Monday, 4 March 2024

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું. મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો, અધૂરો, ઉતાવળિયો અને કાચો અહેવાલ લખ્યો હતો, એ જેવો છે એવો, અહીં રજૂ કરું છું.)

ઇમરાન દલ (રાજકોટથી)

મિત્ર મહેન્દ્રભાઈ દક્ષિણી અને હું તા. 17 એપ્રિલની સવારે સાડા દસ વાગ્યાની આસપાસ યુનિવર્સિટીએ જવા નીકળ્યા ત્યારે મનમાં એમ હતું કે અમે મોડા પહોંચીશું, પણ ગુજરાતી ભવને પહોંચ્યા ત્યારે હાશકારો થયો. પોણા અગિયાર થયા હતા, હજી શિબિર શરૂ થવાને વાર હતી. શિબિર સ્થળે ગરમાગરમ, હાથમાં પકડી પણ ન શકાય એવી પ્યાલી સાથે અમારું સ્વાગત થયું. રજિસ્ટરમાં નામ અને મોબાઈલ નંબરની નોંધ કરી, હાજરી પુરાવી, ઓડિયન્સમાં અમે અમારું સ્થાન લીધું. થોડી વાતચીત કરી.  શિબિરાર્થીઓ પણ ધીમે ધીમે આવી રહ્યા હતા, થોડી જ વારમાં રાજુ પટેલ આવી પહોંચ્યા: અબ આયેગા, મજા

શિબિર દરમ્યાન રાજુ પટેલ. તસવીર: ઇમરાન દલ


રાજુના આગમન પહેલાં સૌએ પોતાનો ટૂંકો પરિચય આપી દીધો હતો, (એટલો ટૂંકો કે અમુકે તો માત્ર ઊભા થઈને પોતાનું નામ જ કહ્યું!) એટલે ઇન્ટ્રોડક્શનની કોઈ ઔપચારિક વિધિ વિના રાજુ પટેલે વાતચીતનો દોર શરૂ કર્યો. વાર્તા એટલે શું? તમે શા માટે વાર્તા લખવા માગો છો? વાર્તા કોને કહેવાય? વગેરે જેવા પ્રાથમિક પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવા પ્રતિપ્રશ્નો કરતાં કરતાં શિબિરાર્થીઓ પાસેથી ઉત્તરો-પ્રત્યુત્તરો પ્રતિભાવો મેળવ્યા.

વાર્તામાં સત્ય ઘટના કઈ રીતે સ્થાન મેળવી શકે? અથવા સત્ય ઘટનાઓ ઉપરથી વાર્તા કઈ રીતે વાર્તા બની શકે? એની ઉદાહરણ સાથે તેમણે ચર્ચા કરી: મુંબઈની ચિકાર ભીડ ધરાવતી બજારમાંથી હું પસાર થયો ત્યારે એક સ્ત્રી પ્રેમપૂર્વક એક પુરુષને પોતાના ડબ્બામાંથી ચમચી વડે કોઈ વાનગી ખવડાવતી હતી. જ્યાં લોકો એકબીજાને હાય, હલ્લો કરવાનું પણ પસંદ ન કરે, સામે પણ ન જુએ, એવા સ્થળે જોવા મળેલું આ દૃશ્ય મારા હૃદયને સ્પર્શી ગયું. જીવનમાં જોવા કે અનુભવવા મળતી આવી ઘટનાઓ જે આપણી સંવેદનાને સ્પર્શી જાય એ વાર્તા-સર્જન માટે ઉપયોગી બને છે. અગત્યનું એ છે કે તમને શું ગમે છે, જે લખવા માટે પ્રેરે: તમે પચાસ વાર્તા વાંચી, એમાંથી કઈ વાર્તામાંથી તમને શું ગમ્યું. એ ગમ્યું તો શા માટે ગમ્યું? એનો ઉત્તર મેળવવાથી વાર્તા લખવાની દિશા મેળવી શકાય. લોકોને શું ગમશે એ નહિ, તમને શું ગમે છે, શું સ્પર્શે છે? એ નક્કી કરશે કે તમારે શું લખવું? લોકોને શું ગમે છે એ વિચારીને લખશો તો તમે વેપારી બની જશો.

વિવિધ દૃષ્ટાંતો અને ઉદાહરણો અને કલ્પનાઓ અને કાલ્પનિક હકીકતો અને વાસ્તવિક કલ્પનાઓને વણીને વાર્તાચર્ચા અંગે રાજુનું વક્તવ્ય ચાલતું હતું, વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી પણ થતી રહી. શ્રોતાઓની અપેક્ષા શી છે, એ અંગે બહુ પ્રશ્નો કોઈએ ન ઉઠાવ્યા એટલે થોડી અકળામણ જેવું લાગ્યું. એ દરમ્યાન જયેશ રાષ્ટ્રકૂટે એક લાંબો પ્રશ્ન કર્યો કે અહીં બેઠા છે એમને વાર્તાનું સ્વરૂપ, પાત્રલેખન, પરિવેશ, સંવાદ, કથાવસ્તુ સહિતનાં પાસાંઓ, વાર્તાનો ઇતિહાસ, ભારતીય વાર્તા, ગુજરાતી વાર્તા, વિદેશી વાર્તાઓની વિશિષ્ટતાઓ વગેરે બધું જ જાણવું છે... તો ભગવાનભાઈ થાવરાણીએ પૂર્વે સવાલ ઉઠાવ્યો હતો કે ઘટના વિનાની પણ વાર્તાઓ હોય છે, એની પણ ચર્ચા થવી જોઈએ. જયેશના પ્રશ્નનો રાજુએ એ રીતે ઉત્તર આપ્યો કે, જે માહિતી ઇન્ટરનેટ, ગૂગલ ઉપર ઉપલબ્ધ છે, એની અહીં ચર્ચા નહીં કરીએ, જ્યારે ભગવાનભાઈના પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે, આ ઉત્તર નથી છતાં આપી રહ્યો છું કે, વાર્તા લખવી એ પોતે જ એ ઘટના છે.---

વક્તવ્યના આરંભમાં જ રાજુએ કહેલું કે મારા ઉપરાંત બે વ્યક્તિ આવશે. મુંબઈથી અન્ય એક વ્યક્તિ વિશેષ પણ અહીં આવશે, (જેમનું નામ તેમણે જાહેર નહોતું કર્યું) બીજાં તે ‘વારેવા’ વાર્તા સામયિકનાં સંપાદક છાયા ઉપાધ્યાય. કાર્યક્રમ શરૂ થયાના થોડા સમયમાં જ લેખક, વાર્તાકાર, નવલકથાકાર નીલેશભાઈ રૂપાપરાનું આગમન થયું. તેમને આગ્રહ કરવામાં આવ્યો પણ તેમણે સ્ટેજને બદલે શ્રોતાઓની વચ્ચે જ બેસવાનું પસંદ કર્યું. થોડી મિનિટો બાદ છાયા ઉપાધ્યાય પણ આવી પહોંચ્યાં. છેક આણંદથી ટ્રેનમાં લાંબી મુસાફરી કરીને હજી હમણાં જ રાજકોટ પહોંચ્યાં હોવા છતાં તેમના ચહેરા ઉપરની તાજગી તેમના સ્મિતમાં જોવા મળી.

વાતચીતના દોર વચ્ચે શ્રોતાઓમાં કેટલીક મૂંઝવણો જણાતા અથવા તો રાજુ પટેલ શું અને શા માટે કંઈક કહે છે? પૂછે છે? એ અંગે કશીક દ્વિધા જણાતા વચ્ચે પ્રો. સનત ત્રિવેદીએ ઊભા થઈને કહેવું પડ્યું કે આપણે એમને (રાજુને) સમજવાનો, એમના પ્રયાસને સમજવાનો પ્રયાસ કરીએ, એઓ આપણને જે સમજાવવાની કોશિશ કરે છે એને સમજીએ... અને ફરી વાતચીતનો દોર આગળ વધ્યો અને ફરી આગળ જતાં ત્રિવેદી સાહેબે રાજુ વતી બે શબ્દો કહી એમને સમજવા-કોઓપરેટ કરવા શિબિરાર્થીઓને સમજાવ્યું, ત્યારે નીલેશભાઈ રૂપાપરાએ કહ્યું, ‘રાજુને અહીં બેઠેલા લોકો સમજી નથી શકતા એવું ન સમજી લઈએ, તેઓ એમને સમજી શકશે, એ એમના ઉપર છોડીએ... સમજવા દઈએ...’ અને ફરી વાતચીત આગળ ચાલી અને ત્યાં લંચ બ્રેક પડ્યો.

શિબિરમાં બ્રેક દરમ્યાન નિરાંતની પળે નીલેશ રૂપાપરા (ડાબે) અને રાજુ પટેલ. તસવીર: ઇમરાન દલ

(અહેવાલમાં અહીંથી આગળ અડધું બોક્સ બનાવીને સાડા ત્રણ લીટીઓ લખેલી વંચાય છે. એટલું લખાણ નીચે બે ફૂદરડીઓ વચ્ચે મૂક્યું છે.)

*પરિચયનો વિધિ ટાળવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં રાજુએ કહ્યું કે તમે ચોર હો, ડાકુ હો, લૂટારા હો, ખૂની હો, કે ખીસ્સાકાતરુ એથી કશો ફરક પડતો નથી....*)

૦ લંચ બ્રેક પહેલાં એક સિચ્યુએશન આપી, વાર્તા લખવાનો ટાસ્ક આપ્યો, પણ લંચ પત્યા પછી કોઈ પાસેથી એ વાર્તા માંગવામાં આવી નહિ.

૦ ચર્ચા દરમ્યાન રાજુએ કહ્યું, ‘તમે કોઈ એક વ્યક્તિને નફરત કરો, એનું કારણ જણાવો અને પછી એ વ્યક્તિને જસ્ટીફાય કરો.’ આ કસરત પાછળ કારણ એ હતું કે તમે વ્યક્તિ તરીકે કોઈને ભલે નફરત કરો પણ સર્જક તરીકે કોઈને નફરત કરી શકતા નથી.

