ્યો, પણ લંચ પત્યા પછી કોઈ પાસેથી એ વાર્તા માંગવામાં આવી નહિ.

૦ ચર્ચા દરમ્યાન રાજુએ કહ્યું, ‘તમે કોઈ એક વ્યક્તિને નફરત કરો, એનું કારણ જણાવો અને પછી એ વ્યક્તિને જસ્ટીફાય કરો.’ આ કસરત પાછળ કારણ એ હતું કે તમે વ્યક્તિ તરીકે કોઈને ભલે નફરત કરો પણ સર્જક તરીકે કોઈને નફરત કરી શકતા નથી.

૦ લગભગ ૪:૧૫ વાગ્યા દરમ્યાન આયોજકોએ છાશ મંગાવી અને સૌએ આકંઠ અમુલની છાશ પીધી.

વીસેક મિનિટ નિલેશ રૂપાપરા બોલ્યા, મને બોલતા ફાવતું નથી, સ્ટેજ ફિયર છે -એમ કહ્યું, પણ છતાં સરસ બોલ્યા. સર્જન-પ્રક્રિયા અંગે શ્રોતાઓને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા. બાદમાં એમની વાર્તા............નું પઠન શ્રદ્ધા ભટ્ટે કર્યું અને એ વાર્તા વિશે થોડી ચર્ચા પણ થઈ.

૦ છાયા ઉપાધ્યાયે વારેવા સામયિક વિશે માહિતી આપી અને ઉદ્દેશ સમજાવી, લવાજમ ભરવા હાકલ કરી.

(આ કથિત અહેવાલ, ડાયરીમાં જ્યાંથી શરૂ થાય છે એના આગળના પાને, મથાળે ચોકઠું ચીતરીને એમાં ‘ફરીથી રિરાઇટ’ એવું લખેલું છે. બાજુમાં RAJU લખેલું છે અને એની નીચે તારીખ આ મુજબ લખેલી છે: 17/05/2022. પહેલી લીટીમાં નીલેશ રૂપાપરાનું નામ લખેલું વંચાય છે અને એની નીચે, નીચે મુજબનાં વાક્યો, સ્ટાર સાથે લખેલાં છે, એ કદાચ નીલેશભાઈએ કહ્યાં હોય એવું હું માનું છું.)

*પાત્રની નાનામાં નાની ડિટેઈલ ખબર હોવી જોઈએ.

*વાર્તા એ ભાષાનો અભિનય છે.

*તમારે એવા પ્રયાસ કરવાના છે કે તમે પ્રયાસ કરો છો એ ન સમજાય

*વાર્તા તમને કોઈ શીખવી ન શકે, અલબત્ત તમે પોતે ધારો તો શીખી શકો છો!

(ઉપરની ચાર લીટીઓ જે પાના પર છે એનાથી આગળના પાના પર ‘વાર્તા’ શબ્દના મથાળા સાથે નીચે મુજબ કોઈ વાર્તાના પ્રારંભ જેવું લખાણ વંચાય છે, જે શિબિરમાં આપવામાં આવેલી કોઈ સિચ્યુએશન પ્રમાણે લખ્યું હોવાનો સંભવ છે.)

જયુ જ્યારે હોલની બહાર નીકળ્યો ત્યારે મોટા ભાગના શ્રોતાઓને કશો ફરક ન પડ્યો પણ વક્તા વીરુના ચહેરાની રેખાઓ સહેજ બદલાઈ ગઈ. પ્રવચન હજી પા ભાગનું પણ પૂરું નહોતું થયું ત્યાં તેનું આમ ચાલ્યા જવું વીરુને ખટક્યું. તેનો વાક્પ્રવાહ પણ થોડો ખોરવાયો. પીઠ પાછળ ફેલાયેલા કાબરચીતરા વાળને તેણે પાછળ ઝાટક્યા અને પછી વાળનો ડૂચો વાળીને માથા ઉપર અંબોડી બાંધી લીધી. ચા પીવાની તેને તલપ લાગી હતી, પણ તે બોલવા ગયો, તો તેનાથી પાણી મંગાઈ ગયું. આજે પાણીનો સ્વાદ એને બોદો લાગ્યો.