૦ લગભગ ૪:૧૫ વાગ્યા દરમ્યાન આયોજકોએ છાશ મંગાવી અને સૌએ આકંઠ અમુલની છાશ પીધી.

વીસેક મિનિટ નિલેશ રૂપાપરા બોલ્યા, મને બોલતા ફાવતું નથી, સ્ટેજ ફિયર છે -એમ કહ્યું, પણ છતાં સરસ બોલ્યા. સર્જન-પ્રક્રિયા અંગે શ્રોતાઓને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા. બાદમાં એમની વાર્તા............નું પઠન શ્રદ્ધા ભટ્ટે કર્યું અને એ વાર્તા વિશે થોડી ચર્ચા પણ થઈ.

૦ છાયા ઉપાધ્યાયે વારેવા સામયિક વિશે માહિતી આપી અને ઉદ્દેશ સમજાવી, લવાજમ ભરવા હાકલ કરી.

(આ કથિત અહેવાલ, ડાયરીમાં જ્યાંથી શરૂ થાય છે એના આગળના પાને, મથાળે ચોકઠું ચીતરીને એમાં ‘ફરીથી રિરાઇટ’ એવું લખેલું છે. બાજુમાં RAJU લખેલું છે અને એની નીચે તારીખ આ મુજબ લખેલી છે: 17/05/2022. પહેલી લીટીમાં નીલેશ રૂપાપરાનું નામ લખેલું વંચાય છે અને એની નીચે, નીચે મુજબનાં વાક્યો, સ્ટાર સાથે લખેલાં છે, એ કદાચ નીલેશભાઈએ કહ્યાં હોય એવું હું માનું છું.)

*પાત્રની નાનામાં નાની ડિટેઈલ ખબર હોવી જોઈએ.

*વાર્તા એ ભાષાનો અભિનય છે.

*તમારે એવા પ્રયાસ કરવાના છે કે તમે પ્રયાસ કરો છો એ ન સમજાય

*વાર્તા તમને કોઈ શીખવી ન શકે, અલબત્ત તમે પોતે ધારો તો શીખી શકો છો!

(ઉપરની ચાર લીટીઓ જે પાના પર છે એનાથી આગળના પાના પર ‘વાર્તા’ શબ્દના મથાળા સાથે નીચે મુજબ કોઈ વાર્તાના પ્રારંભ જેવું લખાણ વંચાય છે, જે શિબિરમાં આપવામાં આવેલી કોઈ સિચ્યુએશન પ્રમાણે લખ્યું હોવાનો સંભવ છે.)

જયુ જ્યારે હોલની બહાર નીકળ્યો ત્યારે મોટા ભાગના શ્રોતાઓને કશો ફરક ન પડ્યો પણ વક્તા વીરુના ચહેરાની રેખાઓ સહેજ બદલાઈ ગઈ. પ્રવચન હજી પા ભાગનું પણ પૂરું નહોતું થયું ત્યાં તેનું આમ ચાલ્યા જવું વીરુને ખટક્યું. તેનો વાક્પ્રવાહ પણ થોડો ખોરવાયો. પીઠ પાછળ ફેલાયેલા કાબરચીતરા વાળને તેણે પાછળ ઝાટક્યા અને પછી વાળનો ડૂચો વાળીને માથા ઉપર અંબોડી બાંધી લીધી. ચા પીવાની તેને તલપ લાગી હતી, પણ તે બોલવા ગયો, તો તેનાથી પાણી મંગાઈ ગયું. આજે પાણીનો સ્વાદ એને બોદો લાગ્યો.

(અધૂરો અહેવાલ અહીં સમાપ્ત થાય છે. શિબિરની તારીખ અંગે આ લખનારને શંકા છે. વલ્લાહો આલમ.)

Monday, 2 January 2023

સજા-એ-મોતથી બચવા જેણે ચાલાકીપૂર્વક જેલવાસ લંબાવ્યો

નિર્મમ ખૂની ચાર્લ્સ શોભરાજ
કેટલાક લોકો સંજોગોને કારણે ગુનાખોરીના રસ્તે પડે છે તો કોઈ અપરાધને પોતાનો ધર્મ બનાવી લે છે. આવા અપરાધીઓ પોતાની ગેંગમાં જે જોડાય તેને શિષ્ય બનાવી, ખુદને ગુરુપદે સ્થાપી દે છે. ચાર્લ્સ શોભરાજની કહાની આવી જ છે. તે ગુનાને ગુનો માનીને ચાલ્યો જ નથી. તેણે અનેક સ્થળે કહ્યું છે કે "હું એવું કંઈ નથી કરતો, લોકો સાથે વાત કરું અને તેઓ મારી જાળમાં ફસાઈ જાય છે અને બાકી બધું પ્રેમથી પતી જાય છે."

ચાર્લ્સ શોભરાજ વિશ્વનો એકમાત્ર એવો ચોર, ઠગ અને ખૂની છે જેને એક ફિલ્મી સિતારા જેવી લોકપ્રિયતા મળી. જિંદગીના મોજશોખ પૂરા કરવા માટે બેસુમાર દોલત મેળવવા માટે પોતાની બુદ્ધિશક્તિ, આત્મવિશ્વાસ, ઉત્સાહ અને ચુંબકીય વ્યક્તિત્વ વડે સામેવાળા માણસને સંમોહિત કરી તે પોતાનું ધાર્યું કામ પાર પાડતો; એવું કરતી વખતે તે હત્યા કરતા પણ ખચકાતો નહિ. 

હમણાં જ નેપાળના બેવડી હત્યાના ગુનામાં તેને થયેલી ૨૦ વર્ષની સજા પૂરી થવાને એક વર્ષ બાકી હતું ત્યાં જ તે કાઠમંડુની જેલમાંથી આઝાદ થયો. જેલમાંથી છૂટ્યા બાદ તેને તેના દેશ ફ્રાન્સમાં મોકલી આપવામાં આવ્યો. નેપાળની જેલમાંથી મુક્ત થતા જ જગતભરમાં ફરીવાર તેના ગુનાહિત ઇતિહાસને યાદ કરવામાં આવી રહ્યો છે. એક નિર્મમ ખૂની હોવા છતાં તેના વ્યક્તિત્વ અને જીવનના એવાં કેટલાંક પાસાં છે જેના કારણે તે આજે પણ લોકોમાં કુતૂહલ જન્માવે છે.

ભારતને આઝાદ થવાની હજી ત્રણ વર્ષની વાર હતી એવા સમયે શોભરાજ ભવનાણી નામનો એક ભારતીય વેપારી વિયેતનામ પહોંચ્યો. આ વેપારી અને વિયેતનામમાં દુકાન ચલાવતી એક મહિલા વચ્ચે પ્રેમ પાંગર્યો. બન્ને લગ્ન કર્યા વિના પતિપત્નીની જેમ રહેવા લાગ્યા. તેમને ત્યાં ૧૯૪૪ની ૬ઠ્ઠી એપ્રિલે એક દીકરાનો જન્મ થાય છે. આ દીકરો એટલે ચાર્લ્સ. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં સંબંધ વણસ્યો. એક દિવસ શોભરાજ ભવનાણી પત્ની અને પુત્ર ચાર્લ્સને છોડીને ભારત જતો રહ્યો. 

ચાર્લ્સ સાવ નાનો હતો. તેની માતા ફ્રેન્ચ આર્મીમેન લેફ્ટનન્ટ જે વિયેતનામની બોર્ડર પર ફરજ પર હતો, એના પરિચયમાં આવી. બન્ને વચ્ચે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કર્યા. તેની સાથે માતાપુત્ર ફ્રાંસના પેરિસમાં આવ્યા. આ રીતે ચાર્લ્સ શોભરાજ ફ્રાન્સનો નાગરિક બન્યો. પેરિસના વસવાટ દરમિયાન ચાર્લ્સની માતાને આર્મીમેન થકી પુત્રનો જન્મ થાય છે. આ રીતે ચાર્લ્સને સાવકો ભાઈ મળ્યો. બાળપણથી જ તેને એવું લાગતું કે પહેલાં સગા પિતાએ દગો દીધો, પછી સાવકો પિતા ધ્યાન નથી રાખતો અને હવે સાવકા ભાઈનો જન્મ થતાં સાવકા પિતાએ અંતર બનાવી લીધું. હું સાવકો છું એવા વિચારોને લીધે તે હંમેશાં પોતાના ઘર પરિવારથી કપાયેલો રહેવા લાગ્યો. આ અલગાવ તેને ગુનાખોરી તરફ દોરી ગયો.

પહેલો ગુનો અને પહેલી જેલ

ચાર્લ્સ શોભરાજે પહેલો ગુનો પેરિસની પાસે આચાર્યો ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષની આસપાસ હતી. તેણે કાર ચોરી હતી જે ગુનામાં તેને આઠ માસની જેલ થઈ. જેલમાં કેટલાક લોકો સુધારણા માટે આવતા. આવા એક આદમી સાથે તેને સંપર્ક થયો. તે અત્યંત ધનાઢ્ય હતો. ચાર્લ્સ તેનાથી ઘણો પ્રભાવિત થયો. જેલમાંથી છૂટ્યો એટલે તેને મળવા ગયો. જોકે એ માણસ તો ગુનેગારો સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો તેના મારફતે ધીમે ધીમે ચાર્લ્સ પેરિસના ગુનેગારો, માફિયા, ડ્રગ્સ પેડલર વગેરેના સંપર્કમાં આવ્યો. ગુનાખોરીના રસ્તે વળેલો ચાર્લ્સ ફરી એકવાર પકડાયો. પ્રથમવાર પકડાયો ત્યારે જેલની તેને બીક લાગી હતી પણ કાચી વયે તેણે જેલ જોઈ લીધી હોવાથી પહેલા જેવી બીક રહી નહોતી. કારચોરી, ડ્રગ્સની હેરાફેરી આ બધી કરતુતો વચ્ચે તેને પારસી યુવતી સાથે પ્રેમ થયો. 