(અધૂરો અહેવાલ અહીં સમાપ્ત થાય છે. શિબિરની તારીખ અંગે આ લખનારને શંકા છે. વલ્લાહો આલમ.)

Monday, 5 September 2022

પગ મને ધોવા દ્યો રઘુરાય!

હું જ્યારે પણ ધ્રોલમાં જાઉં છું અને પડધરીના નાકા પાસે તૂટેલી દીવાલો, બાવળની ઝાડીઓ વચ્ચે એક ખંડિયેર જોઉં છું ત્યારે મન ખિન્ન થઈ જાય છે. એ ખંડિયેરમાં મારી નિશાળ ચાલતી હતી. તાલુકા શાળા નંબર ૨. બાજુમાં ત્રણેક ફૂટ નીચું નાનકડું મેદાન. શાળાના ચોગાનમાં ડાબી બાજુ, એક નાનો લીમડો, જે ક્યારેય ઘેઘૂર થયો જ નહિ, હા એના થડમાંથી ગૂંદર નીકળતું. એની નજીક એક ઊંચું ઝાડ હતું. એની માથે કાગડા માળા બનાવતા, લાંબી જાડી સાંઠીકડીઓ, ચવાયેલા દાતણો વડે. જોકે એ ઝાડનું નામ મને યાદ નથી. હા એટલું યાદ છે કે એનું થડ લીમડાના થડ કરતાં રૂપાળું હતું. એને સફેદ ફૂલ થતાં, એ ફૂલની અમે સીટી બનાવીને સિસોટી વગાડતા. છેક ડાબી બાજુ વડનું ઝાડ હતું. એ પણ શાળા પૂરી કરી ત્યાં સુધી બટકું જ રહ્યું. એ બાજું ઉઘાડા પગે જતા વિદ્યાર્થીઓને પગમાં કાંટાદાર ગોખરું ખૂંચી જતા. આ ગોખરું ક્યાંથી આવતા હતા, શેમાંથી ઉત્પન્ન થતાં એ મારા માટે આજેય કોયડો છે. 

મેદાનમાં મોટા ભાગે બેટદડેથી રમવાનું બનતું અથવા તો છૂટ્ટી દડી. અમારા એક શિક્ષક હતા ચંદુ સાહેબ. તેમની પર્સનાલિટી ટનાટન હતી. સહેજ ફાંદ હતી પણ આમ ફિટ હતા. ઇસ્રીદાર શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરતા. ક્લીનશેવ રહેતા. તેલ નાખીને માથું ઓળતા. વાળ ટૂંકા રાખતા. શિયાળામાં અડધી બાંયનું સ્વેટર પહેરતા. એમના શરીરમાં ગબજ સ્ફૂર્તિ હતી. શાળાનો સમય બપોરનો હોય ત્યારે ૧૫ મિનિટની રિસેસમાં તેઓ પગપાળા ઘરે જતા અને ઘરે પાંચ મિનિટની વામકુક્ષી કરીને પાંચ મિનિટમાં નિશાળે પહોંચી જતા.

છોકરાઓમાં ચંદુ સાહેબની રાડ પણ બહુ બોલતી. ખાસ કરીને એમના ચીંટિયાની. અમારી સ્કૂલ ખાલી છોકરાઓની જ હતી. તોફાની છોકરાઓને સાથળ અને બગલમાં ચંદુ સાહેબ એવા ચીંટિયા લેતા કે છઠ્ઠીના ધાવણ યાદ આવી જતા. વાને ગોરા હોય એવા છોકરાંઉને તો લીલા ચાંભા પડી જતા.

મને યાદ છે ત્યાં સુધી એક દિવસ હું અને મારો નામેરી દોસ્ત અમે બન્ને વ્હોરા છોકરાઓ સાથે બથોબથીએ આવી ગયા હતા. એ વાતની જાણ ચંદુ સાહેબને થઈ અને તેમણે અમારો વારો કાઢ્યો. અમે કહ્યું, ‘સાહેબ અમે તો મસ્તી કરતા હતા.’ સાહેબ બોલ્યા, ‘મસ્તીની માનો ક્યાં ટાંગો મારો છો!’ અલબત્ત ચંદુ સાહેબ ક્યારેય બિભત્સ ગાળ બોલ્યાનું સ્મરણ નથી. અમે તેમને તમાકુ ચોળતા, પાન-માવો ખાતા, બીડી સિગારેટ ફૂંકતા પણ જોયા નથી. 