ક્રમશઃ વધતી ગુનેગારી વચ્ચે તે ફ્રેન્ચ પોલીસની નજરમાં આવ્યો એટલે પકડાઈ જવાની બીકે તેણે ફ્રાન્સ છોડી દીધું. તેની પાસે બેહિસાબ નાણું હતું. જેલમાં જે માણસ સુધારણા માટે આવતો તેણે તેને ભાગવામાં મદદ કરી. તેની પાસેથી એક કાર મેળવી બધા પૈસા તેમાં ભરીને ચાર્લ્સ બોર્ડર પાર કરીને પાડોશી દેશમાં ગયો અને ત્યાંથી ફરતો ફરતો ૧૯૬૯માં પહેલીવાર તે ભારત પહોંચ્યો. અહીં તે મુંબઈ સ્થાયી થયો. તેની ગર્ભવતી પત્નીએ પુત્રીને જન્મ આપ્યો. 

ચાર્લ્સ મુંબઈમાં પણ કારચોરીના ધંધામાં લાગી ગયો. ધીમે ધીમે તેણે સંપર્કો એટલા વધાર્યા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાંથી કારની ચોરી કરતો અને એને સીમા પાર કરાવતો સાથે નશીલા પદાર્થનો પણ કારોબાર ચલાવતો. કહેવાય છે કે તે હથિયારની હેરાફેરી પણ કરવા માંડ્યો હતો. તેના કામ કરવાની પદ્ધતિ સાવ સરળ અને સાદી હતી. તે જ્યાં જેની જરૂર પડતી તેમની સાથે ઘણા પ્રેમથી વાત કરતો અને પૈસાથી વ્યવહાર કરતો એટલે તેનું કામ ખૂબ આસાનીથી થઈ જતું.

ચતુરાઈ તેને નૈસર્ગિક રીતે મળેલી હતી. આત્મવિશ્વાસુ હતો. ભાષાઓ શીખવાનો તેને જબરો શોખ હતો. અંગ્રેજી, ફ્રેંચ, હિન્દી ઉપર પકડ હતી. જે તે દેશના કાયદાઓ પણ તે સારી રીતે જાણતો લોકોની માનસિકતા પારખીને પોતાના ફાયદા સારું કઈ રીતે તેનો ઉપયોગ કરવો એની કુનેહ તેનામાં જબરદસ્ત હતી.

૧૯૭૩માં કારચોરીના મામલે તે મુંબઈ પોલીસના ધ્યાનમાં આવ્યો. એક વખત હાથમાં પણ આવ્યો પણ પછી મુંબઈ પોલીસે તેને છોડી દીધો. બાદમાં તે દિલ્હી પહોંચ્યો. ફાઇવ સ્ટાર હોટલ અશોકાના ઉપરના માળે એક જ્વેલરી શોપ હતી. તેને પૈસાની જરૂર હતી એટલે તેણે આ શોપમાં ખાતર પાડવાનું નક્કી કર્યું. તે હોટલમાં રોકાયો અને રાત્રિના સમયે જ્વેલરી શોપમાં ખાબકીને કીમતી ઘરેણા અને નાણાનો સફાયો કર્યો. બાદમાં તેની પત્ની સાથે ત્યાંથી નીકળી મુંબઈ જવા માટે દિલ્હી એરપોર્ટ પહોંચ્યો. એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા કર્મીઓને તેના બેગ ઉપર શંકા ગઈ. ખોલીને જોયું તો એમાંથી આભૂષણો મળ્યા. શંકા પ્રબળ બની. ચાર્લ્સને થયું કે પોતે પકડાઈ જશે એટલે ત્યાંથી સરકી ગયો પરંતુ પોલીસે તેને પકડી લીધો. પહેલીવાર તિહાડ જેલમાં ગયો. ત્યાં પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ તેણે બીમારીનું બહાનું બનાવ્યું અને હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં પોલીસને ચકમો આપીને તે ફરાર થઈ ગયો. દિલ્હીમાં જ રહેલી પત્નીને સાથે લઈને તે કાબુલ પહોંચ્યો.

કાબુલ ગયા બાદ પણ ગુનાખોરી આચરી. પોતાની ફ્રેન્ચ રાષ્ટ્રીયતા અને ભાષાને કારણે હિપ્પી, સહેલાણીઓ, ડ્રગ્સમાં રસ ધરાવતા પ્રવાસીઓ સાથે સરળતાથી ભળી જતો. તેમને નશાપ્રેરક દવા કે ઝેર પીવડાવીને લૂંટી લેતો. તેમના પાસપોર્ટ પણ તફડાવી લેતો. કાબુલ પોલીસે તેને પકડ્યો પણ કોઈ રીતે ત્યાંથી પણ તે છટકી ગયો હતો. 

બિકીની કિલર તરીકે કેમ ઓળખાયો?

કાબુલથી તે બેંગકોક, થાઈલેન્ડ, પટાયા બીચ પર ગયો ત્યાં બે ત્રણ છોકરા અને એક છોકરી સાથે મળીને તેણે ગેંગ બનાવી. પ્રવાસીઓને છેતરીને લૂંટવાનું શરૂ કર્યું. અહીં પહેલીવાર તે સમાચારની દુનિયામાં ચમકવાનો હતો. ૧૯૭૪-૭૫માં જ્યારે તેણે થાઈલેન્ડમાં વિદેશી પ્રવાસીઓને એક પછી એક નિશાન બનાવ્યા એ સાથે જ વૈશ્વિક ગુનાખોરીમાં તેનું નામ ચમકી ગયું. ડ્રગ્સ દઈને કે ગળું દબાવીને અથવા સળગાવીને સેલાણીને મોતને ઘાટ ઉતારવા એ એને મન રમત વાત બની ગઈ. ૧૯૭૫ દરમિયાન પટાયા સાગર કિનારે ઘણી બધી યુવતીઓ અને કેટલાક યુવાનોના શબ મળ્યા હતા. 

દરેક કુખ્યાત ગુનેગારની જેમ ચાર્લ્સ શોભરાજ પણ કેસા નવા, માફિયા, જાલસાઝ, ચોર, ઠગ, લુટારો, ખૂની, હત્યારો સાંપ જેવા નામે પણ ઓળખાતો. અખબારીની દુનિયામાં એનું એવું જ એક નામ વધુ જાણીતું બન્યું એ હતું ‘બિકીની કિલર’. 

વાત જાણે એમ હતી કે ૧૯૭૫ આસપાસ સૌપ્રથમ એક યુવતીની લાશ એક તળાવમાંથી મળી. તેણે બિકીની પહેરી હતી. તેનું ગળું દાબીને હત્યા કરવામાં આવી હતી. એ કેસ હજી વણઉકેલ હતો ત્યાં અન્ય એક તળાવમાંથી બીજી યુવતીનો મૃતદેહ મળ્યો. તેણે પણ બિકીની પહેરી હતી. શરૂઆતની તપાસમાં હત્યારો કોણ એ વિશે કંઈ ખબર ન પડી એટલે સમાચારની દુનિયામાં અજાણ્યો ખૂની બિકીની કિલર તરીકે જાણીતો બન્યો. બાદમાં ચાર્લ્સ શોભરાજની સંડોવણી બહાર આવી એટલે આ લેબલ તેને પણ લાગી ગયું.


કહેવાય છે કે ૧૯૭૩થી ૭૫ દરમિયાન તેણે થાઈલેન્ડમાં એકથી બે ડઝન પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે થાઇલેન્ડ પોલીસના હાથમાં આવી ગયો હતો પણ પુરાવાના અભાવે તે છટકી ગયો. થાઈલેન્ડમાં તેને જોખમ લાગ્યું એટલે ૧૯૭૫માં તે નેપાળ પહોંચ્યો ત્યાં તેણે કેનેડાની મહિલા અને અમેરિકાના નાગરિકની હત્યા કરી. કાઠમંડુથી ભાગી તે ભારત આવ્યો. અહીં ૧૯૭૬ની શરૂઆતમાં તે મુંબઈ, દિલ્હી અને ગોવામાં પ્રવાસીઓને લૂંટતો રહ્યો.

મૃત્યુદંડથી બચવા યુક્તિ વાપરી

દિલ્હીમાં એ સમયે ફ્રાન્સના વિદ્યાર્થીઓનો સમૂહ આવ્યો હતો. શોભરાજ તેમની સાથે હળીમળી ગયો. ત્રણને ડ્રગ્સનો ઓવરડોઝ આપ્યો. સદભાગ્યે બચી ગયા. શોભરાજ સામે ગુનો નોંધાયો. દિલ્હીમાં જ હોવાથી ૧૯૭૬ના જુલાઈમાં તેને પોલીસે પકડી લીધો. ગોવાનો કેસ પણ તેની સામે હતો. આ ઉપરાંત ૧૯૭૩ના વર્ષમાં સારવારના બહાને ફરાર થયો હતો એ ગુનો પણ તેની સામે હતો. આ પ્રકારે ત્રણ વર્ષ બાદ ત્રણ ત્રણ ગુનામાં તે પોલીસના હાથમાં આવ્યો. દરમિયાન બેન્કોકમાં તેણે કરેલી હત્યાઓ અંગે ત્યાંની પોલીસને પુરાવા મળ્યા હતા એટલે થાઈલેન્ડ સરકારે ભારત સરકાર સમક્ષ તેની સોંપણી કરવા માંગ કરી પરંતુ ભારતીય કાયદા મુજબ અહીંની ધરતી પર તેણે ગુનો આચાર્યો હોવાથી તેને પહેલા સજા ભારત આપશે એવું ઠરાવવામાં આવ્યું. તેની સામેનો મુકદ્દમો ચાલ્યો. સખત અને લાંબી સજા થવાની ધારણા હતી પરંતુ પૂરતા પુરાવાના અભાવે તેને માત્ર ૧૨ વર્ષની કેદ થઈ. ૧૯૮૮માં તે મુક્ત થવાનો હતો. પ્રથમવાર તેણે લાંબી કેદ ભોગવી. એ સિવાય તે પાંચ જુદાજુદા દેશોની જેલમાંથી ભાગી છુટ્યો હતો. 

તિહાડ જેલમાં તે ડાહ્યોડમરો થઈને રહેવા લાગ્યો. તેના ઉપર ખાસ નજર રાખવામાં આવતી છતાં તે ભાગે એવું જણાતું નહોતું. સતત દસ વર્ષ તેણે શિસ્તદ્ધ કેદી તરીકે વિતાવ્યા. ‘ગુનાખોરીની દુનિયા અત્યંત ખરાબ છે’ એવું પણ તે જેલમાં કહેતો. જેલ અધિકારીઓ-કર્મચારીઓ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા હતા. ભરોસો જીતી લેવો અને પછી પીઠ પાછળ ખંજર ભોંકવું એ તેની જૂની આદત હતી. તેના દિમાગમાં જુદી જ રમત ચાલી રહી હતી. ભારતની જેલમાં કોઈ પણ રીતે ૨૦ વર્ષ કાઢવાનો તેનો પ્લાન હતો. ૧૯૭૬માં પકડાયો, ૧૨ વર્ષની સજા એટલે ૧૯૮૮માં છૂટવાનો હતો. ભારતમાં તેની સજા પૂરી થાય એ સાથે જ થાઈલેન્ડ સરકારની માગણી પ્રમાણે તેને બેન્કોક પોલીસને હવાલે કરવાનો હતો. થાઇલેન્ડના કાયદા મુજબ તેને સીધી મોતની સજા થવાની હતી. પરંતુ થાઇલેન્ડમાં એક કાયદો એવો પણ છે જેની જોગવાઈ મુજબ ગુના માટેના વોરન્ટની સમય મર્યાદા ૨૦ વર્ષ સુધીની છે. ૨૦ વર્ષમાં એની બજવણી ન થાય, મુકદ્દમો પૂરો ન થાય, આરોપીની ધરપકડ ન થાય, એની સજાનું એલાન ન થાય, તો એ કેસ જાતે જ રદબાતલ ઠરે છે. શોભરાજના દિમાગમાં આ બધું ચાલતું હતું જે કોઈએ કદાચ વિચાર્યું પણ નહોતું અને તે તિહાડ જેલમાં આરામથી સજા કાપતો હતો. સૌ વિચારતા હતા કે ’૮૮માં તેનો છૂટકારો થવાનો છે, બલકે સારી વર્તણૂકને કારણે એકાદ વર્ષ વહેલો જ તેને મુક્ત કરવામાં આવે એવું પણ બને! જોકે તિહાડમાં ૧૦ વર્ષ પૂરા થયા એ સાથે તેણે તેના મનમાં ચાલતી રમતને અમલમાં મૂકી. 

કહેવાય છે કે તિહાડ જેલમાં તે ઠાઠમાઠથી જિંદગી જીવતો હતો. કારણ મબલખ રૂપિયો. જેલના નિયમોનું ચુસ્ત પાલન કરતો, કેદીઓ સાથે પણ સારું વર્તન કરતો. એટલે જેલસ્ટાફ અને સાથી બંદીવાનોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. ૧૯૮૬માં અચાનક ધીરે ધીરે તેણે નશીલી દવાઓ એકત્ર કરવા માંડી. એક દિવસ અઠવાડિયા પહેલાં તેણે જાહેર કર્યું કે, ‘મારો જન્મ દિવસ આવે છે, તો બધા જેલસ્ટાફ અને કેદી ભાઈઓ સાથે ઊજવણી કરીશ.’ સૌએ તેણે શુભકામના પાઠવી. જન્મ દિવસે તેણે સ્ટાફની મદદથી કેક અને લાડુ, જલેબી જેવી મીઠાઈઓ મંગાવી. આ બધા ખાદ્યપદાર્થોમાં તેણે નશીલી દવા ભેળવી દીધી. જેલમાં ચાર કેદી સાથે તેની ભાઈબંધી થઈ હતી, પણ તેણે પોતાના ષડયંત્ર વિશે એમને ગંધ આવવા દીધી નહોતી. જન્મદિવસની રાતે મિજબાની પહેલાં તેણે આ ચારેયને માત્ર એટલું કહ્યું, કે ‘તમે લોકો આમાંની કોઈ વસ્તુ ખાતા નહિ.’ બાદમાં ચાર્લ્સે તેની બેરેકના તમામ કેદીઓ તેમ જ બેરકથી માંડી મુખ્ય દરવાજા સુધીના તમામ સ્ટાફને પોતાના હાથેથી મીઠાઈ ને કેક ખવડાવ્યા. થોડીમાં દવાએ અસર કરી અને સૌ બેભાન થયા. બાદમાં શોભરાજ અને ચારેય મિત્રો આરામથી જેલની બહાર આવ્યા. તેની પાસે કેમેરા પણ હતો જેના વડે તસવીરો પણ લીધી! પોતે પેલા ચારેય મિત્રોથી અલગ થઈ ગયો. જેલમાંથી તેના ભાગવાના સમાચારે ભારે ખળભળાટ જગાવ્યો. પણ તે તો આરામથી દિલ્હીથી ગોવા પહોંચ્યો. બીચ પર રખડ્યો, કેસીનોમાં ગયો. વેશપલટો કરી, નામ બદલીને રહેવામાં તે કાબો હતો પણ ગોવામાં તેણે એવું કંઈ કર્યું નહિ! થોડા દિવસો બાદ ગોવાની જ એક હોટલમાં તેને જોવામાં આવ્યો. મુંબઈમાં તે હતો ત્યારના ત્યાંના એક પોલીસ અધિકારી પણ તેની શોધમાં હતા. કોઈએ તેમને બાતમી આપી એટલે તેમણે શોભરાજને પકડી લીધો. શોભરાજે ખુશીખુશી ધરપકડ વહોરી કારણ કે તેના મનની મુરાદ પૂરી થઈ હતી. તે ઇચ્છતો હતો કે જો ભારતમાં તેનો જેલવાસ લંબાય તો થાઇલેન્ડના મૃત્યુદંડથી બચી શકાય અને એવું જ થયું. તેને વધુ ૯ વર્ષની કેદ થઈ. ૧૯૮૬માં તેણે મુક્ત થવાનું હતું, એ સજા વધીને ૧૯૯૭ સુધી લંબાઈ. ત્યાં સુધીમાં થાઈલેન્ડના ગુનાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ! 

ભારતમાં તેની સજા પૂરી થતાં ૭ ફેબ્રુઆરી ૧૯૯૭માં તે જેલમુક્ત  થયો. ‘૭૬માં પકડાયો અને ‘૯૭માં છૂટ્યો એટલે પૂરા ૨૧ વર્ષ સુધી તિહાડ જેલમાં રહ્યો. આટલા લાંબા સમય સુધી જેલમાં રહેવાનો પણ તેણે તિહાડમાં વિક્રમ બનાવ્યો. તે ફ્રેન્ચ નાગરિક હોવાથી છૂટકારા બાદ ભારત સરકારે તેને ફ્રાન્સ ડિપોર્ટ કર્યો. ત્યાં સુધીમાં તે એટલો જાણીતો બની ચૂક્યો હતો કે ફ્રાન્સ પહોંચ્યો ત્યારે હિરોની જેમ લોકોએ એનું સ્વાગત કર્યું. લોકો તેની સાથે તસવીરો પડાવવા લાગ્યા. ત્યાં જ હોલીવૂડના એક નિર્માતાએ તેના જીવન ઉપર ફિલ્મ બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો. જેને સ્વીકારીને શોભરાજે રૂ.૯૦ કરોડની કમાણી કરી. એવું પણ કહેવાય છે મીડિયામાં ઇન્ટરવ્યુ આપવા માટે પણ તે પાંચ-પાંચ હજાર ડોલરની ફી વસૂલતો. ૧૯૯૭થી ૨૦૦૩ સુધી તે ફ્રાન્સમાં આનંદ અને શાંતિથી રહ્યો. બીજા કોઈ કેસ હતા નહિ. પણ હજી એક જેલવાસ તેને પોકારતો હતો. અચાનક ૨૦૦૩માં તે પોતાની પેરિસની આરામદાયક જિંદગી છોડીને નેપાળના કાઠમંડુ શહેરમાં પહોંચ્યો. ત્યાં હોટલમાં રહ્યો, કેસીનોમાં જુગાર રમતો. એક વખત જાહેરમાં ફરતો હતો એવામાં કોઈ સ્થાનિક પત્રકાર તેને જોઈ ગયો. તેણે તંત્રને જાણ કરી કે ચાર્લ્સ શોભરાજ અહીં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ કાઠમંડુની યાક એન્ડ યતી હોટલમાંથી તેને પોલીસે પકડ્યો. 

૧૯૭૫માં જ્યારે થાઇલેન્ડથી ભાગીને તે નેપાળ ગયેલો ત્યારે કેનેડાની મહિલા અને એક અમેરિકન નાગરિકની હત્યા થઈ હતી. એ બન્ને હત્યામાં તેની વિરુદ્ધ પુરાવા મળ્યા હોવાથી પોલીસ તેને શોધતી હતી. ધરપકડ બાદ તેની સામે કેસ ચાલ્યો. નીચલી અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી. સુપ્રીમ કોર્ટમાં તેણે કરેલી અપીલ પણ ફગાવી દેવાઈ હતી. આ સજા પૂરી કરી હવે તે મુક્ત થઈ ફરી ફ્રાન્સ પહોંચ્યો છે. પણ હવે ૭૮ વર્ષની ઉંમરે શોભરાજ શું કરશે એ કોઈ કહી શકે એમ નથી. કેમકે તેના દિમાગમાં શું ચાલી રહ્યું એ તેના સિવાઈ કોઈને તે કળવા દેતો નથી. 

વકીલની પુત્રી સાથે જેલમાં લગ્ન કર્યા!