તેમને સમાચાર વાંચવાની ઇચ્છા થતી ત્યારે કોઈ છોકરાને મોકલીને નજીકના વાણિયા ચોકમાં આવેલી કરિયાણાની દુકાનેથી છાપું મંગાવી લેતા. હા, એ છાપું દુકાન પાસે રહેતા કોઈ મહિલા વાંચવા લઈ ગયા હોય તો સાહેબ છોકરાને રસથી પૂછતાં કે એ કોણ?

ચંદુ સાહેબ એક અનોખા મિજાજના માણસ હતા. ચિત્રકામ પર એમને હથોટી હતી. શાળામાં ભગતસિંહ, મહારાણા પ્રતાપના ચિત્રો તેમણે બનાવ્યાનું ધૂંધણું સ્મરણ છે. શિયાળામાં ટાઢ ઉડાડવા તેઓ અમારી સાથે ક્રિકેટ રમતા. પણ એમનો શિરસ્તો એ રહેતો કે તેઓ બેટ હાથમાં લે એટલે બસ પોતે જ રમ્યા કરે અને બોલ ઉપાડે એટલે બધા છોકરાંઓએ જ રમવાનું, તેઓ બોલ નાખતા રહે. 

ક્યારેક એમને તાન ચડી જાય તો સવારની પ્રાર્થના વખતે ભજન પણ ગાઈ નાખતા. ‘પગ મને ધોવા દ્યો રઘુરાય’ એમના મોઢેથી સાંભળ્યાનું ભુલાયું નથી. તેઓ મોટા ભાગે નાકથી ગાતા. નાકથી યાદ આવ્યું, એમની છીંક પણ ભયંકર હતી. હા-ક-છીં કરે એટલે એની તીણી ચીસથી આખી નિશાળ ગાજી ઊઠતી. ક્યારેક છીંક આવતા આવતા અટકી ગઈ હોય તો સાહેબ રૂમની બહાર જઈને તડકા તરફ જોતા અને તરત જ હાકછી થઈ જતું. 

સ્કૂલમાં બે સહપાઠી મિત્રો હતા સમીર અને પ્રિયંક. બન્નેના પિતા સરકારી અધિકારી. સમીર અને પ્રિયંક બન્ને અભ્યાસમાં હોશિયાર. ચંદુ સાહેબ તેમને લગભગ અઠવાડિયે (કદાચ દર શનિવારે) રમાતી ક્રિકેટ મેચમાં કેપ્ટન બનાવતા. સમીર અને પ્રિયંક ચંદુ સાહેબને ત્યાં ટ્યુશને પણ જતા. એક વખત મને પણ થયું કે હું પણ સાહેબના ટ્યુશને જાઉં. સ્ટવ, ટોર્ચ, પેટ્રોમેક્સ, ફાનસ, વગેરેનું રિપેરિંગ કરીને અમારું પેટ ભરતા મારા પિતાએ હા તો પાડી પણ પછી ૫૦ રૂપિયાની ફી મોંઘી લાગી એટલે ટ્યુશન બંધ કરવું પડ્યું. એક મહિનો હું ટ્યુશને ગયો. મહિનાના અંતે ચંદુ સાહેબે નિશાળમાં જાહેર કર્યું, ‘આજે ઇમરાન કેપ્ટન બનશે.’ મેચ શરૂ થાય એ પહેલાં મેં એમને કહ્યું, ‘સાહેબ, હવેથી હું ટ્યુશને નહિ આવી શકું.’ પછી તેમણે મને કેપ્ટન બનાવવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો. 

ચંદુ સાહેબ એક-બે ધોરણ સુધી નહિ પણ લગભગ ધો.૪થી છેક ૭મા ધોરણ સુધી અમારા સાહેબ રહ્યા હતા. 

(લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી, ૨૦૨૧)

Wednesday, 15 July 2020

જૂની પેઢીના છેલ્લા સક્રિય કાર્ટૂનિસ્ટ જામી (૨ ડિસેમ્બર,૧૯૪૨-૧૧ જુલાઇ, ૨૦૨૦)

ઇમરાન દલ  dalimran@gmail.com 
કાર્ટૂનિસ્ટોની ખોટ ધરાવતા ગુજરાતમાં વર્ષોથી એકધારી ગુણવત્તા સાથે સામાજિક-રાજકીય કટાક્ષયુક્ત કાર્ટૂન આપતા રહેલા જામીનું ૭૭ વર્ષની વયે અવસાન થયું. તેમની કાર્ટૂન કારકિર્દી ૧૯ વર્ષની કાચી વયે શરૂ થઈ હતી. ‘રંગતરંગ’, ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોમાં તેમનાં વ્યંગચિત્રો પ્રગટ થવાં લાગ્યાં. પછી ગુજરાતનાં મુખ્ય ધારાનાં પ્રકાશનોની તેમની પર નજર પડી. 
રાજકોટના ‘જય હિન્દ’ અખબારની સાપ્તાહિક પૂર્તિમાં ‘કાર્ટૂન કોર્નર’ નામની તેમની કોલમ વર્ષો સુધી ચાલી. વર્ષ ૧૯૮૭થી ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરૂઆતના પાને ‘તિકડમ્’ શીર્ષક હેઠળ તેમનાં કાર્ટૂન શરૂ થયાં, જે તેમના જીવનપર્યંત સતત ચાલુ રહ્યાં. ઉપરાંત ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’, ‘દિવ્ય ભાસ્કર’માં તેમનાં પોકેટ કાર્ટૂન પ્રકાશિત થયાં. એ સિવાય તે અમુક સામાજિક મુખપત્રો, સંસ્થાની વાર્ષિક ડાયરીઓ માટે પણ કાર્ટૂન પૂરાં પાડતા. એક ડાયરી માટે તો એમનાં કાર્ટૂનનો અંગ્રેજી ‘અનુવાદ’ પણ કરવામાં આવ્યો હતો. તે કહેતા કે ‘સારા કાર્ટૂનિસ્ટ માટે ત્રણ ગુણનો સમન્વય જરૂર છે: ચિત્રકાર, પત્રકાર અને વ્યંગકાર.’ 
કટોકટી પછીના મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ સરકારે ૧૦ મહિનાના લાંબા સમયગાળા પછીય કોઈ નોંધપાત્ર કામગીરી ન કરી ત્યારે તેમણે એક કાર્ટૂન બનાવેલું, જેમાં મોરારજી દેસાઈનું પેટ ફુલેલું જોઈને સામાન્ય નાગરિક પૂછે છે, ‘‘હવે કોઈ સારા ડૉક્ટરને બતાવો તો કાંઈક પરિણામ આવે.’’ આ કાર્ટૂને ખાસ્સી ચર્ચા જગાવી હતી. જામી કહેતા, ‘‘જેનામાં પત્રકારત્વની દૃષ્ટિ હોય એ જ કાર્ટૂનિસ્ટ બની શકે. પરંતુ કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતા નથી. કહો કે ગણવા માગતા નથી. મને પણ એવોર્ડ હાસ્યલેખકોની શ્રેણીમાં અપાયો. હકીકતે કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય છે.’’ જામીનાં થોકબંધ કાર્ટૂન તેમની આ વાતની સાક્ષી પૂરે છે.