નેપાળમાં તેણે શકુંતલા થાપા નામની વકીલ રાખેલી. એ વકીલની ૨૦ વર્ષીય દીકરી નિહિતા વિશ્વાસ, શોભરાજના કેસ સબંધમાં માતા સાથે જેલમાં જતી. અચાનક એક દિવસ એક સમાચારે સૌને ચોંકાવી દીધા! ૮ ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે કેટલીક તસવીરો જાહેર થઈ. શોભરાજ નિહિતાના સેંથે સિંદૂર ભરી રહ્યો છે! બન્નેએ જેલમાં જ લગ્ન કરી લીધા હતા! આ લગ્ન પણ જેલમાંથી બહાર આવવા માટે કાવતરું હોવાનું પણ કહેવાતું. 

કયા કયા દેશોમાં ગુનાખોરી આચરી

શોભરાજ હત્યા કરીને મૃતકનો પાસપોર્ટ તફડાવી લેતો. એમાં ફોટો પોતાનો ચોંટાડી દેતો. કહેવાય છે કે તેની પાસે જુદા જુદા ૧૦ દેશોના પાસપોર્ટ હતા. જેના વડે તે એકથી બીજા દેશમાં ઘૂસી જતો. ફ્રાન્સ, ભારત અને નેપાળ ઉપરાંત તે અફઘાનિસ્તાન, ગ્રીસ, ઈરાન, પાકિસ્તાન, યુગોસ્લાવિયા, રોમ, બલગેરિયા, ડેનમાર્ક, તુર્કી વગેરે દેશોમાં તેણે ગુનાખોરી આચરી હતી. 

('અભિયાન' સાપ્તાહિકના  ૦૭ જાન્યુઆરી, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત  લેખ થોડા ફેરફાર સાથે)

Wednesday, 7 December 2022

વિક્રમ ગોખલેઃ ગુજરાતી ફિલ્મ જગતના પણ તેઓ સ્ટાર હતા


વિક્રમ ગોખલેએ છેલ્લા શ્વાસ લીધા એ સાથે હિન્દી-મરાઠી ફિલ્મ અને નાટ્ય જગતમાં શોક છવાઈ ગયો. જોકે ગુજરાતી દર્શકોમાં પણ આઘાત ઓછો નથી. બહુધા મરાઠી રંગમંચ અને હિન્દી-મરાઠી ફિલ્મના અભિનેતા તરીકે ગોખલેને યાદ કરવામાં આવે છે પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે પણ તેમનો અતૂટ નાતો રહ્યો હતો. તેમણે ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગમાં એકાધિક ફિલ્મોમાં અભિનય કરી ગુજરાતી દર્શકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. 

વિક્રમ ગોખલનો જન્મ પુણેમાં. મુખ્યત્વે ફિલ્મ, ટેલિવિઝન અને નાટકના કલાકાર. તેમણે મરાઠી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં મહત્ત્વના પાત્રો ભજવ્યાં. અભિનય તો જાણે વારસામાં મળ્યો હતો. તેમનાં પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય સિનેજગતનાં પ્રથમ અભિનેત્રી. તેમનાં દાદી કમલાબાઈ પ્રથમ મહિલા બાળ કલાકાર. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગમંચ અને ફિલ્મ કલાકાર હતા. આ પ્રકારે પરિવારમાંથી જ અભિયનકળાનું વાતાવરણ મળ્યું. એટલે પુખ્ત થયા એ સાથે તેઓ પણ ફિલ્મ અને નાટ્યજગતમાં પ્રવેશ્યા. 

હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથેની ‘પરવાના’, ‘અગ્નિપથ’ અને ‘ખુદા ગવાહ’ તેમની કારકીર્દિની ત્રણ યાદગાર ફિલ્મો ગણાય છે. એ પ્રકારે ‘વિક્રમવેતાલ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ભુલભુલૈયા’ જેવી કેટલીય ફિલ્મોમાં અભિનય કરી, તેમણે બહોળી લોકચાહના મેળવી હતી.

ઉત્કૃષ્ટ અભિનયને કારણે વિક્રમ ગોખલેને અનેક માનઅકરામ મળ્યાં. ૨૦૧૩માં આવેલી મરાઠી ફિલ્મ ‘અનુમતિ’માં ભજવેલા યાદગાર અભિનયને લીધે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. અભિનયની સાથે તેમણે નિર્દેશન ક્ષેત્રે પણ પ્રયોગ કર્યા. ૨૦૧૦માં રિલીઝ થયેલી ‘આઘાત’ તેમની નિર્દેશિત પ્રથમ મરાઠી ફિલ્મ. 

અભિનયની સૂક્ષ્મતાઓના જાણતલ અને લોકપ્રિય હોવાની સાથે એક વ્યક્તિ તરીકે પણ તેઓ ઊંચા દરજ્જાના હતા. એનો દાખલો આપતાં ગાયક પ્રફુલ્લ દવે ફેસબુક પર લખેલા સંસ્મરણમાં કહે છેઃ ‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી અનેક ફિલ્મોની સફળતા પછી એક વાર એ એર ઇન્ડિયાની ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં અમેરિકા અભિનયના વર્કશોપ માટે જતા હતા અને એ જ ફ્લાઇટમાં હું પણ હતો પણ ઇકોનોમી ક્લાસમાં! એ મને ઓચિંતા જોઈ ગયા અને મારો હાથ પકડીને બિઝનેસ ક્લાસમાં લઈ ગયા! મેં કહ્યું, વિક્રમભાઈ મારી ઇકોનોમીની ટિકીટ છે તો એણે એ જ વખતે બિઝનેસ ક્લાસના ક્રુઝ (કર્મચારીઓ)ને મરાઠીમાં કહી દીધું કે “જે પૈસા થાય એ કહો એટલે ક્રેડીટ કાર્ડથી ચુકવી દઉં! આ ગુજરાતના બહુ મોટા ગાયક છે અને એના કારણે ગુજરાતી ફિલ્મો અને મારી જેવા હીરો ચાલ્યા છે! જોકે એર ઇન્ડિયાએ ચાર્જ ના કર્યો પણ વિક્રમભાઈના કારણે ફેવર કરી અને હું પણ થોડીવાર એની સાથે બેસીને પાછો મારી ઇકોનોમીની સીટ પર જતો રહ્યો.’


જ્યારે 1975થી 1990 દરમ્યાન ગુજરાતી ફિલ્મ જગતનો સોનેરી યુગ ચાલતો હતો ત્યારે મરાઠી ફિલ્મો અને રંગભૂમિના અને ટેલિવિઝનના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેએ ‘કોઈનું મિંઢોળ કોઈના હાથે’, ‘ચોરીના ફેરા ચાર’, ‘જય મહાકાળી’, ‘આપો જાદરો’, ‘પાળિયાનો પડકાર’, વગેરે જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં દમદાર અભિનય કરેલો, આ બધી ફિલ્મોના ગીતોમાં પ્રફુલ્લ દવેએ એમને કંઠ આપ્યો હતો. એ ગીતો સુપરહિટ થયા હતા. 

ગુજરાતી ફિલ્મોમાં તેમના અભિનયને લીધે દર્શકો તેમને ગુજરાતી જ માનતા. તેમની ડાયલોગ બોલવાની છટા લોકોનું મન મોહી લેતી. તેમના એ સંવાદો અને ગીતોને તેમના ચાહકો આજેય યાદ કરે છે.

ગોખલે પુણેમાં સુજાતા ફાર્મ્સ નામની રિયલ એસ્ટેટ પેઢી ચલાવતા હતા. તેઓ સામાજિક કાર્યકર પણ હતા. તેમના પરિવારનું ચેરિટેબલ ફાઉન્ડેશન વિકલાંગ સૈનિકો, રક્તપિત્તથી પીડાતા અને અનાથ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. 

ફેબ્રુઆરી 2016માં ગળાની બિમારીને કારણે તેમણે રંગભૂમિની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તેમણે ફિલ્મમાં અભિનય ચાલુ રાખ્યો હતો. તેમને 5 નવેમ્બર 2022ના રોજ પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એકથી વધુ અંગોએ કામ કરવાનું બંધ કરી દેતાં 26મી નવેમ્બરે તેમનું 77 વર્ષની વયે તેમનું નિધન થયું.

(અભિયાન સાપ્તાહિકના  ૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ના અંકમાં પ્રકાશિત)


Tuesday, 29 November 2022

દૃશ્યમ્-૨: દૃશ્યોની જમાવટ વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ


આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અજય દેવગન, તબ્બુ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ 'દ્રશ્યમ-૨' ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મ ગત વર્ષે આ જ નામે રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે. વર્ષ ૨૦૧૫માં આવેલી ‘દૃશ્યમ’નો આ બીજો ભાગ હોવાથી સ્વાભાવિક છે કે એમાં ફિલ્મની અંદર ભેદી છે એવી હત્યાની એની એ જ કથા છે, મુખ્ય કલાકારો પણ એ જ છે. તપાસ જ્યાં અટકી હતી, એ નવા પોલીસ અધિકારી આવતાં ફરીથી શરૂ કરે છે. એક પછી એક કડીઓ ખૂલતી જાય છે, એમાં સરેરાશ દર્શકોને મનોરંજન મળે છે.  

ફિલ્મની શરૂઆતમાં કોઈ સનસનીખેજ દૃશ્ય આવે, જેનો ફિલ્મ સાથે કોઈ દેખીતો સંબંધ હોવાનું ન લાગે પણ જ્યારે ફિલ્મ ચરમસીમાએ પહોંચવામાં હોય એ પહેલાં જ પ્રારંભના એ સીનનો તંતુ જોડાઈ જાય. આ ઘસાયેલી ટ્રિકનો દૃશ્યમ-૨માં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે શરૂઆતનો ખાસ્સો એવો સમય કંટાળાજનક લાગે છે. ત્યાં સુધીમાં હત્યાનો ભેદ ઉકેલવામાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે અક્ષય ખન્નાની એન્ટ્રી થતાં ફિલ્મ ગતિ પકડે છે. સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ગાયતોન્ડે (કમલેશ સાવંત) અને ઇન્સ્પેક્ટર જનરલ વચ્ચેના સંવાદમાં હાસ્ય જન્માવવાનો પ્રયાસ કૃતક જણાય છે. વિષય ભારેખમ હોવાથી ફિલ્મને થોડી હળવી રાખવા કદાચ વચ્ચે હાસ્યનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એ જૂની ફોર્મ્યુલા પણ અહીં અપેક્ષા પ્રમાણે કારગત નીવડી નથી. 