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આરબ પરિવારમાં જન્મેલા આવદ હસન જામી ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. જૂની મેટ્રિક સુધી ભણ્યા બાદ ડ્રોઇંગ ટીચરનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૬૨થી ધ્રોલના અધ્યાપન મંદિરમાં ચિત્રશિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વર્ષ ૧૯૬૮થી ૨૦૦૧ સુધી જામનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં અને વર્ષ. ૨૦૦૧થી ૨૦૦૩ સુધી રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે રહ્યા.
ધ્રોલમાં અમારા ઘર નજીકની શેરીમાં જ જામી કુટુંબનું ઘર. કાર્ટૂનિસ્ટ જામીના લઘુબંધુ જેમને અમે મેસનકાકા કહીએ છીએ, તે વનવિભાગમાં નોકરી કરતા. મેસનકાકા પણ ચિત્રકાર. ખાસ કરીને તૈલચિત્રો બનાવે. એમનાં ચિત્રોને અમે વખાણતાં, ત્યારે ઘરમાં વડીલો કહેતા, ‘‘એના મોટા ભાઈ તો એથીય મોટા કલાકાર છે.’’ એવું પણ સાંભળવા મળતું કે જામીસાહેબનોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે ઇન્ટરવ્યૂ લેનારનું ચિત્ર બનાવી, એને પ્રભાવિત કરી દીધા હતા. અમારા આડોશપાડોશમાં કાર્ટૂનિસ્ટ જામી ‘મોટા જામીસાહેબ’ તરીકે ઓળખાતા. 
હું હજી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વાર કોઈ પ્રસંગે તેઓ ધ્રોલ આવ્યા હતા. પહેલી વાર વાતચીત કરી ત્યારે સંકોચ સાથે મેં એમને કહ્યું, ‘મને ચિત્રકલામાં રસ છે.’ તે ભારે અવાજમાં આસ્તેથી બોલ્યા, ‘કાર્ટૂન બનાવને, કોઈ બનાવતું નથી.’ વતનમાં જ પછીની મુલાકાત વખતે એમના ઘરની શેરીમાં પ્રવેશતી વખતે ‘આવ’ કહીને તેમણે પીઠ પર હાથ મૂક્યો અને અંદર લઈ ગયા. તેમનો પોશાક સામાન્ય હતો. પેન્ટ અને શર્ટ. સ્મોકિંગ કરતા. ઊંચાં કદકાઠીના હતા, અવાજ વજનદાર. સ્વભાવે એકદમ સરળ અને હસમુખા. ગુજરાતમાં વિદ્યમાન કાર્ટૂનિસ્ટમાં તેમને દેવ ગઢવી ગમતા. એમને યાદ કરીને કહેતા, ‘તેઓ તો સંગીત તરફ વળી ગયા. હવે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં તેમણે પ્રિય કાર્ટૂનિસ્ટ તરીકે સુધીર દરને ગણાવ્યા હતા જામી પોતાની આગવી શૈલીના કુશળ કાર્ટૂનિસ્ટ હોવા છતાં તેમની વાતોમાં હુંપદ બિલકુલ ન સંભળાતું. 
વર્ષ ૨૦૦૮માં હું ભુજમાં ‘આજકાલ’ દૈનિકમાં નોકરી કરતો ત્યારે એક કાર્યક્રમ માટે તે કચ્છ આવ્યા હતા. કાર્યક્રમ બાદ મેં તેમનો ઇન્ટરવ્યૂ કરેલો. આજે ખરા સમયે જ તેનું કટિંગ ઘરમાં શોધખોળ કર્યા છતાં હાથ ન લાગ્યું. અલબત્ત, મારી ડાયરીમાં એનું શીર્ષક નોંધેલું વંચાય છે: ‘ગુજરાતી પત્રકારત્વમાં કાર્ટૂનકલાનું ભાવિ ધૂંધળું લાગે છે: કાર્ટૂનિસ્ટ જામી’.