પોલીસ, કોર્ટ જેવા તંત્રને ફિલ્મની પટકથામાં આવરી લેવામાં આવ્યા હોવાથી એને સંગત કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. આઇપીએસ કક્ષાનો કોઈ અધિકારી હત્યાકેસના શકમંદના ઘરે અચાનક જઈ પહોંચે એ વાત ગળે ઊતરતી નથી. ચર્ચાસ્પદ અને અણઉકેલ હત્યાના બનાવમાં મૃતકનું મનાતું હાડપિંજર ફોરેન્સિક સાયન્સની લેબમાં રાખવામાં આવે પણ ત્યાં માત્ર એક જ ચોકીદાર હોય, સીસીટીવી કેમેરા જ ન હોય, ક્યા યહ મુમકિન હૈ? ખેર, આ તો કાલ્પનિક સ્ટોરી પરથી મનોરંજનાર્થે સર્જાયેલું ચિત્રપટ છે, એમાં તર્ક થોડા લડાવવાના હોય! પરંપરા મુજબ દર્શકો મગજ બહાર મૂકીને ફિલ્મ જોવા જાય છે, બે કલાક રોમાંચ મેળવવા જાય છે, એ રીતે જોઈએ તો કોઈ વાંધો નથી. પણ હવે ભારતીય દર્શક પરિપક્વ બન્યો છે. એટલે સવાલ તો બનતા હી હૈ!   

ફિલ્મમાં એક રસપ્રદ વાત એ જોવા મળી કે એમાં કથાની અંદર ઉપકથા આવે છે, જોકે એ પાસાને વધારે અવકાશ આપવામાં આવ્યો નથી. વાત એમ છે કે અપરાધી વિજય(અજય દેવગન)ને એવી ગળા સુધીની ખાતરી છે કે એક દિવસ તે પકડાશે. એટલે તે આખા બનાવને મળતી આવે એવી નવલકથા લખે છે. પટકથા લેખક મુરાદ અલી(સૌરભ શુક્લા) સાથે એ કથા ઉપરથી ફિલ્મ બનાવવાના બહાને મિત્રતા કેળવી, એના નામે વિજયે એ પુસ્તકની થોડી નકલો પ્રસિદ્ધ કરાવી લીધી હોય છે. પછી જ્યારે વિજયને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે એ વખતે હાડપિંજર અન્ય મૃતકનું હોવાનું સામે આવતાં જ વિજયની વકીલ ન્યાયધીશને કહે છે કે પોલીસે આ કેસની સ્ટોરી નવલકથા ઉપરથી ઉપજાવી કાઢી છે! અને જજ સાહેબ પણ એ દલીલ સ્વીકારી લે છે! 

આવી કેટલીક મર્યાદાઓ હોવા છતાં ફિલ્મને સારો આવકાર મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હોવાના સમાચારો પણ આવી રહ્યા છે. અલબત્ત દર્શકોના માથાં પણ ફિલ્મ જોયા બાદ દુખવા લાગ્યા. પૂછો ક્યૂં? અરે, ભાઈ સસ્પેન્સ અને થ્રિલર મૂવી હોય એટલે દિલધડક દૃશ્યો વખતે હૃદયના ધબકારા વધારી મૂકે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાછૂટકે સાંભળવું પડે ને! એ સંગીતરૂપી ઘોંઘાટ પણ ફિલ્મ માણવામાં બાધારૂપ બને છે.

(‘અભિયાન’ મેગેઝિન ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨માં પ્રકાશિત)


Thursday, 3 November 2022

અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો કોયડો

ઘરના આંગણે લગ્નની શરણાઈઓ વાગવાને માત્ર પાંચ દિવસની વાર હતી. મમ્મી-પપ્પા અને ભાઈના હૈયાં આનંદની છલોછલ હતા. દિવાળીના તહેવારો પણ હાથવેંતમાં હોવાથી ખુશીઓ પણ બમણી થવાની હતી. પણ વિધાતાને જાણે ઠક્કર પરિવારની આ ખુશી મંજૂર નહોતી. હજી જુલાઈ મહિનામાં જ તેણે થાઈલેન્ડમાં જન્મદિવસની મનભરીને ઉજવણી કરી. પણ તેના ચહેરાનું આ સ્મિત એના મિત્રોને જરા વિચિત્ર જણાતું હતું. એક વેદના હતી, જે ખુશમિજાજ મુખડા પાછળથી ડોકિયાં કરતી હતી. શી હતી એ પીડા? શાં હતાં એનાં કારણો? તેણે બધું જ જાહેર કર્યું, પણ ત્યાં સુધીમાં તો એ જતી રહી હતી હંમેશને માટે!



આ વાત છે ‘યહ રિશ્તા ક્યા કેહલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલથી દર્શકોના દિલમાં સ્થાન મેળવી ચુકેલી લોકપ્રિય અભિનેત્રી વૈશાલી ઠક્કરની. તેણે ૧૫મી ઓક્ટોબરે રાતે ઇન્દોર શહેરની સાંઈ બાગ કોલોનીમાં આવેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી. આ ઘટનાએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભારે આઘાત જન્માવ્યો. ૩૦ વર્ષની કુમળી વયે અપાર ચાહના મેળવી લેનાર વૈશાલીના જવાથી તેના ચાહકો પણ હજી સુધી શોકમાંથી બહાર આવ્યા નથી. 

વૈશાલીએ જ્યાં આત્મહત્યા કરી એ ઓરડામાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. એમાં લખ્યા મુજબ તેને તેના પાડોશમાં રહેતો પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાની છેલ્લા કેટલાક વર્ષોથી પજવતો હતો. તે શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. એમાં રાહુલની પત્ની દિશા પણ સાથ આપી રહી હતી. રાહુલને બે બાળકો પણ છે.  રાહુલ વૈશાલીને લગ્ન કરવા દેતો ન હતો. 

વૈશાલીના લગ્ન કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર મિતેશ સાથે થવાના હતા. બંનેએ લગ્ન માટે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. લગ્નની નોંધણી માટેની અરજી ઈન્દોરની જિલ્લા કલેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી. જે મુજબ મિતેશ સુરેન્દ્ર કુમાર ગોર અને વૈશાલી હરભગવાન ઠક્કરની અરજી 20 સપ્ટેમ્બરે મેરેજ એક્ટ હેઠળ મળી હતી. નોંધણી મુજબ, લગ્ન અરજીની તારીખથી લગભગ એકથી ત્રણ મહિનામાં થવાના હતા.

ઇન્દોરમાં જ મંગેતર મિતેશ ગોર સાથે વૈશાલીના લગ્ન ૨૦ ઓક્ટોબરે કરવાના નક્કી થયા હતા. એવામાં આ સગપણ તોડાવવા રાહુલે વૈશાલી સાથેની ખાનગી તસવીર મિતેશને મોકલી દીધી હતી. રાહુલની આવી હરકતોથી છેવટે વૈશાલી હારી ગઈ હતી. 

આપઘાતનો બનાવ બન્યાના ચોથા દિવસે પોલીસે ઇન્દોર પાસે જ રાહુલને પકડી લીધો. આઠ દિવસ સુધી રિમાન્ડ હેઠળ રાખ્યા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો, અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. રાહુલ વિરુદ્ધ સજ્જડ પુરાવા હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસે તેના મોબાઇલ ફોન કબજે કરી એમાંથી ડિલિટ કરાયેલો ડેટા પણ પરત મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. 

વૈશાલીના વ્યક્તિગત સામાનમાંથી મળેલી ડાયરીમાંથી મહત્ત્વની વિગતો બહાર આવી. એ ડાયરી પ્રમાણે રાહુલ તેને છેલ્લા કેટલાય સમયથી હેરાન કરતો હતો. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો તે રસ્તો શોધતી હતી. કદાચ આ રસ્તો તેને આત્મહત્યામાં દેખાયો. 

વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે- 

મમ્મી, પપ્પા. 

બસ તમે હવે કંઈ ના કરો. તમે લોકો પણ મારા માટે ખૂબ જ પરેશાન થશો. માત્ર હું જ જાણું છું કે 2 વર્ષમાં મેં કેવું યુદ્ધ લડ્યું છે. રાહુલ નવલાનીએ મારી સાથે શું ખોટું કર્યું છે તે પણ હું કહી શકતી નથી. મારું કેવી રીતે ભાવનાત્મક રીતે શોષણ થયું, શારીરિક શોષણ થયું અને આખરે તેણે ‘હું તારા લગ્ન થવા દઈશ નહીં’ એવું કહેલું એ કરી બતાવ્યું. જો દીકરી નહીં હોય, તો એના વિશેની કોઈ સમસ્યા પણ નહિ રહે. હું જાઉં છું મા. લવ યુ પપ્પા-મા. મને માફ કરજો. હું સારી દીકરી ન બની શકી. રાહુલ અને દિશાએ મને બે વર્ષ સુધી માનસિક રીતે ટોર્ચર કરી. કૃપા કરીને રાહુલ અને તેના પરિવારને સજા અપાવજો, નહીં તો મારા આત્માને શાંતિ નહિ મળે. તમને મારા સમ છે. ખુશ રહેજો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. મિતેશ પ્રત્યે પણ હું દિલગીર છું. 