(આ લેખ વિચારપત્ર ‘નિરીક્ષક’ સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિના તા.૧૩ જુલાઈ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત થયો હતો.)

Thursday, 20 September 2018

ઔકાળવી, રબ્બાની, હાફિઝજી અને ધ્રોલ

એક સમય એવો હતો જ્યારે દરેક સબીલ પર મૌલાના શફી ઔકાળવી અને મૌલાના અબ્દુલ વહીદ રબ્બાનીની તકરીરની કેસેટો વાગતી. (બન્ને પાકિસ્તાની) એ જમાનો ટેપનો હતો. શફી ઔકાળવીનો સ્વર મધુર હતો. બયાનની એમની મૌલિક છટા હતી. અશઆર અને કુર્આનની આયતો તેઓ તરન્નુમમાં પેશ કરતા. આમ તો બીજા વિષયો પર પણ તેમણે બયાન આપ્યા હશે પણ અહીં આપણે ત્યાં તેમની ઓળખ મોહર્રમ માટે ફિક્સ હતી. શફી ઔકાળવીનો અવાજ કાને પડે એટલે દરેક મિયાંભાઈને ખબર પડી જાય કે, મોહર્રમ મહિનો બેસી ગયો. મોહર્રમ સાથે એમની તકરીરની ઇમેજ એટલી હદે જોડાયેલી હતી કે, અન્ય મહિનામાં એમને કોઈ સાંભળતું જ નહીં અને કોઈ કેસેટ વગાડે તોય અજૂગતું લાગતું, કોઈ ન વગાડવાની પણ સલાહ આપે, જાણે કે ઇમામ હુસૈનને તો બસ મોહર્રમમાં જ યાદ કરાય! ઔકાળવી અને રબ્બાનીની શૈલી વચ્ચે હાથી અને ઘોડા જેટલો ફેર હતો. રબ્બાનીની લઢણ થોડે અંશે કડવે પ્રવચન જેવી હતી, જોકે એ લઢણમાં નિરાશાજનક કડવાશ હોવાનું યાદ નથી.
રબ્બાની વચ્ચે વચ્ચે ‘મુલ્તાન કે મેરે હુસૈની નૌજવાનોં...’  જેવો લલકાર કરીને શ્રોતાઓને પાનો ચડાવતા જાય, ‘લોહા થા તો સપીકર બના, મટ્ટી થી તો આદમ બના’ જેવી જોડકણાં ટાઇપ દલીલો વડે ભલાભોળા સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી નાખતા. સ્પીકરને તેઓ સપીકર કહેતા. ઔકાળવી કરબાલનો કિસ્સો એક કથાની જેમ સળંગ રજૂ કરતા, જ્યારે રબ્બાની કરબલાના ખૂની મંઝરની કોઈ એકાદ ક્ષણને લડાવીને પેશ કરતા. (રબ્બાની એક નઝ્મ સંભળાવતા: ‘હરી હૈ શાખ-એ-તમન્ના અભી જલી તો નહીં-’ એની એક જ લાઇન યાદ હતી, એના આધારે સર્ચ કરતાં આખી રચના ગૂગલ પરથી મળી આવી. પણ ઘણી કોશિશ છતાં એના રચયિતાનું નામ મળી ન શક્યું. ખુદને રેખ્તાના ઉસ્તાદ સમજતા અમુક કવિ હજરાતનો પણ રાબ્તો કર્યો. તેમણે પણ લાઇલ્મી ઝાહિર કરી. આવી કડક લાકડા જેવી લાઇનો કોણે લખી હશે?)
કરબલાની વાત આવી છે તો ઔકાળવી અને રબ્બાનીની જેમ ધ્રોલમાં ત્રીજી હસ્તી પણ લોકપ્રિય બની. એમનું નામ હાફિઝ આદમ. હાફિઝજી આમ તો ભરૂચ પંથકના પણ યુવાનીથી તેઓ ધ્રોલમાં છે. મોહર્રમમાં તેમનું વાએઝ હોય એટલે હકડેઠઠ લોકો મેમણચોકમાં ઉમટી પડે. ઇમામ હુસૈનની શહાદત વિશે તેમનું બયાન એટલી હદે કરુણ રહેતું કે, શ્રોતાઓની આંખમાં આંસુ આવી જતા. ભરૂચ પંથકના હોવા છતાં તેમની ઉર્દૂ જુબાનમાં માધુર્ય એટલી હદે કે, કેટલાક હિન્દુ અને વ્હોરા બિરાદરો પણ એમને સાંભળવા આવતા હોવાનું સાંભળ્યું છે. હાફિઝજીનો કંઠ એટલો મધુર કે, એમણે પઢેલી નાત, મન્કબત પણ ઘરેઘરે દુકાનેદુકાને સબીલેસબીલે સંભળાતી. એ સમયની સૌથી મોટી નિરાંત એ હતી કે સ્પીકરમાં બાસ નહોતા. વોલ્યૂમ માપમાં રહેતું. હવે જુદા-જુદા ભાતભાતના અવાજો કાને પડે છે, પડ્યા ભેગા જ ખરી પડે છે.

આજ બસ ઇતના હી.  

લખ્યા તારીખ: કતલની રાત

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...