લિ. વૈશાલી ઠક્કર

તેનાં માતા અન્નુ કૌર ઠક્કરનું કહેવું છે કે ‘વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેને ન્યાય મળવો જોઈએ, અમે પણ ઈચ્છીએ છીએ કે વૈશાલીને ન્યાય મળે. રાહુલ અને તેની પત્ની ત્રાસ આપતા હતા. તેને ઘરે બોલાવીને સમજાવવામાં આવ્યો, પરંતુ તે માન્યો ન હતો, તેની પત્ની પણ રાહુલને સાચો માનતી હતી અને કહેતી હતી કે મારા પતિ સાચા છે, વૈશાલી ખોટી છે, તેણે રાહુલને ફસાવી દીધો છે. તેના કારણે મારું ઘર બરબાદ થઈ રહ્યું છે પરંતુ રાહુલને કારણે વૈશાલીનું જીવન બરબાદ થઈ ગયું.’ 

વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે જાહેર કર્યું કે રાહુલ અને તેના પિતા પ્લાયવૂડના જથ્થાબંધ વેપારી છે. ઉપરાંત રાહુલ લૈમનેટ્સ નામે પેઢી પણ ચલાવે છે. રાહુલ અને વૈશાલીના પિતા વચ્ચે દોસ્તી હોવાથી બન્ને એકમેકના પરિચયમાં આવ્યા હતા. રાહુલ ક્યારેય કોલેજ ગયો નથી. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી તે વૈશાલીની સોસાયટીમાં રહેતો હતો. 

વૈશાલીએ કેરિયર અને લગ્નજીવન અંગે ઘણા સપના જોયાં હતાં. પણ એક માણસે તેની જિંદગી બરબાદ કરી નાખી. આ દરમ્યાન વૈશાલીના મિત્ર નિશાંત મલકાનીએ એક ઇન્ટરવ્યુમાં બન્ને વિશે ઘણા ખુલાસા કર્યા. નિશાંતે જણાવ્યું હતું કે, ‘રાહુલ વૈશાલીને ખૂબ હેરાન કરતો હતો અને તે વૈશાલીના મંગેતરને પણ મેસેજ કરીને પરેશાન કરતો હતો. રાહુલ વૈશાલીને આગળ વધવા દેતો ન હતો. આ કારણે એ ડિપ્રેશનમાં રહેવા લાગી. તેણે મનોચિકિત્સકની મદદ પણ લીધી. વૈશાલી સેટ પર ખૂબ રડતી હતી અને યોગ્ય રીતે અભિનય પણ કરી શકતી નહોતી.’

ધરપકડ બાદ રાહુલને 28 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. જોકે પોલીસને રાહુલની પૂછપરછમાં અત્યાર સુધી કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા નથી. તેના રિમાન્ડ પણ પૂરા થઈ ગયા છે. વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલ તેની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. રાહુલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, પરંતુ તેની પત્ની દિશા હજુ તા.૩૧ ઓક્ટબર સુધી પોલીસને હાથ લાગી નથી. રાહુલે પૂછપરછ દરમિયાન પોલીસને તપાસમાં મદદ મળે એવી કોઈ વિગતો આપી નથી. પરંતુ તેણે એક નવો દાવો કર્યો, જેનાથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. પૂછપરછ દરમિયાન રાહુલે પોલીસને જણાવ્યું કે વૈશાલી ઠક્કરને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું ન હતું, તેથી તે તેના સંપર્કમાં હતી. રાહુલે દાવો કર્યો હતો કે વૈશાલી આર્થિક રીતે નબળી પડી ગઈ હતી. તેની પાસે પૈસા ન હોવાથી તે વૈશાલીને આર્થિક મદદ કરતો હતો.

રાહુલે પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી કે વૈશાલી સાથે તેની સારી મિત્રતા હતી. તેણે એવું પણ કહ્યું કે વૈશાલી તેના પિતાની મદદ લેવા માંગતી ન હતી અને તેથી જ તેણે અભિનેત્રીને ઘણી વખત પૈસાની મદદ કરી હતી. પરંતુ પોલીસને રાહુલના આ દાવા પર કોઈ વિશ્વાસ નથી. આમ છતાં પોલીસ હવે રાહુલ અને વૈશાલીના બેંક ખાતાની પણ તપાસ કરશે. 

પોલીસે કહ્યું, કે રાહુલ તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આવી સ્થિતિમાં જો જરૂર પડે તો તેનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરવાનગી પણ લઈ શકાય છે. પોલીસે રાહુલ નવલાનીના ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલે તેનો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. અલબત્ત પોલીસે બે મોબાઈલનો ડેટા રિકવર કર્યો છે, પરંતુ ત્રીજા ફોનમાં સમસ્યા સામે આવી રહી છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર ત્રીજો ફોન આઇફોન છે, જેનો લોક ન ખૂલવાને કારણે પોલીસની ચિંતા વધી ગઈ છે. આ અંગે પોલીસે આઈફોન કંપનીને મદદ માટે પત્ર પણ લખ્યો છે. ઉપરાંત રાહુલે પોલીસ સમક્ષ પોતાની પત્ની વિશે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ એની શોધખોળ ચલાવી રહી છે. શક્ય છે કે પોલીસને તેની પાસેથી કેસના કોઈ અન્ય પુરાવા મળી આવે. 

અહીં એ વાત પણ નોંધપાત્ર છે કે ગયા વર્ષે વૈશાલીનું પ્રથમ સગપણ કેન્યા સ્થિત ડેન્ટલ સર્જન અભિનંદનસિંઘ સાથે થયેલું જે કોઈ કારણથી તૂટી ગયું હતું.

(‘અભિયાન’ મેગેઝિનના ૧૨ નવેમ્બર, ૨૦૨૨ના અંકમાં આ લેખ થોડો ટૂંકાવીને પ્રગટ  થયો હતો.)

Monday, 5 September 2022

પગ મને ધોવા દ્યો રઘુરાય!

હું જ્યારે પણ ધ્રોલમાં જાઉં છું અને પડધરીના નાકા પાસે તૂટેલી દીવાલો, બાવળની ઝાડીઓ વચ્ચે એક ખંડિયેર જોઉં છું ત્યારે મન ખિન્ન થઈ જાય છે. એ ખંડિયેરમાં મારી નિશાળ ચાલતી હતી. તાલુકા શાળા નંબર ૨. બાજુમાં ત્રણેક ફૂટ નીચું નાનકડું મેદાન. શાળાના ચોગાનમાં ડાબી બાજુ, એક નાનો લીમડો, જે ક્યારેય ઘેઘૂર થયો જ નહિ, હા એના થડમાંથી ગૂંદર નીકળતું. એની નજીક એક ઊંચું ઝાડ હતું. એની માથે કાગડા માળા બનાવતા, લાંબી જાડી સાંઠીકડીઓ, ચવાયેલા દાતણો વડે. જોકે એ ઝાડનું નામ મને યાદ નથી. હા એટલું યાદ છે કે એનું થડ લીમડાના થડ કરતાં રૂપાળું હતું. એને સફેદ ફૂલ થતાં, એ ફૂલની અમે સીટી બનાવીને સિસોટી વગાડતા. છેક ડાબી બાજુ વડનું ઝાડ હતું. એ પણ શાળા પૂરી કરી ત્યાં સુધી બટકું જ રહ્યું. એ બાજું ઉઘાડા પગે જતા વિદ્યાર્થીઓને પગમાં કાંટાદાર ગોખરું ખૂંચી જતા. આ ગોખરું ક્યાંથી આવતા હતા, શેમાંથી ઉત્પન્ન થતાં એ મારા માટે આજેય કોયડો છે. 

મેદાનમાં મોટા ભાગે બેટદડેથી રમવાનું બનતું અથવા તો છૂટ્ટી દડી. અમારા એક શિક્ષક હતા ચંદુ સાહેબ. તેમની પર્સનાલિટી ટનાટન હતી. સહેજ ફાંદ હતી પણ આમ ફિટ હતા. ઇસ્રીદાર શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરતા. ક્લીનશેવ રહેતા. તેલ નાખીને માથું ઓળતા. વાળ ટૂંકા રાખતા. શિયાળામાં અડધી બાંયનું સ્વેટર પહેરતા. એમના શરીરમાં ગબજ સ્ફૂર્તિ હતી. શાળાનો સમય બપોરનો હોય ત્યારે ૧૫ મિનિટની રિસેસમાં તેઓ પગપાળા ઘરે જતા અને ઘરે પાંચ મિનિટની વામકુક્ષી કરીને પાંચ મિનિટમાં નિશાળે પહોંચી જતા.

છોકરાઓમાં ચંદુ સાહેબની રાડ પણ બહુ બોલતી. ખાસ કરીને એમના ચીંટિયાની. અમારી સ્કૂલ ખાલી છોકરાઓની જ હતી. તોફાની છોકરાઓને સાથળ અને બગલમાં ચંદુ સાહેબ એવા ચીંટિયા લેતા કે છઠ્ઠીના ધાવણ યાદ આવી જતા. વાને ગોરા હોય એવા છોકરાંઉને તો લીલા ચાંભા પડી જતા.

મને યાદ છે ત્યાં સુધી એક દિવસ હું અને મારો નામેરી દોસ્ત અમે બન્ને વ્હોરા છોકરાઓ સાથે બથોબથીએ આવી ગયા હતા. એ વાતની જાણ ચંદુ સાહેબને થઈ અને તેમણે અમારો વારો કાઢ્યો. અમે કહ્યું, ‘સાહેબ અમે તો મસ્તી કરતા હતા.’ સાહેબ બોલ્યા, ‘મસ્તીની માનો ક્યાં ટાંગો મારો છો!’ અલબત્ત ચંદુ સાહેબ ક્યારેય બિભત્સ ગાળ બોલ્યાનું સ્મરણ નથી. અમે તેમને તમાકુ ચોળતા, પાન-માવો ખાતા, બીડી સિગારેટ ફૂંકતા પણ જોયા નથી. 

તેમને સમાચાર વાંચવાની ઇચ્છા થતી ત્યારે કોઈ છોકરાને મોકલીને નજીકના વાણિયા ચોકમાં આવેલી કરિયાણાની દુકાનેથી છાપું મંગાવી લેતા. હા, એ છાપું દુકાન પાસે રહેતા કોઈ મહિલા વાંચવા લઈ ગયા હોય તો સાહેબ છોકરાને રસથી પૂછતાં કે એ કોણ?

ચંદુ સાહેબ એક અનોખા મિજાજના માણસ હતા. ચિત્રકામ પર એમને હથોટી હતી. શાળામાં ભગતસિંહ, મહારાણા પ્રતાપના ચિત્રો તેમણે બનાવ્યાનું ધૂંધણું સ્મરણ છે. શિયાળામાં ટાઢ ઉડાડવા તેઓ અમારી સાથે ક્રિકેટ રમતા. પણ એમનો શિરસ્તો એ રહેતો કે તેઓ બેટ હાથમાં લે એટલે બસ પોતે જ રમ્યા કરે અને બોલ ઉપાડે એટલે બધા છોકરાંઓએ જ રમવાનું, તેઓ બોલ નાખતા રહે. 

ક્યારેક એમને તાન ચડી જાય તો સવારની પ્રાર્થના વખતે ભજન પણ ગાઈ નાખતા. ‘પગ મને ધોવા દ્યો રઘુરાય’ એમના મોઢેથી સાંભળ્યાનું ભુલાયું નથી. તેઓ મોટા ભાગે નાકથી ગાતા. નાકથી યાદ આવ્યું, એમની છીંક પણ ભયંકર હતી. હા-ક-છીં કરે એટલે એની તીણી ચીસથી આખી નિશાળ ગાજી ઊઠતી. ક્યારેક છીંક આવતા આવતા અટકી ગઈ હોય તો સાહેબ રૂમની બહાર જઈને તડકા તરફ જોતા અને તરત જ હાકછી થઈ જતું. 

સ્કૂલમાં બે સહપાઠી મિત્રો હતા સમીર અને પ્રિયંક. બન્નેના પિતા સરકારી અધિકારી. સમીર અને પ્રિયંક બન્ને અભ્યાસમાં હોશિયાર. ચંદુ સાહેબ તેમને લગભગ અઠવાડિયે (કદાચ દર શનિવારે) રમાતી ક્રિકેટ મેચમાં કેપ્ટન બનાવતા. સમીર અને પ્રિયંક ચંદુ સાહેબને ત્યાં ટ્યુશને પણ જતા. એક વખત મને પણ થયું કે હું પણ સાહેબના ટ્યુશને જાઉં. સ્ટવ, ટોર્ચ, પેટ્રોમેક્સ, ફાનસ, વગેરેનું રિપેરિંગ કરીને અમારું પેટ ભરતા મારા પિતાએ હા તો પાડી પણ પછી ૫૦ રૂપિયાની ફી મોંઘી લાગી એટલે ટ્યુશન બંધ કરવું પડ્યું. એક મહિનો હું ટ્યુશને ગયો. મહિનાના અંતે ચંદુ સાહેબે નિશાળમાં જાહેર કર્યું, ‘આજે ઇમરાન કેપ્ટન બનશે.’ મેચ શરૂ થાય એ પહેલાં મેં એમને કહ્યું, ‘સાહેબ, હવેથી હું ટ્યુશને નહિ આવી શકું.’ પછી તેમણે મને કેપ્ટન બનાવવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો. 

ચંદુ સાહેબ એક-બે ધોરણ સુધી નહિ પણ લગભગ ધો.૪થી છેક ૭મા ધોરણ સુધી અમારા સાહેબ રહ્યા હતા. 

(લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી, ૨૦૨૧)

Wednesday, 17 August 2022

મારું નામ ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહિ જાય

ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો ત્યારે કવિતા હજી પાશ્ચાત્ય અસર હેઠળ હતી. એ યુગમાં કવિ કાન્તની પ્રતિભાએ જન્મ લીધો. પહેલીવાર અર્વાચીન ગુજરાતી કવિતાની પ્રૌઢ મુદ્રા તેમનાં કવનમાં દેખાઈ. પૂર્વ-પશ્ચિમ સાહિત્યધારાનો સંગમ ધરાવતી છતાં સંપૂર્ણ આગવી તેમની કાવ્યબાની આજે પણ મન મોહી લે છે. તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ વાતને ગઈ ૧૬ જૂનથી ૧૦૦મું વરસ બેઠું. દસ દાયકા પછી પણ એમનાં કાવ્યો સદાબહાર છે.



એક વખત કવિ યોગેશ જોશી કવિ યજ્ઞેશ દવે અને તેમના વિદેશી મિત્ર સાથે ઉમાશંકર જોશીના ઘરે પહોંચ્યા. વાતચીત દરમ્યાન કવિ કાન્તનો ઉલ્લેખ થયો. ઉમાશંકરે કાન્તના કાવ્ય સાગર અને શશિની પંક્તિઓનું પઠન કર્યું:

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે!

ભારતના પ્રવાસે આવેલા વિદેશી મિત્ર ગુજરાતી ભાષા ન જાણતા હોવા છતાં તરત બોલી ઉઠ્યા, ‘આ કાવ્યમાં સમુદ્ર વિશેની કોઈ વાત છે?’ કાન્તના છંદોલયનો એ ચમત્કાર કે ભાષા ન જાણનાર પણ એનો ભાવ પામી ગયો.

મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ કરતાં ઉપનામથી વધુ જાણીતા આ કવિ કાન્ત નવેમ્બર ૨૦, ૧૮૬૭ના રોજ  અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામમાં જન્મ્યા હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં મેળવ્યું. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં કવિતાવિલાસ ચાલતો. તેમાં વ્રજભાષાની ચમત્કૃતિભરી શૈલીમાં કાવ્યરચનાઓ થતી. સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને શુદ્ધ છંદોવિધાન ધરાવતા કાવ્યો રચાતાં. આ કવિતાવિલાસમાં સહભાગી થવું તેમને ઘણું સાહિત્યસર્જનમાં ઉપયોગી બન્યું.

તેઓ ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે સ્નાતક થયા. પશ્ચિમ જગતના બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા. ઉત્તમ અધ્યાપકની મદદથી સાહિત્યના વધુ નજીક ગયા. બળવંતરાય ઠાકોર જેવા કવિમિત્રો મળ્યા. અંગ્રેજી, પ્રાચીન ગ્રીક, યુરોપિય સાહિત્યનું રસપાન કરી તૃપ્ત થયા. કવિઓ અને નાટકો જ નહિ, ઇતિહાસકારો, તત્ત્વચિંતકોથી પણ તેઓ પ્રભાવિત થયા. એના લીધે એમની કાવ્યરુચિ અનોખી રીતે ઘડાઈ હતી. અંગ્રેજી કવિતા સમૃદ્ધિથી કાન્ત એટલા અંજાયા હતા કે માથું હલાવે એવી કવિતા સંસ્કૃતમાં ખરી પણ વાંચતાં હૃદયમાં વાઇબ્રેશન થઈ જાય એવી કવિતા તો અંગ્રેજીમાં જ દેખાય એવું તેઓ માનતા.

૧૮૮૯માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઈસ પ્રિન્સિપાલ અને ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે રહ્યા હતા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, એ કારણે તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. એમના હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પહેલાં અત્યંત આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ ગયા હતા. ૧૮૯૮માં આ કશમકશ વચ્ચે લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં તેઓ જોડાયા હતા. એમણે ભાવનગર ગયા પછી ૧૯૦૦માં ધર્મપરિવર્તનને જાહેર કરતાં જ્ઞાતિના બહિષ્કાર સહિતની યાતના વેઠવી પડી હતી. છેવટે પત્ની અને સંતાનને ખાતર સ્વધર્મમાં પાછા ફર્યા હતા. આ સમયગાળા દરમ્યાન ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી.

ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાતા કાન્તમાટે તેમનાં ખંડકાવ્યો તેમની ખાસ ઓળખ બન્યાં. તેમણે સંસ્કૃત ખંડકાવ્ય કરતાં બહુ જુદા પ્રકારનાં ગુજરાતી ખંડકાવ્ય સર્જ્યાં. ભાષાનું બેનમૂન સૌંદર્ય અને શૌભા એમાં જોઈ શકાય છે. વસંતવિજય’, ‘ચક્રવાક મિથુનઅને દેવયાનીઆ ત્રણેય તેમનાં સર્વોત્તમ ખંડકાવ્યો માનવામાં આવે છે.  જોકે ખંડકાવ્યો કરતાં તેમનાં ઊર્મિકાવ્યો પ્રમાણમાં વધારે છે, જેમાં ઉપહાર’, ‘ઉદ્ગાર’, ‘વત્સલનાં નયનોઅને સાગર અને શશીમુખ્ય છે. તેમણે આગવી શૈલીમાં પ્રકૃતિ, પ્રેમ, પ્રભુનિષ્ઠા જેવા સનાતન વિષયો નિરૂપ્યા છે.

કાવ્યો, નાટકો, વિવેચન ઉપરાંત કાન્તના પત્રો પણ મહત્ત્વના ગણાય છે. દર્શના ધોળકિયાએ સંપાદિત કરેલા ગ્રંથમાં એમના ૭૦૦ પત્રોને સમાવ્યા છે. જેમાં કવિના અંગત જીવન, મૈત્રિ સંબંધ અને સાહિત્યવિચાર વિશે વિશેષ માહિતી મળે છે. પોતાની કવિતાઓ વિશે તેઓ મિત્રોના સ્પષ્ટ અભિપ્રાયને આવકારતાં, કોઈ ભૂલ ચીંધી બતાવે તો રાજી થતાં.

એક પત્રમાં તેઓ લખે છે કે મ્હને ધાસ્તી રહે છે કે હું થોડાં વર્ષમાં કવિ મટી જવાનો...જ્યારે રમાનામના કાવ્યની બળવંતરાયે ટીકા કરી ત્યારે એને સ્વસ્થતાથી ઝીલી અને અન્ય મિત્રને પત્રમાં લખ્યું, ‘…મને મારા હૃદય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય.

આ પ્રકારે પોતાના સર્જન પ્રત્યે શ્રદ્ધાવાન કવિ કાન્ત ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. બરાબર એ જ દિવસે તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ પૂર્વાલાપપ્રગટ થયો હતો.



Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...